તબરી (જ. 839, આમુલ, તબરિસ્તાન; અ. 922, બગદાદ) : અરબી ઇતિહાસકાર. આખું નામ અલ્લામા અબૂ જાફર મુહમ્મદ બિન જરીર અલ્-તબરી.
તબરીનાં બે અરબી પુસ્તકો (1) તફસીર વિષય ઉપર : ‘જામિઉલ બયાન’ (અથવા ‘તફસીરે તબરી’) અને (2) ઇતિહાસ વિષય ઉપર ‘તારીખ-અલ્ ઉમમ વલ મુલૂક’ (અથવા ‘તારીખે તબરી’) સર્વસંગ્રહ તરીકે વિશ્વવિખ્યાત છે.
તબરીએ યુવાનવયથી જ્ઞાનપ્રાપ્તિ માટે વિવિધ દેશોના પ્રવાસો ખેડ્યા હતા અને માનવજાતના ઇતિહાસ તથા પવિત્ર કુરાનના અર્થઘટન સંબંધી વિપુલ માહિતી એકત્ર કરી હતી. એવું કહેવાય છે કે તે સતત 40 વર્ષ સુધી લેખનકાર્ય કરતા રહ્યા હતા. તેમની મહેનતના ફળસ્વરૂપ જે બે પુસ્તકો તૈયાર થયાં તે વિશાળ કદનાં હોવાથી તબરીને પોતાની કૃતિઓ ટૂંકાવવાની ફરજ પડી હતી. કહેવાય છે કે ઇતિહાસ વિષય ઉપરનું તેમનું પુસ્તક સંક્ષિપ્ત સ્વરૂપમાં પણ 30 હજાર પાનાં ધરાવતું હતું. પાછળના લેખકોએ અવારનવાર તેની ટૂંકી આવૃત્તિઓ તૈયાર કરી હતી જે છેવટે ત્રણ હજાર પાનાંના પુસ્તક રૂપે અવશિષ્ટ રહ્યું છે. ‘તારીખે તબરી’માં માનવીના જન્મથી લઈને દસમા સૈકા સુધીની ઐતિહાસિક માહિતી સચવાઈ છે.
તબરીએ પોતાની બંને કૃતિઓમાં ઇતિહાસના દરેક પ્રસંગ માટે પ્રાપ્ય એવાં બધાં સાધનોનો ઉલ્લેખ કર્યો છે. પાછળના અરબ ઇતિહાસકારોએ, આ કારણે જ, તેમનાં પુસ્તકોનો બહોળો ઉપયોગ કર્યો હતો.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી