તબીબી ભૂગોળ : આરોગ્યલક્ષી ભૂગોળ. તેમાં તબીબી શાસ્ત્રના વૈજ્ઞાનિકો, પર્યાવરણવાદીઓ, ભૂગોળશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ અને શાસનતંત્રે માનવઆરોગ્ય અંગેની સમસ્યાની વ્યાપક સમજ માટે હાથ ધરેલા સંશોધનકાર્યનો સમન્વય છે. સંશોધનની ર્દષ્ટિએ ભારતમાં આ વિષયનો ઝડપી વિકાસ થવા લાગ્યો છે પરંતુ તેના અધ્યાપનની તકોનો હજુ અભાવ છે. પોતાના પર્યાવરણ પ્રત્યે માનવ કેવીક સક્રિયતાથી પ્રતિભાવ દાખવે છે અને જીવન સાથે તેનું કયા પ્રકારે અનુકૂલન (adjustment) ગોઠવે છે તેનો સ્થળલક્ષી (spatial) અભ્યાસ કરી આ વિજ્ઞાન મહત્વની ખૂટતી કડીઓનો તાગ મેળવવા મથે છે. સુખાકારીની ર્દષ્ટિએ, રોગલક્ષી પર્યાવરણ તથા આરોગ્યસંભાળ એ બંને બાબત પરત્વે આમાં ભાર મુકાય છે. આનું વ્યવહારુ પાસું એ છે કે ભવિષ્યમાં બંધાનારાં આરોગ્યકેન્દ્રો કે હૉસ્પિટલ માટેનાં સ્થળો એ રીતે નક્કી કરી શકાય કે સરેરાશ પ્રવાસ-અંતર બને તેટલું ઓછું રહે અને વધુમાં વધુ લોકસમુદાયને સેવા આપી શકાય. અમુક રોગો, અમુક ભૌગોલિક પરિસ્થિતિ સાથે સંકળાયેલા હોય છે એ હકીકતની સંસ્કૃતિના પ્રારંભકાળે પણ જાણ હતી જ. 2000 વર્ષ અગાઉ હિપોક્રૅટિઝે સ્થળલક્ષી સામાજિક-સાંસ્કૃતિક તથા ભૌતિક પરિબળો તેમજ રોગચાળાના પ્રમાણ વચ્ચેના સંબંધની ચર્ચા કરી છે. રોગો વિશેના સ્થળલક્ષી સહસંબંધોના એવા જ ઉલ્લેખો પ્રાચીન ભારતીય તથા ચીની સાહિત્યમાં પણ મળે છે. સ્થળલક્ષી અભિગમ પરત્વે ભાર મૂકવામાં આ બાબતોનો સમાવેશ થાય છે. માનવસર્જિત શહેરોમાં પથરાળ ભૂમિ, જમીનપ્રકાર તથા એવાં જ અન્ય તત્ત્વોનું કુદરતી પર્યાવરણ, હવાપાણી તથા ઋતુચક્ર અને પરાવિસ્તારની નૈસર્ગિક ર્દશ્યરચના તેમજ વેપારધંધાને લગતું આર્થિક પર્યાવરણ; આ ઉપરાંત સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક પર્યાવરણ જેવાં પ્રમાણમાં ઓછાં વાસ્તવિક પણ એટલાં જ પ્રસ્તુત પરિબળોનો પણ એમાં સમાવેશ થાય.
