તપોવન (sacred grove) : સ્થાનિક જનસમુદાય માટે વિશિષ્ટ ધાર્મિક મહત્વ ધરાવતાં વૃક્ષોના સમૂહનો બનેલો જંગલનો ખંડ. તેનું સ્થાનિક લોકો દ્વારા રક્ષણ થાય છે. તપોવન સામાન્ય રીતે ત્યાંના લોકોના રક્ષણ માટેનો ધાર્મિક સૂચિતાર્થ (connotation) ધરાવે છે. આ વિસ્તારમાં શિકાર અને ઉત્કાષ્ઠન (logging) પર સખત પ્રતિબંધ હોય છે. કેટલીક વાર મધ અને મૃતકાષ્ઠ એકત્રિત કરવાની તથા તેના જેવા અન્ય ઉપયોગો કરવાની છૂટ આપવામાં આવે છે.
રામાયણ અને મહાભારતના વેદિક કાળમાં સમાજનું માળખું ધર્મ અને પ્રકૃતિ આધારિત પર્યાવરણને અનુલક્ષીને ઘડાયું હતું. તપોવન એવું સ્થાન છે જ્યાં મનુષ્યને પરમ શાંતિ મળે છે; જ્યાં તે પક્ષીઓનો સુમધુર કલરવ સાંભળી રોમાંચ અનુભવી શકે છે. ત્યાં પવનના સપાટે વૃક્ષની શાખાઓ અને પર્ણોના હિલોળા વચ્ચે ઉદભવતા આનંદદાયી સંગીતને માણી શકે છે અને આ નૈસર્ગિક સમૃદ્ધિના સર્જક એવા ઈશ્વરકે દેવ-દેવી સાથે અનુસંધાન પણ સાધી શકે છે. તપોવન માનવસમાજની પ્રાચીન સંસ્કૃતિનું એવું ઉત્ક્રાંતિકર સોપાન છે; જેમાં પર્યાવરણ અને સજીવોના સંરક્ષણની વિભાવના સમાવિષ્ટ થયેલી છે. તપોવનોના ઐતિહાસિક સંદર્ભો પ્રાચીન મહાકવિ કાલિદાસના ‘વિક્રમોવર્શીયમ્’માંથી મળી આવે છે.
ભારતીય તપોવનો કેટલીક વાર મંદિરો, મઠો, કબરો, સમાધિઓ અને પવિત્ર તીર્થસ્થાનો સાથે સંકળાયેલાં હોય છે. ધાર્મિક આધાર ઉપર સંરક્ષિત અન્ય નૈસર્ગિક આવાસોને પણ ‘તપોવનો’ તરીકે ઓળખાવવામાં આવે છે.
માન્યતાઓ અને વિધાનો : લાક્ષણિક રીતે આવાં તપોવનો ‘દેવ-દેવીની કે પીર અથવા ક્યાંક પ્રેતની સર્વોપરીતા’ની સંકલ્પના સાથે જોડાયેલાં હોય છે. આ તપોવનો મોટા ભાગના દેવ-દેવીઓ, સ્થાનિક હિંદુ દેવતાઓ, કે ઇસ્લામ અથવા બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલાં હોવા ઉપરાંત, કેટલાંક તપોવનો સ્થાનિક ધર્મો કે લોકધર્મો સાથે સંબંધ ધરાવે છે; જેમ કે, લોકદેવ-દેવી આય્યાનાર અને અમ્માન. એકલા કેરળ અને કર્ણાટકનાં રાજ્યોમાં આવેલાં તપોવનો 1000 કરતાં વધારે દેવ-દેવીઓ સાથે સંકળાયેલાં છે. કર્ણાટકના કોડાગુ જિલ્લામાં કોડાવાસની વૈવાહિક લોકજાતિએ અતિપ્રાચીન કાળથી વનદેવતા આઇયાપ્પાને સમર્પિત 1000 કરતાં વધારે દેવ કડુસની જાળવણી કરી હતી.
