તરંગ : એક અતિકરુણ હિંદી ચલચિત્ર. નિર્માણ વર્ષ : 1984, નિર્માણ સંસ્થા : નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન, પટકથા: કુમાર સહાની અને રોશન સહાની : દિગ્દર્શન :કુમાર સહાની, સંવાદ : વિજય શુકલ, ગીતકાર : સઘુવીર સહાય અને ગુલઝાર, છબીકલા : કે. કે. મહાજન, સંગીત : વનરાજ ભાટિયા, મુખ્ય ભૂમિકા : સ્મિતા પાટિલ, અમોલ પાલેકર, ગિરીશ કર્નાડ, શ્રીરામ લાગુ, ઓમ પુરી, જલાલ આગા, રોહિણી હટ્ટંગડી, એમ. કે. રૈના, સુલભા દેશપાંડે, અરવિંદ દેશપાંડે.

આ ચિત્રમાં દિગ્દર્શકે વાસ્તવિકતાને યથાતથ રજૂ કરવાની સફળ કોશિશ કરી છે. તે પોતે આ ચલચિત્રને આધુનિક રૂપકકથા ગણાવે છે.

સમાજના વિવિધ વર્ગોનું પ્રતિનિધિત્વ કરતાં ચલચિત્રનાં પાત્રો તેમના વ્યક્તિગત સ્તરે તથા એકબીજા સાથે જુદી જુદી ભૂમિકાઓ પર સંઘર્ષ કરતાં હોય છે. ચલચિત્રમાં આધુનિકીકરણની કરુણતાનું વાસ્તવિક નિરૂપણ કરવામાં આવ્યું છે.

એક ઔદ્યોગિક પરિવારના બે વારસદારો રાહુલ (જમાઈ) અને દિનેશ (ભત્રીજો) છે. રાહુલ સગવડિયા નીતિમાં માને છે. દા. ત. સ્વદેશી ચીજવસ્તુઓનું  ઉત્પાદન વધે એમાં તેને રસ છે, પણ કામદારોના કલ્યાણમાં તેને રસ નથી. દિનેશ વધુ ને વધુ નાણાં ભેગાં કરવા માટે દેશ સાથે ગદ્દારી કરવા પણ તૈયાર હોય છે. આ બંને તેમના ઔદ્યોગિક સામ્રાજ્યમાં પરિવર્તનની યોજનાના પ્રશ્ને એકબીજા સાથે સંઘર્ષમાં ઊતરે છે. કારખાનામાં મૃત્યુ પામનાર એક કામદાર નેતાની પત્ની જાનકી રાહુલ અને દિનેશ બંનેના શોષણની શિકાર બને છે. જાનકીને રાહુલ સાથેના સંબંધમાંથી તેને જે નાણાં મળે છે તેનો  ઉપયોગ જાનકી કારખાનાના સાથીદારોને મદદ કરવા માટે વાપરે છે. કારખાનાનો એક ભ્રષ્ટ કામદાર નેતા માલિક અને કામદારો વચ્ચે  મધ્યસ્થી કરીને પોતાનો સ્વાર્થ સાધે છે. અંતે એકબીજા સાથેનો સંઘર્ષ એવા સ્તરે પહોંચે છે કે પરિવારમાં રીતસરનું યુદ્ધ છેડાય છે, જેમાં જાનકીનો ભોગ લેવાય છે.

ચલચિત્રનો અંત જાનકીના મોંએ ઇતિહાસના એક બોધપાઠ રૂપે. બોલાયેલી ઋગ્વેદની ઋચાઓ સાથે થાય છે : તારી નિયતિ તરફ પાછો વળ…… વાયુની જેમ મને પકડવી મુશ્કેલ છે……

હરસુખ થાનકી