તપ : સંતાપ આપવાના અર્થમાં રહેલા ‘તપ્’ ધાતુ ઉપરથી બનેલો શબ્દ. તે શરીરને સંતાપ આપનારાં ચાંદ્રાયણ વગેરે વ્રતો એવો અર્થ મુખ્યત્વે આપે છે. કોઈક ભૌતિક કે દિવ્ય વસ્તુ મેળવવા માટે શરીરની સ્વાભાવિક આવશ્યકતા સ્વલ્પ કે સંપૂર્ણ રીતે છોડી દઈ શરીરને પીડા આપવી તેને તપ કહેવાય. શરીરનું શોષણ કરનારાં નિયમો કે વ્રતોને સૂતસંહિતામાં તપ ગણવામાં આવ્યાં છે. પાપની નિવૃત્તિ કરનારું પ્રાયશ્ચિત્ત પણ તપ જ લેખાય છે. તપથી દેવપણું અને સ્વર્ગ પ્રાપ્ત થાય છે તે રીતે શત્રુનાશ પણ થાય છે એવી પૌરાણિક માન્યતા છે. શ્રમ પણ તપનો પર્યાય ગણાયો છે. પરિણામે અધ્યયન, વ્યાખ્યાન, જ્ઞાનપ્રાપ્તિ, સત્યપાલન, સરળ આચરણ, શાંત અવસ્થા, ઇન્દ્રિયદમન, વિકારશમન, અનશન, યજન, બ્રહ્મચર્યપાલન, દાન, વૈરાગ્યભાવ વગેરેમાં શ્રમ પડતો હોવાથી આવાં અનેક કાર્યોને તપ લેખવામાં આવે છે. ધાર્મિક કાર્યમાં ગૃહસ્થ કે યોગીને પડતો શ્રમ આનંદથી સહન કરવામાં આવે છે. તેમ છતાં તે તપ તો કહેવાય જ. પ્રાણાયામ વગેરે યૌગિક ક્રિયાઓ પણ તપનો જ એક ભાગ ગણાય.
તપ વડે શરીરમાંની ધાતુઓ શોષાઈને વિષમ બનતી હોવાથી શરીરમાં ઉપદ્રવો પેદા થાય છે; તેથી મુમુક્ષુઓ માટે શારીર, વાચિક અને માનસ એવાં ત્રણ પ્રકારનાં તપો શ્રીમદભગવદ્ગીતામાં જણાવ્યાં છે : (1) દેવ, દ્વિજ અને જ્ઞાનીનું પૂજન, પવિત્રતા અને સરળતા હોવી, બ્રહ્મચર્ય અને અહિંસાનું પાલન એ શારીર તપ છે. (2) ઉદ્વેગ ન કરનારી, સત્ય, પ્રિય અને હિતકારી વાણી બોલવી, વેદ વગેરેનો સ્વાધ્યાય અને મંત્ર વગેરેનો જપ કરવો એ વાચિક તપ છે. (3) મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, ઇન્દ્રિયનિગ્રહ અને અંત:કરણની શુદ્ધિ એ માનસ તપ છે.
શરીર, મન અને વાણીથી થતાં આ ત્રણે પ્રકારનાં તપ સત્ત્વ, રજસ અને તમસ – એ ગુણોની ર્દષ્ટિએ ત્રણ પ્રકારનાં હોય છે : (1) ફળની ઇચ્છા વગર કરવામાં આવતાં શારીર, માનસ અને વાચિક તપ સાત્વિક પ્રકારનાં છે. (2) પોતાને સત્કાર, માન કે પૂજા મળે એવા ઉદ્દેશથી કરેલાં, મોટા દંભવાળાં, અસ્થિર અને ચંચળ હોય તેવાં શારીર, માનસ અને વાચિક તપ રાજસ પ્રકારનાં છે. (3) પોતાની જાતને પીડા કરનારાં, બીજાનો નાશ કરવાના ઉદ્દેશથી અને મૂઢતાથી કરવામાં આવેલાં શારીર, માનસ અને વાચિક તપ તામસ છે. આ તામસ પ્રકારના તપમાં આસુરી કે રાક્ષસી સંપદ રહેલી હોવાથી તે મોક્ષ આપતું નથી. પરંતુ બંધનમાં નાખનારું છે. તેથી ઊલટું, સાત્ત્વિક પ્રકારનાં તપમાં દૈવી સંપદ રહેલી હોવાથી તે સંસારના બંધનમાંથી મોક્ષ આપનારું છે. સાત્વિક તપ વડે પાપનો નાશ થઈ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. રાજસ તપ વડે આ લોકમાં પણ અસ્થિર ફળ મળે છે અને મોક્ષ પ્રાપ્ત ન થાય એ કુદરતી છે. સાત્વિક, રાજસ કે તામસ ત્રણે પ્રકારનાં તપ શ્રદ્ધા વડે કરવામાં આવે છે, નહીં તો તે તપ કહેવાય નહીં. ભારતીય સંસ્કૃતિ તપને કેન્દ્રવર્તી સ્થાન આપે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી