તનુતંતુજનક (fibrinogen) : લોહી ગંઠાવાની ક્રિયામાં અગત્યનો ક્રિયાશીલ ઘટક. તેના મહત્વને કારણે લોહીના ગંઠનની ક્રિયામાં ઉપયોગી વિવિધ 13 ઘટકો અને અન્ય પ્રોટીનોમાં તેને પ્રથમ ઘટક (factor -I) તરીકે ઓળખવામાં આવે છે. તેના અણુઓ 340 કિલો ડેલ્ટોન્સ કદના હોય છે. અને તેનું રુધિરજળ(plasma)માંનું પ્રમાણ 300 મિગ્રા/ડેસી લિ. અથવા 9 માઇક્રોરોમ જેટલું છે. તે એક અજોડ સંરચનાવાળું પ્રોટીન છે અને થ્રૉમ્બિનની હાજરીમાં તેમાંથી તનુતંતુલ (fibrin) બને છે જેના પાતળા તાંતણા જાળી બનાવીને લોહીના કોષોને ભરાવે છે. અને લોહીના ગઠ્ઠા કે રુધિરગુલ્મ (thrombus)નું નિર્માણ કરે છે. આ રીતે ગંઠાયેલું લોહી તૂટેલી નસમાંથી લોહીને વહી જતું અટકાવે છે. લોહીના ગંઠાવાની પ્રક્રિયાને રુધિરગંઠન કહે છે અને તે મુખ્યત્વે બે જુદી જુદી રીતે થાય છે. તેમને બાહ્ય (extrinsic) અને આંતરિક (intrinsic) ગંઠનપથો કે ગંઠનપ્રપાતો (cascade of coagulation) કહે છે. તેમાં વિવિધ 7 ગંઠનઘટકો ભાગ લે છે. અંતે યકૃતમાં બનતા પ્રોથ્રૉમ્બિનમાંથી થ્રૉમ્બિન નામનો ઘટક (ઘટક-2) બને છે, જેની ઉત્સેચકીય (enzymatic) ક્રિયા વડે ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન બને છે. આ રીતે બનેલો લોહીનો ગઠ્ઠો 13મા ઘટકની હાજરીમાં સંકોચાઈને મજબૂત બને છે અને તેના પર પ્લાઝિમિનોજનમાંથી ઉત્પન્ન થતા પ્લાઝિમની ઉત્સેચકીય અસર થાય ત્યારે તે ગઠ્ઠો તૂટે છે. ફાઇબ્રિનને આવી રીતે તોડવાની ક્રિયાને તનુતંતુલલયન (fibrinolysis) કહે છે. તે સમયે તનુતંતુલના નાના ટુકડા છૂટા પડે છે. તેને તનુતંતુલ વિચ્છેદન દ્રવ્ય (fibrin degradation products – FDP) કહે છે. ફાઇબ્રિનોજનનું ઉત્પાદન બંધ થાય કે રોગગ્રસ્ત થાય ત્યારે વિવિધ વિકારો સર્જાય છે; દા. ત., અતનુતંતુજનકતા (afibrinogenaemia), અલ્પતનુતંતુ-જનકતા (hypofibrino-genaemia) તથા દુસ્તનુતંતુજનકતા (dysfibrinogenaemia). આ પ્રકારના વિકારોમાં અમર્યાદિતપણે લોહી વહેવાનો વિકાર થાય છે. જો તનુતંતુલના વિઘટનને કારણે FDPનું ઉત્પાદન વધે તો તેને કારણે લોહીની નાની નસોમાં લોહી વ્યાપકપણે ગંઠાઈ જાય છે. તેને વ્યાપક રુધિરવાહિની ગંઠન (disseminated intravascular coagulation – DIC) કહે છે, જેમાં રુધિરગંઠનના બધા ઘટકો વપરાઈ જાય છે. તેને ઘટકગ્રસિત ગંઠનવિકાર (consumptive coagulopathy) કહે છે. તેમાં પણ વ્યાપકપણે લોહી વહેવાનો વિકાર થાય છે. ફાઇબ્રિનોજનની ઊણપ હોય ત્યારે લોહીમાં ફાઇબ્રિનોજનનું પ્રમાણ 100થી 150 મિ.ગ્રા./ડેસી. લિટર જેટલું રાખવા માટે લોહીનું અતિશીતઅવક્ષેપન (cryoprecipitation) તાજા લોહીનું રુધિર જળ કે અલગ કરાયેલું ફાઇબ્રિનોજન નસ વાટે અપાય છે.
શિલીન નં. શુક્લ
ચિરાગ જે. દેસાઈ