તરુણાવસ્થા

January, 2014

તરુણાવસ્થા (adolescence) : બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થા વચ્ચેનો સંક્રાંતિનો સમયગાળો. વયની ર્દષ્ટિએ લગભગ 11 વર્ષથી શરૂ કરીને ૨0 વર્ષની ઉંમર સુધીના સમયગાળાને તરુણાવસ્થા ગણવામાં આવે છે. વ્યક્તિના જીવનમાં સંઘર્ષ અને મંથનની આ મૂંઝવણભરી અવસ્થા છે. આ ગાળામાં વૃદ્ધિનો દર ઊંચો રહે છે અને તેની સમાપ્તિ પહેલાં જાતીય પરિપક્વતા આવી જાય છે. આ અવસ્થાની શરૂઆતમાં તે બાળક હોય છે પરંતુ તે પૂરી થતાં, તે, પ્રજોત્પત્તિની  ક્ષમતા પ્રાપ્ત કરી લે છે.

તરુણાવસ્થાનાં પ્રારંભિક વર્ષોમાં યૌવનારંભ (puberty) દેખાવા માંડે છે. છોકરાઓમાં વૃષણ(શુક્રપિંડ)ની વૃદ્ધિ, જનનઅવયવની આજુબાજુ રુવાંટી (kinky hair), રાત્રે ઊંઘમાં વીર્યસ્રાવ (સ્વપ્નદોષ), બગલમાં વાળ ઊગવા, અવાજમાં ફેરફાર, દાઢી ઊગવી, વગેરે; છોકરીઓમાં સ્તનનો વિકાસ, જનનઅવયવની આસપાસ રુવાંટી, ઋતુસ્રાવ(માસિક ધર્મ)ની શરૂઆત, બગલમાં વાળ ઊગવા, વગેરે. આ પ્રકારના ફેરફારોથી તરુણો અને તરુણીઓ અવનવી લાગણી અનુભવે છે, પોતાના બાહ્ય દેખાવ અંગે સજાગ બની જાય છે, વિજાતીય આકર્ષણ અનુભવે છે અને વિજાતીય વ્યક્તિની હાજરીમાં પોતાની સારી છાપ પાડવા માટેના પ્રયત્નો આદરે છે. અંડપિંડ અને શુક્રપિંડમાંથી પેદા થતા જાતીય લૈંગિક અંત:સ્રાવો(sex hormones)માં 10થી 11 વર્ષની ઉંમર પછી સ્ત્રીજાતીય અંત:સ્રાવ(estrogen)નું પ્રમાણ વધતું જાય છે અને પુરુષ-જાતીય અંત:સ્રાવ(androgen)નું પ્રમાણ ઘટતું જાય છે. જ્યારે છોકરાઓની બાબતમાં તેનાથી ઊલટું બને છે. આના પરિણામે છોકરા-છોકરીમાં પોતપોતાનાં જાતીય લક્ષણો દેખાવા માંડે છે. છોકરીઓમાં માસિકધર્મનું જે ચક્ર છે તેવી કોઈ નિયમિત ઘટના છોકરાઓમાં હોતી નથી. છોકરાઓમાં વીર્યસ્રાવ જોવા મળે છે. છોકરીઓમાં માસિકધર્મ શરૂ થાય એટલે તરત જ તેમના જનનઅવયવો કાર્યશીલ બની જતા નથી. તે વખતે, અંડપિંડોનું કદ, તેના પૂરા કદના 30 % જેટલું હોય છે અને તેની કાર્યક્ષમતા પણ નીચી હોય છે. છોકરાઓમાં જાતીય વિકાસનો સમયગાળો પ્રમાણમાં લાંબો હોય  છે. જ્યારે શુક્રપિંડ અને અંડપિંડમાં શુક્રકોષ અને અંડકોષની ઉત્પત્તિ શરૂ થવા માંડે ત્યારે જાતીય પરિપક્વતા આવી કહેવાય.

ગુજરાત રાજ્યના નિદર્શ (sample) પર થયેલ સંશોધન દર્શાવે છે કે, 10થી 13 વર્ષના ગાળામાં છોકરીઓની ઊંચાઈનો વૃદ્ધિદર સૌથી વધુ હોય છે જ્યારે છોકરાઓમાં તે સમયગાળો 12થી 16 વર્ષનો હોય છે. વજનની બાબતમાં આ સમયગાળો છોકરીઓ માટે 10થી 16 વર્ષનો અને છોકરાઓ માટે 11થી 18 વર્ષનો હોય છે. છોકરીઓની અને છોકરાઓની ઊંચાઈ સામાન્ય રીતે અનુક્રમે 16 અને 18 વર્ષની ઉંમર પછી ખાસ વધતી નથી. તરુણાવસ્થાને અંતે, યુવતીઓની સરાસરી ઊંચાઈ કરતાં યુવકોની સરાસરી ઊંચાઈ લગભગ 12.5 સેમી. જેટલી વધુ હોય છે. તે જ રીતે છોકરાઓનું સરાસરી વજન 5.50 કિગ્રા. જેટલું વધુ હોય છે.