અગાઉના ઘણાય ભૌગોલિક રોગ-અભ્યાસમાં આરોગ્યવિષયક પ્રશ્ર્નો સમજવામાં નકશાનો ઉપયોગ મદદરૂપ બને છે. પ્રસિદ્ધ જર્મન ભૂગોળ-નિષ્ણાત ઑગસ્ટસ પીટરમાને બ્રિટિશ ટાપુઓનો કૉલેરાવિષયક નકશો તૈયાર કરી, 1832માં દેશભરમાં ફેલાયેલા આ રોગની વિગત આપી હતી. આ રોગ સંડરલૅન્ડથી આંતરિક વ્યવહારમાર્ગો પર ધીમે ધીમે ફેલાયો પરંતુ જુદાં જુદાં દરિયાઈ બંદરોએ તે ઝડપથી પ્રસરી ગયો. પરિણામે ટાપુઓ ફરતી કિનારાપટ્ટી પર રોગનું આક્રમણ પહેલાં થયું અને ત્યાંથી રોગે દેશના અંતરિયાળ ભાગોમાં પગપેસારો કર્યો. આ રોગનું ઉદભવસ્થાન લંડનના ગોલ્ડન સ્ક્વેર વિસ્તારના પાણીમાં હતું તે પુરવાર કરવામાં જૉન સ્નોનો મોટો ફાળો હતો. તેમનું તારણ એવું હતું કે ભૌગોલિક રીતે જોતાં એ રોગ એક સામૂહિક પંપના સ્થળેથી ફાટી નીકળ્યો હતો. ભારતમાં રોગના ફેલાવાનો સૌપ્રથમ વૈજ્ઞાનિક પ્રયાસ કદાચ મૅકક્લિડે કર્યો. ત્યારબાદ મૅકનામારાએ જુદા જુદા રોગોના ફેલાવા અંગે અને ખાસ કરીને હિમાલયના તથા તેની નીચાણના વિસ્તારોમાં કંઠમાળ (goitre) જેવો રોગ થવા માટે કારણભૂત નીવડતાં ભૌગોલિક પરિબળોનો અભ્યાસ કર્યો.
ભારતમાં અર્વાચીન સમયમાં તબીબીવિજ્ઞાનલક્ષી ભૂગોળનો પાયો નાંખ્યો હેસ્ટરલોએ 1930માં; આ ક્ષેત્રના તે પ્રથમ સંશોધનકાર હતા અને દક્ષિણ ભારતમાં પર્યાવરણલક્ષી પરિબળો તથા રોગ-ઉપદ્રવ વચ્ચે શક્ય જણાતા સંબંધો તેમણે પુરવાર કરી બતાવ્યા. ત્યારપછી આર્થર ગેડ્ઝે ભારતમાં પ્રચલિત સર્વ-સામાન્ય આરોગ્યવિષયક પરિસ્થિતિ તથા વસ્તીવધારા વચ્ચેના સંબંધનો અભ્યાસ કરીને મહત્ત્વનું પ્રદાન કર્યું. ભારતમાં તબીબી વિજ્ઞાનલક્ષી ભૂગોળ જેવા વિષયના સંશોધનકારો માટે વૈજ્ઞાનિક ભૂમિકા ઍન્ડ્રૂ ટી. એ તથા લમૉર્ન્થે પૂરી પાડી.