હિંદુ પ્રણાલિકા મુજબ, જંગલો (વન) ત્રણ પ્રકારનાં હોય છે : તપોવન, મહાવન અને શ્રીવન. તપોવન એવાં જંગલો છે, જે તપ સાથે સંબંધિત હોય છે અને તેમાં સંતો અને ઋષિઓ રહેતા હોય છે. મહાવન ઉત્તમ નૈસર્ગિક જંગલો છે. તપોવન અને મહાવનને વનસ્પતિ-સમૂહ (flora) અને પ્રાણીસમૂહ (fauna) માટે ‘અભયારણ્ય’ (રક્ષા) ગણવામાં આવે છે. આ વનોમાં સામાન્ય મનુષ્યોને પ્રવેશવા દેવામાં આવતા નથી. શ્રીવનનો અર્થ સમૃદ્ધ જંગલો થાય છે. તેઓ ગાઢ જંગલો તથા તપોવનો ધરાવે છે. ગાઢ જંગલોમાંથી લોકો સૂકાં લાકડાં, પર્ણો, જંગલની નીપજો અને મર્યાદિત માત્રામાં ઇમારતી લાકડાં એવી રીતે એકત્રિત કરે છે; જેથી જંગલના નિવસનતંત્રને ખલેલ ન પહોંચે. તપોવનો ધાર્મિક વિધિઓ, ઉજાણીઓ અને ઉત્સવો સાથે સંકળાયેલાં હોય છે. જેમાં ઝૂલા / ઝૂલણાનો પણ સમાવેશ થાય છે. ગામડાંઓમાં ‘પંચવટી’ કે પાંચ વૃક્ષોનો સમૂહને જાળવવામાં આવે છે, જે પાંચ તત્વો – પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને આકાશ – નું પ્રતિનિધિત્વ દર્શાવે છે.
પ્રાચીન ભારતમાં વૃક્ષોના રોપણ અને પાલનપોષણની પદ્ધતિનો ઉચ્ચકક્ષાનો વિકાસ થયો હતો. વનસ્પતિજીવનનું વિજ્ઞાન તે ‘વૃક્ષાયુર્વેદ’ અને દશમી સદીના લેખક સુરપાલ દ્વારા લખાયેલ તે જ શીર્ષક અને વિષય ધરાવતા ગ્રંથમાં વૃક્ષોની વિવિધ જાતિઓ અને તેમની વૃદ્ધિ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. આ ગ્રંથના વૃત્ત 9-23માં આધ્યાત્મિક માન્યતાઓ અને પારિસ્થિતિકીના સંરક્ષણ કેવી રીતે આંતરસંબંધિત છે તે દર્શાવવામાં આવ્યું છે :
જે વ્યક્તિના ઘરની નજીક તુલસી હોય, તે હજારો વર્ષ સુધી વૈકુંઠમાં વાસ કરે છે.
જે બીલી ઉગાડે છે તેના અને તેના કુટુંબ ઉપર શિવ પ્રસન્ન રહે છે અને લક્ષ્મીદેવી તેની સાથે સ્થાયી રહે છે; એટલું નહિ, તેના પુત્ર અને પૌત્રો સુધી સ્થિર થઈ રહે છે.
જે માત્ર એક અશ્વત્થ (પીપળો) ઉગાડે છે તે હરિના ધામમાં જાય છે.
જે વડનો ઉછેર કરે છે તે શિવલોકમાં જાય છે.
જે 5 કે 6 આંબાનાં વૃક્ષ વાવે છે તે ગરુડના ધામમાં સુખેથી રહે છે.
જે સાત ફાલસા ઉગાડે છે તેને બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે.
જે લીમડાનાં વૃક્ષો ઉછેરે છે અને ધાર્મિક જીવન જીવે છે તે સૂર્યલોકમાં લાંબા સમય સુધી રહે છે.
જે ઉંબરાનાં આઠ વૃક્ષ વાવે છે તે ચંદ્રલોકમાં આનંદથી રહે છે.
જે મહુડો ઉગાડે છે તેના પર પાર્વતી ખુશ રહે છે અને તે બધા રોગોથી મુક્ત રહે છે.
તપોવનનાં સ્થળો : તપોવનો સમગ્ર દેશમાં ફેલાયેલાં છે અને ભારતના જુદા જુદા ભાગોમાં જુદાં જુદાં નામોથી ઓળખાય છે. તેઓ બિશ્નોઈઓ દ્વારા રાજસ્થાનના થરના રણમાં કાંટાળાં જંગલોથી માંડી કેરળના પશ્ચિમ ઘાટનાં વર્ષાજંગલોમાં જોવા મળે છે. ઉત્તરમાં હિમાચલ પ્રદેશ અને દક્ષિણમાં કેરળમાં તપોવનો વિપુલ સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે. એકલા કર્ણાટકના કોડવાસમાં 1000થી વધારે તપોવનો જાળવવામાં આવ્યાં છે. રાજસ્થાનના ગુર્જર લોકોમાં લીમડાને ઉછેરવાની પ્રણાલિકા છે અને ભગવાન દેવનારાયણના સ્થાન તરીકે તેને પૂજવામાં આવે છે. તે જ પ્રમાણે માંગર બાની, દિલ્હીનું છેલ્લું અસ્તિત્વ ધરાવતું નૈસર્ગિક જંગલ છે. તે નજીકના વિસ્તારમાં રહેતા ગુર્જરો દ્વારા રક્ષાયેલું છે. સમગ્ર ભારતમાં લગભગ 14,000 જેટલાં તપોવનોની નોંધ લેવાઈ છે. તેઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની આસપાસ આવેલાં વિરલ પ્રાણીસમૂહ અને વિરલ વનસ્પતિસમૂહનાં સંગ્રહસ્થાનો છે.
