તરસંગ : બનાસકાંઠા જિલ્લામાં આવેલ ભૂતપૂર્વ દાંતા રાજ્યની જૂની રાજધાની. તે ‘તરસંગ’, ‘તરસંગમ’ કે ‘તરસંગમક’ તરીકે પણ ઓળખાય છે. અંબાજી પાસેના ગબ્બરગઢના કેસરીસિંહે તરસંગિયા ભીલને મારીને આ સ્થળને ઈ. સ. 1269માં રાજધાની તરીકે પસંદ કર્યું હતું. આ સ્થળ દાંતા તાલુકામાં દાંતાથી 17 કિમી. દૂર આવેલ મહુડી ગામ પાસે છે. અલ્લાઉદ્દીન ખલજીએ (1297–1315) આ ગામ પર ચડાઈ કરીને જીતી લીધું હતું. રાણા જગતપાલે તે મુસ્લિમો પાસેથી જીતી લીધું હતું. જગતપાલની છઠ્ઠી પેઢીએ કાનડદેવ અને તેનો અનુગામી કલ્યાણદેવ સત્તા પર આવ્યો. કલ્યાણદેવના સમય દરમિયાન બે વાર મુસ્લિમ-આક્રમણ થયાં હતાં. મુઘલ બાદશાહ અકબરના સમય દરમિયાન અહીંનો રાજવી આશકરણ હતો. અકબરે આશકરણને રાણાની પદવી આપ્યાનું કહેવાય છે. આશકરણના અનુગામી રાણા વાઘને ઈડરના રાવ કલ્યાણમલ સાથે અણબનાવ થયો હતો. તેથી કલ્યાણમલે તરસંગ ઉપર ચડાઈ કરી રાણા વાઘને કેદ પકડ્યો હતો. વાઘના ભાઈ જાયમલે કલ્યાણમલના માણસને હરાવીને તરસંગનો કબજો લીધો હતો. કલ્યાણમલની અવારનવાર ચડાઈને કારણે કંટાળીને જાયમલે દાંતામાં આશ્રય લીધો હતો. તેના મૃત્યુ પછી તેના પુત્ર જેઠમલે તરસંગ આસપાસનાં કેટલાંક ગામો જીતી લીધાં હતાં. પણ ઈડરની ચડાઈઓને લીધે તરસંગ વેરાન થતાં દાંતાને 1544માં રાજધાની બનાવવામાં આવી હતી.
હાલ તરસંગ ખંડેર અવસ્થામાં છે. અહીં જૂનો કિલ્લો અને મંદિરના અવશેષો જોવા મળે છે.
શિવપ્રસાદ રાજગોર