મગજની નીચે આવેલી પીયૂષિકા ગ્રંથિ(pituitary gland)ના જનનપિંડ-ઉત્તેજક અંત:સ્રાવો (gonadotrophin) તથા વૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone) વધુ નાની ઉંમરે શરૂ થઈ જાય તો અપરિપક્વ દશામાં વૃદ્ધિ અટકી જાય છે અને અસાધારણ રીતે તે વ્યક્તિનું કદ (ઊંચાઈ) ઠીંગણું રહે છે. ઊલટું, જો સ્રાવ મોડો શરૂ થાય તો હાથપગનો વિકાસ લાંબો સમય ચાલુ રહે છે અને અસાધારણ ઊંચાઈ પ્રાપ્ત થાય છે. આમ, તરુણાવસ્થામાં સમધારણ વિકાસ અને વૃદ્ધિનો આધાર પીયૂષિકા ગ્રંથિના અંત:સ્રાવના પ્રમાણ પર રહેલો છે.

તરુણ નથી બાળક કે નથી પુખ્ત વ્યક્તિ, તે તરુણ જ છે. સમાજનાં મોટેરાં (માતાપિતા, સગાંવહાલાં, શિક્ષકો) કાં તો તેને બાળક ગણી ઉવેખે છે અથવા પુખ્તતાના માપદંડો લક્ષમાં રાખીને વધુ પડતી અપેક્ષાઓ રાખે છે. આમાંથી બે પેઢી વચ્ચેનો સંઘર્ષ પેદા થાય છે. આ સમયગાળામાં તેમને પ્રેમ-હૂંફ, સહાનુભૂતિ, સ્વીકૃતિ, સ્વતંત્રતા વગેરેની વિશેષ જરૂરિયાતો હોય છે. જે પૂરતી ન સંતોષાતાં એક જાતની તંગદિલી અનુભવે છે, જેમાંથી સંઘર્ષ અને વિરોધની લાગણીઓ પેદા થાય છે. ઘણી વખત તે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી, નિરાશાની ગર્તામાં ડૂબવા માંડે છે. આ સમયે મોટેરાંએ ‘હુકમો’થી કામ ન લેતાં સમજાવટથી કામ લેવું જરૂરી ગણાય છે.

પ્રસ્તુત અવસ્થામાં, તરુણો માટે સમવયસ્ક જૂથનું અદકેરું મહત્ત્વ છે. ઘણી વખત માતાપિતા કે ભાંડુઓ કરતાં સમવયસ્કો પ્રત્યેની વફાદારી વધુ હોય છે. અતિઅંગત અને ગંભીર બાબતો ઘરની કોઈ વ્યક્તિને કહેવાને બદલે તે સમવયસ્ક આગળ રજૂ કરી દે છે. મૈત્રી બાબતમાં તરુણીઓ અતિ નાનાં જૂથમંડળો (cliques) ધરાવતી હોય છે તેવું સામાજિકતામિતિ (sociogram) દ્વારા જણાયું છે. સરખામણીમાં તરુણોનાં જૂથમંડળો પ્રમાણમાં મોટાં હોય છે. તરુણાવસ્થાના અંત સુધીમાં મિત્રાચારીમાં સ્થાયીપણું આવી જાય છે. જેને પરિણામે તેવી મૈત્રી જીવનભર ટકી રહે છે.

તરુણોત્તર-અવસ્થા(post-adolescence)માં ભણવાના વિષયોની પસંદગી માટે તેમજ વ્યવસાય પસંદગી માટે માર્ગદર્શનની અનિવાર્ય જરૂરિયાત ગણાય છે. વ્યવસાયોની દુનિયા (the world of work)માં સૌને ડૂબકી ખવડાવીને તેનો પરિચય કરાવી યોગ્ય પસંદગી કરવાની તક રહે તેવું કરવામાં આવે છે. ભાવિ જીવનની સફળતા કે નિષ્ફળતાનાં બીજ તરુણાવસ્થામાં વવાઈ જાય છે. તેથી, તરુણાવસ્થા જીવનકાળનો ખૂબ જ અગત્યનો અને અમૂલ્ય સમયગાળો છે.

જયંતીભાઈ હીરાલાલ શાહ