એક અંદાજ પ્રમાણે, તપોવનોની અંદર લગભગ 1000 કિમી.2 ભૂમિ અનુપયોગી છે. કેટલાંક વધારે જાણીતાં તપોવનોમાં કેરળનું કાવુસ તપોવન છે. તે પશ્ચિમઘાટમાં આવેલું છે અને વિપુલ જૈવવિવિધતા (biodiversity) ધરાવે છે. મેઘાલયનાં લૉવ્ ક્ટન્તાંગ્સ તરીકે ઓળખાતાં તપોવનો છે. તેઓ ગામ સાથે સંકળાયેલાં હોય છે. તેમનો હેતુ જંગલના પ્રેતને શાંત રાખવા કે સંતુષ્ટ રાખવાનો હોય છે. બે વધારે મોટાં તપોવનો ‘મૉવ્ફલેન્ગ’ અને ‘મૉસ્માઈ’ છે.
ભારતમાં સૌથી મોટાં તપોવનોમાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગાંચરની પાસે ‘હરિયાલી તપોવન’ અને હિમાચલ પ્રદેશમાં સિમલા પાસે શિપિનમાં ‘દેવદાર તપોવન’નો સમાવેશ થાય છે. કર્ણાટકમાં કોડગુના વિસ્તાર(4000 કિમી.2)માં 1000 જેટલાં તપોવનો આવેલાં છે.
ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં તપોવનનાં સ્થાનિક નામ જુદાં જુદાં હોય છે; જેમ કે, આંધ્ર પ્રદેશમાં પવિત્રક્ષેત્રાલુ, અરુણાચલ પ્રદેશમાં ગુમ્પા જંગલો (તેઓ મઠ સાથે જોડાયેલાં હોવાથી); આસામમાં થાન, મદાઇકો; છત્તીસગઢમાં સારના, દેવ્લાસ, મંદર, બુધ દેવ; હરિયાણામાં બીડ, બાગી, બણ, જંગલાત, શામલાત; હિમાચલ પ્રદેશમાં દેવભૂમિ; ઝારખંડમાં સારના; કર્ણાટકમાં દેવરાકડુ, દેવકાડ; કેરળમાં કાળુ, સર્પ કાવુ; મધ્યપ્રદેશમાં દેવકોટ, માતીકોટ, દેવસ્થલી, બુધદેવ; મહારાષ્ટ્રમાં દેવરાઈ / દેવ્રાઈ; મણિપુરમાં ગમ્ખાપ, મૌહક (પવિત્ર વાંસનાં અરક્ષિત વન); મેઘાલયમાં લૉવ્ ક્ટન્તાંગ, લૉવ્, લ્યંગ્ધોહ; ઓરિસામાં જાહેરા, કાકુરમ્મા; પુદુચેરીમાં કોવિલ કડુ; રાજસ્થાનમાં ઓરન (જેસલમેર, જોધપુર, બિકાનેર), કેન્ક્રી (અજમેર), વણી (મેવાડ), શામ્લત દેહ, દેવબણી (અલ્વાર), જોગમાયા; સિક્કિમમાં ગુમ્પા જંગલો (મઠ સાથે જોડાયેલાં હોવાથી), તમિળનાડુમાં કોવિલ કડુ; ઉત્તરાખંડમાં દેવભૂમિ, બુગ્યાલ [પવિત્ર ઉચ્ચ પર્વતીય (alpine) શાદ્વલ (ઘાસનું મેદાન)]; પશ્ચિમ બંગાળમાં ગરમથાન, હરિથાન, જાહેરા; સાબિત્રીથાન, સંતાલબુરિથાન; બિહારમાં સરન્ય.
પ્રણાલીગત ઉપયોગો : તપોવનનો એક સૌથી મહત્વનો ઉપયોગ એ છે કે તે વિવિધ આયુર્વેદિક ઔષધોનું સંગ્રહસ્થાન છે. તે ફળો અને મધ માટેનો સ્રોત છે. જોકે ઘણાં તપોવનોમાં શિકાર અથવા લાકડાં કાપવાનો નિષેધ હોય છે. તેમનું વનસ્પતિઆવરણ ભૂક્ષરણ (soil erosion) ઘટાડવામાં મદદ કરે છે અને રાજસ્થાન જેવા શુષ્ક પ્રદેશોમાં રણીકરણ (desertification) થતું અટકાવે છે. તપોવનો ઘણી વાર તળાવ અને ઝરણાં સાથે જોડાયેલાં હોય છે. તેથી સ્થાનિક લોકોની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. તેઓ કેટલીક વાર જલસંચયસ્તર(aquifer)નું પુન:પૂરણ (recharging) કરવામાં મદદ કરે છે.
