તરુણાદિત્યનું મંદિર : ચાલુક્ય શાસન દરમિયાનનું સૂર્યમંદિર. ગુજરાતમાં મૈત્રક અને અનુમૈત્રકકાળ દરમિયાન ઘણાં સૂર્યમંદિરો હતાં. આ પ્રણાલી સોલંકી કાળ સુધી ચાલુ રહી હતી. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચાલુક્યોનું રાજ્ય હતું. તેમની રાજધાની નક્ષિસપુર હતી. આ વંશના રાજા બલવર્માએ નક્ષિસપુર ચોર્યાશીનું એક ગામ જયપુર તરુણાદિત્યના મંદિરના નિભાવ માટે આપ્યું હતું. આ મંદિર કર્ણવીરિકા નદીને કાંઠે આવેલું હતું. આ રાજાનો ઈ. સ. 895નો શિલાલેખ મળ્યો છે. તેના અનુગામી અવનિ વર્મા બીજાએ પણ આ તરુણાદિત્યના મંદિરને એક ગામ દાનમાં આપ્યું હતું. અવનિ વર્માની ઈ. સ. 900 પછી વિગત મળતી નથી. એટલે આ મંદિર નવમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન બંધાવ્યું હશે. ગુર્જર પ્રતિહાર મહેન્દ્રપાલને રાષ્ટ્રકૂટોએ હરાવી આ વંશનો તેમજ ચાલુક્યવંશનો અંત આણ્યો હતો. ‘તરુણાદિત્ય’ નામ બાલ સૂર્યની ઉપાસના થતી હશે એમ સૂચવે છે.
શિવપ્રસાદ રાજગોર