તથાગત ગુપ્ત : બૌદ્ધધર્મી રાજવી. યુઅન શ્વાંગે નાલંદા વિહારને મદદ કરનારનાં જે નામ આપ્યાં છે એમાં તથાગત ગુપ્તનું નામ આપ્યું છે. તેણે આ નામ બુધગુપ્ત અને બાલાદિત્ય(નરસિંહગુપ્ત)ની વચ્ચે આપેલું છે તેથી એવી સંભાવના છે કે આ બે રાજા વચ્ચેનો સમય તથાગત ગુપ્તનો રાજ્યકાળનો સમય હતો. ગુપ્ત રાજાઓમાં પ્રકાશદિત્યના નામે કેટલાક સિક્કાઓ મળ્યા છે તે આ રાજાના હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. એમાં અશ્વારૂઢ રાજવી સિંહનો શિકાર કરતો બતાવવામાં આવ્યો છે. તેના પર રાજાનું નામ નથી. આ સિક્કાઓનાં વજન અને બનાવટ વગેરેને આધારે યુઅન શ્વાંગે વર્ણવેલ તથાગત ગુપ્ત રાજાનાં તે હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. મંજુશ્રી મૂલકલ્પમાં प  અથવા प्र નામનો જણાવેલ રાજા તથાગત ગુપ્ત હોવાનું જણાય છે. ગોપ નામની કોઈ વ્યક્તિએ તેને નાની ઉંમરથી કેદ કર્યો હતો. સત્તર વરસની ઉંમર સુધી તે કેદી રહ્યો અને કોઈ ભગવ (?) નામની વ્યક્તિએ તેને કેદખાનામાંથી છોડાવ્યો. તેણે હૂણ રાજવી તોરમાણ પાસે આશરો લીધો. તેણે તેને ગંગા નદીને કિનારે આવેલા નંદનગર(પાટલિપુત્ર)માં ગાદીએ બેસાડ્યો. તેના રાજ્યની સીમાઓ પશ્ચિમમાં અટવી અને પૂર્વમાં લૌહિત્ય સુધી અને ઉત્તરમાં હિમાલય તથા દક્ષિણમાં પૂર્વના સમુદ્રકિનારાના પ્રદેશો સુધી હતી. આ રાજવીને બૌદ્ધ ધર્મમાં અપાર શ્રદ્ધા હતી. તેણે પંચકેસરી લોકો પર વિજય મેળવ્યો હતો અને સિંહવંશનો નાશ કર્યો હતો. તેણે પ્રજાને હેરાન કર્યા વગર રાજ્ય કર્યું. તે ઈ. સ. 497 અને 499 દરમિયાન કોઈ સમયે સત્તા પર આવ્યો અને તે व (વૈન્ય ગુપ્ત) રાજાના હાથે મરાયો એવો ઉલ્લેખ છે.

જ. મ. શાહ