રોગવિષયક નકશાકામથી આરંભ કર્યા પછી, સ્થળ વિશેના વિશ્લેષણમાં પર્યાવરણલક્ષી અભિગમ અપનાવ્યા પછી તબીબી વિજ્ઞાનલક્ષી ભૂગોળે સિદ્ધાંત તેમજ પદ્ધતિ પરત્વે પ્રગતિ સાધી. સ્વીડનના આર્થિક-ભૂગોળ નિષ્ણાત એસ. ગૉડલર્ડે આરોગ્ય-સંભાળનું પરિમાણ ઉમેરવાથી આ વિજ્ઞાનના અભ્યાસક્ષેત્રનો વ્યાપ વધ્યો છે. સિત્તેરના દાયકાનાં પ્રારંભિક વર્ષોમાં રોગલક્ષી પરિસ્થિતિવિજ્ઞાન તથા આરોગ્ય-સંભાળ જેવા વિષયના સંશોધનમાં આંકડાકીય નમૂના-પદ્ધતિ પ્રયોજવાથી તેમજ વર્તણૂક-આધારિત અભિગમ અપનાવવાથી તબીબી વિજ્ઞાનલક્ષી ભૂગોળનું સૈદ્ધાંતિક માળખું સુર્દઢ બન્યું છે. આમાંથી એ સિદ્ધાંત ઉદભવ્યો કે કોઈ પણ પ્રદેશના રોગવિષયક તથા આરોગ્ય-સંભાળને લગતા પ્રશ્નો તબીબી વિજ્ઞાનલક્ષી ભૂગોળ નીચેના પરિપ્રેક્ષ્યમાં મૂલવે છે :
(i) સ્થળવાર જોવા મળતું રોગનું વિભાગીકરણ, જુદાં જુદાં સ્થળોએ રોગ ફેલાવાની પ્રક્રિયા, અને વિભાગીકરણથી ઉદભવતી નિશ્ચિત તરાહ;
(ii) વત્તાઓછા પ્રમાણમાં પ્રદેશલક્ષી સમન્વય તથા જુદા જુદા પ્રદેશોનું તુલનાત્મક વિશ્લેષણ;
(iii) સ્થળ, વસ્તી તથા જગ્યાને લગતી જાણકારી દ્વારા સાંપડેલી માહિતીની રોગના પ્રસરણ પરત્વે અસર.
મૅયરનો મત એવો છે કે ભૌતિક પર્યાવરણલક્ષી વાહકો, સામાજિક-આર્થિક તથા સાંસ્કૃતિક પરિબળો તેમજ આનુવંશિકતાને લગતાં કારણો, સ્થળવાર જોવા મળતા ફેરફારો માટે નિર્ણાયક નીવડે છે.
તાજેતરમાં એવું વલણ જોવા મળે છે કે પર્યાવરણલક્ષી પદ્ધતિ તથા તબીબી સંભાળપદ્ધતિ એમ તબીબી વિજ્ઞાનલક્ષી ભૂગોળનું બે પ્રવાહ રૂપે વિભાજન કરવું જોઈએ. પર્યાવરણલક્ષી પ્રવાહ ચોક્કસ સ્થળલક્ષી તરાહમાં પ્રવર્તતા પર્યાવરણીય માળખા સાથે નિસબત ધરાવતો હોવાથી તેની સમજૂતી આપવામાં સહાયરૂપ બને છે. તબીબી વિજ્ઞાનલક્ષી પ્રવાહ આરોગ્યસંભાળને લગતી ભૂગોળ છે. આ વિષયમાં અમુક વલણોનું જે પૂર્વાનુમાન કરવામાં આવે છે તે આરોગ્યવિષયક સવલતોના આગોતરા આયોજનમાં ઉપકારક નીવડે છે. ભારતમાં આ ક્ષેત્રે કરાયેલું સંશોધન આ મુજબ વર્ગીકૃત કરાય છે : (1) આહાર-પોષણવિષયક ભૂગોળ, (2) રોગલક્ષી પરિસ્થિતિવિજ્ઞાન, (3) આરોગ્ય સંબંધી સામાજિક-સાંસ્કૃતિક પાસાં, (4) આરોગ્યવિષયક વ્યવહાર અને પરંપરાગત ઔષધ-ઉપચાર,
(5) આરોગ્યસંભાળને લગતી ભૂગોળ અને (6) ભૂગોળશાસ્ત્રીઓ તથા પરિવારનિયોજન કાર્યક્રમના ઘડવૈયા. હવેના સંશોધન-અભ્યાસમાં તાર્કિક પ્રત્યક્ષજ્ઞાનવાદ (positivism) તથા સંરચનાવાદ(structuralism)નો સમન્વય પ્રયોજવાનો ઝોક હોય છે. ભૂમિગત ઘટના તરીકે રોગના ફેલાવાની સમજૂતી ઊંડા વિશ્લેષણ દ્વારા આપવામાં આવે છે.
કૃષ્ણમૂર્તિ કુલકર્ણી
અનુ. વિ. પ્ર. ત્રિવેદી