તગર (ગંઠોડાં) : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા વેલેરિયેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Valeriana. jatamansi Jones — syn. V. wallichii D. (સં. तगरम् હિં. મ. ગુ. બં. તગર; અં. Indian Valerian) છે. યુરોપિયન તગર (V. officinalis) ઇંગ્લૅન્ડ, યુ.એસ., જર્મની, ફ્રાન્સ, હોલૅન્ડ, બેલ્જિયમ, પૂર્વીય યુરોપ અને જાપાનમાં થાય છે. તે બહુગુણસૂત્રતા (polyploidy) દર્શાવે છે. ઇંડિયન વેલેરિયન ભારતમાં હિમાલય અને કાશ્મીરના વિસ્તારોમાં થાય છે. ભારતમાં થતી તેની બીજી જાતિઓમાં V. hardwickii, Wall., V. leschenautii var. brunoniana અને V. pyrolaefoliaનો સમાવેશ થાય છે.
V. wallichii બહુવર્ષાયુ 1.0 થી 2.0 મીટર ઊંચી જાતિ છે. તેનો પ્રકંદ (root stock) આડો વિકાસ પામેલો અને પુષ્ટ હોય છે મૂળપર્ણો (radical leaves) દીર્ઘાયુ, લાંબા દંડવાળાં, હૃદયાકાર કે અંડાકાર, પર્ણકિનારી દંતુર (dentate) કે તરંગિત (sinuate), 2.5થી 7.5 સેમી. વ્યાસ; સ્તંભીય (cauline), પર્ણો નાનાં, થોડીક સંખ્યામાં, અખંડિત કે પિચ્છાકાર (pinnate), પુષ્પો અગ્રસ્થ સમશિખમંજરી-(corymb)માં ગોઠવાયેલાં, દ્વિગૃહી, સફેદ કે ગુલાબી છાંટવાળાં.
યુરોપિયન વેલેરિયનમાં બાષ્પશીલ તેલ 0.5 % થી 1.0 % અને ઇંડિયન વેલેરિયનમાં 0.3 %થી 1.0 % હોય છે. બાષ્પશીલ તેલમાં બોર્નીઓલ ફૉર્મેટ, બોર્નીઓલ એસિટેટ, યુજેનીલ આઇસોવેલેરેટ, આઇસોયુજેનીલ આઇસોવેલેરીએનેટ બોર્નીઓલ આઇસોવેલેરીએઇટ અને વેલઈપોટ્રીઆટ જેવાં ઍસ્ટર હોય છે. બોર્નીઓલ આઇસોવેલેરી-એનેટ ટર્પિન, પીનીન, લિમોનીન, કૅમ્ફીન અને સેસ્કિવટર્પિનનું બનેલું છે. તગરને સૂકવતાં તેમાં થતા નિર્જલીકરણથી આઇસોવેલેરિક ઍસિડ ઉત્પન્ન થાય છે, જેના કારણે ઔષધિ વિશિષ્ટ વાસ ધરાવે છે. તાજી ઔષધિમાં સક્રિય ઘટકો વિશેષ પ્રમાણમાં હોય છે.
વેલેરિયનમાં મોનોટર્પિન અને સેસ્કિવટર્પિન્સ, હાઇડ્રોકાર્બન્સ, સેસ્કિવટર્પિન કીટોન (Eurinone), ઍસિડ, આલ્કોહૉલ (velerianol) અને ઍસ્ટરો છે.
તાજાં અથવા કાળજીપૂર્વક સૂકવેલાં યુરોપિયન અને ઇન્ડિયન વેલેરિયનમાંથી ઇપોક્સી ઇરીડોઇડ શ્રેણીના ત્રણ વધારે સક્રિય ઘટકો વેલેપોટ્રીઆટ અથવા વેલટ્રેટ છે. તે યુરોપિયન વેલેરિયનમાં 0.5 % તથા ઇન્ડિયન વેલેરિયનમાં ચાર ગણા વધારે એટલે કે 2 % હોય છે. વેલેપોટ્રીઆટ પૉલિહાઇડ્રોક્સિસાઇક્લોપેન્ટેન પીરાનના આઇસોવેલેરિક, ઍસેટિક, આઇસોકેપ્રોઇક અને β ઍસિટૉક્સી આઇસોવેલેરિક સાથેનાં ઍસ્ટર છે.
ત્રણ વેલટ્રેટ વેલટ્રેટસ, એસિટૉક્સિવેલટ્રેટ, ડાયડ્રોવેલટ્રેટ અને આઇસોવેલરોલૉક્સિહાઇડ્રૉક્સિડાયડ્રોવેલટ્રેટ છે. બાલડ્રીનલ આલ્ડીહાઇડ વેલટ્રેટના વિઘટનથી ઉત્પન્ન થાય છે.
વેલેરિયનના સૂકા મૂળમાં 0.5 %થી 1.0 % ચેટિનિન અને વેલેરેનિન નામના આલ્કલોઇડ હોય છે. જ્યારે વેલેરિઆનિન અને ઍક્ટિનિડિન ક્વાટરનરી મૉનોટર્પિન આલ્કલોઇડ છે.
તે વાયુસારી અને આકુંચનરોધી (anti-spasmodic) છે. હિસ્ટીરિયામાં અને ચેતાતંત્ર માટે ઉપયોગી છે. તે અનિદ્રા, ચેતાઉત્તેજના અને હૃદયના ધબકારા ઉપર વપરાય છે. વેલટ્રેટ, એરોવેલટ્રેટ અને ડાયડ્રોવેલટ્રેટ 15:5:80 સંવિન્યાસના પ્રમાણમાં પ્રશાંતક તરીકે વપરાય છે અને મેપ્રોબ્રોમેટ જેવો ગુણ ધરાવે છે.
ઇન્ડિયન વેલેરિયનના ત્રણ વેલેપોટ્રીઆટ શક્તિશાળી (potent) કોશિકાવિષી (cytotoxic) અને અર્બુદરોધી (antitumor) હોય છે.
તગર સ્નિગ્ધ, મધુર, કડવી, તૂરી, ગરમ, ત્રિદોષશામક, દીપન, શૂલશામક, સારક, મૂત્રલ, યકૃત-ઉત્તેજક, આર્તવજનક કફહર, મેદ્ય, હૃદયોત્તેજક, નિદ્રાજનક, વિષહર, મગજ માટે બળપ્રદ છે. તે વ્રણ, આંચકા, રક્તવિકાર, શ્ર્વાસ, પક્ષાઘાત, અડદિયો વા, મૂત્રાઘાત, કષ્ટાર્તવ, સંધિવા, આમવાત વગેરે દર્દો મટાડે છે.
બકુલા શાહ
બળદેવપ્રસાદ પનારા