અર્વાચીન ઉપયોગો : અર્વાચીન સમયમાં તપોવનો જૈવવિવિધતા માટે બહુજૈવસ્થળો (hot spot) છે; કારણ કે વિવિધ જાતિઓ વધતા જતા આવાસના વિનાશ અને શિકારને કારણે તપોવનમાં આશ્રયસ્થાન શોધે છે. તપોવનો ઘણી વાર એવી વનસ્પતિ અને પ્રાણીની જાતિઓ ધરાવે છે; જે પડોશી વિસ્તારોમાં લુપ્ત થઈ હોય છે; તેથી તેઓ ઘણી મહત્વની જનીનીય વિવિધતાનો ભંડાર છે.
વળી, શહેરની ર્દશ્યભૂમિઓ(land scapes) માં આવેલાં તપોવનો ‘ફેફસાં’ તરીકે કાર્ય કરે છે અને અતિ આવશ્યક વનસ્પતિ-આવરણ પૂરું પાડે છે.
આપત્તિઓ (threats) : તપોવનો માટેની આપત્તિઓમાં શહેરીકરણ; નૈસર્ગિક સંપદાઓનું અતિશોષણ (overexploilation) (જેમ કે, અતિચરાઈ (overgrazing) અને કાષ્ઠની અતિકટાઈ) અને માનવપ્રવૃત્તિને કારણે પર્યાવરણીય નાશનો સમાવેશ થાય છે. માનવપ્રવૃતિઓમાં રહેઠાણો, ઉદ્યોગો, કૃષિ વગેરેનો સમાવેશ થાય છે. તપોવનને અસર કરતી અન્ય આપત્તિઓમાં આક્રમણ કરતી જાતિઓ; જેમ કે, આક્રમક અપતૃણો, સિયામ અપતૃણ (hromolaena odorata) ઇન્દ્રધનુ (Lantana camera) અને ગાંડા બાવળ(Prosopis julifera)નો સમાવેશ થાય છે.
ગુજરાતના અંબાજીના વનવિસ્તારમાં તપોવન સંબંધે થયેલા એક અભ્યાસ મુજબ, આ વિસ્તારમાં 32 જેટલાં તપોવનો જોવા મળ્યાં છે. આ તપોવનોમાં મળી આવતી કેટલીક વનસ્પતિઓ આ પ્રમાણે છે : ઉંભ (Millusa tomentosa), કેરડો (Capparis decidua), વાયવરણો (Craeva nurvala), શીમળો (Bombax ceiba), લોદ્રી (Flacourtia indica), કડાયો (Sterculia urens), બીલી (Aegle marmelos), ખડધમણી / સિસોટી (Grewia hirsuta), અરડૂસો (Ailanthus excelsa), કોઠી (Limonia acidissima), લીમડો (Azadirachta indica), ઇંગોરિયો (Balanites aegyptica), વીકળો (Maytenus emarginata), ગૂગળ / ધૂપેલિયો (Boswellia serrata), ખાખરો / કેસૂડો (Butea monosperma), બોર (Zizyphus mauritiana), જંગલી સરગવો (Moringa concanensis), આંબો (Mangifera indica), કરંજ / કણઝો (Derris indica), ગોલડો (Lannea coromandelica), આમલી (Tamarindus indica), પાનરવો (Erythrina suberosa), દાલિયો (Indigofera cordifolia), સાંડસરો (Delonix elata), as (Ficusbenghalensis), અંકોલ (Alangium salvifolium), બહેડાં (Terminalia bellirica), મીઠો ઇંદ્રજવ (wrightia tinctoria), ગરમાળો (Cassia fistula), ધોળો શિરીષ (Albizia odoratissima), કલમ (Mitragyne parviflora), અળણી (Clerodendrum multiflorum), બાવળ (Acacia nilotica), હરમો બાવળ (A. leuophloea), કડો (Holarrhena antidysenterica), પીપળ (Filus religiosa), કેથેર (Capparis sepiaria), મહુડો (Madhuca indica), રતનજોત (Jatropha curcas), ખજૂરી (Phoenix sylvestris), ટીમરુ (Diospyros melanoxylon), કણઝો (Holoptelia integrifolia), ધવ (Anogeissus sericea), નગોડ (Vitex negundo), કાટી વાંસ (Bambusa arundinacea).
બળદેવભાઈ પટેલ