તગર (ચાંદની) : દ્વિદળી વર્ગમાં આવેલ ઍપોસાયનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ervatamia coronaria Stapf = E. divericata (Linn.) Alston syn. Tabernaemontana coronaria R. Br. (સં. नंदीवृक्ष, હિં. ગુ. तगर, ચાંદની) છે. તે 2થી 2.5 મીટર ઊંચું સદાહરિત ક્ષુપ છે. તેની છાલ સફેદ-ભૂખરી હોય છે અને તેનો પર્ણસમૂહ સુંદર હોય છે. પર્ણો સાદાં, સમ્મુખ, દીર્ઘવૃત્તાકાર (elliptic), લીસાં, ચકચકિત લીલાં અને 7.5થી 15.0 સેમી. લાંબાં હોય છે. પુષ્પ સફેદ રંગનાં સિંગલ અથવા ડબલ, રાત્રે મીઠી સુગંધી આપતાં અને દિવસ દરમિયાન સુગંધી રહિત હોય છે. પુષ્પનિર્માણ સમગ્ર વર્ષ દરમિયાન થતું હોવા છતાં ચોમાસામાં પુષ્પો વધારે બેસે છે અને આખી વનસ્પતિ પુષ્પોથી ભરાઈ જાય છે.

ઓછી કાળજીએ પણ આ વનસ્પતિ થઈ શકે છે અને ઢોર પણ તેને બહુ પસંદ કરતાં નથી. અંગ્રેજીમાં તેને ‘plant of the grave’ કહે છે; કારણ કે કબ્રસ્તાન જેવી જગાએ પણ તે ઊછરી શકે છે. છતાં તેને ખાતર-પાણી આપતાં તેની શોભા ઓર વધી જાય છે. તેનું બે-ત્રણ વર્ષે કૃન્તન (pruning) કરવાથી વનસ્પતિ ઘાટીલી રહે છે. દાબ (layering) અને  કટકારોપણ(cutting)પદ્ધતિથી તેને સહેલાઈથી ઉગાડી શકાય છે.

તેની મુખ્ય બે ઉપજાતિઓ છે : (1) E. divericata, var. wallichi, જેનાં પુષ્પ  એકદલી (single flower) હોય છે. (2) E. divericata, var. florapleno જેનાં પુષ્પો દ્વિદલી (double flower) હોય છે અને પુષ્પની સંખ્યા થોડી ઓછી હોય છે. મોટા ભાગનાં ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિ તરીકે તેનું સ્થાન હોય છે.

તગર(ચાંદની)નાં પર્ણ અને પુષ્પ

તેનાં મૂળ કડવાં હોય છે અને તેનો સ્થાનિક વેદનાહર (anodyne) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વળી દાંતના દુખાવામાં ચૂસવામાં આવે છે. તેને પાણી સાથે ઘસીને પાતળો મલમ તૈયાર કરવામાં આવે છે, જેનો કૃમિનાશક (vermicide) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પારદર્શક પટલ(cornea)ની અપારદર્શિતા દૂર કરવા લીંબુના રસ સાથે તેને ચોપડવામાં આવે છે. નેત્રસંગ(ophthalmia)માં મૂળનો કોલસો અને પર્ણના ક્ષીરરસનો ઉપયોગ કરવામાં આવે છે. પુષ્પોના ક્ષીરરસને તેલ સાથે મિશ્ર કરી આંખની બળતરા અને ત્વચાનાં દર્દોમાં ઉપયોગમાં લેવાય છે. પર્ણોનો ક્ષીરરસ શોથ (inflammation) અટકાવવા ઘા પર લગાડાય છે. કાષ્ઠનો પ્રશીતક (refrigerant) તરીકે ઉપયોગ થાય છે.

બીજમાં રહેલ લાલ ગરનો કેટલીક વાર રેસાઓને રંગવામાં ઉપયોગ કરવામાં આવે છે. મૂળ અને પ્રકાંડની છાલમાં ટેબરનીમોન્ટેઇન અને કોરોનેરીન પ્રકારનાં આલ્કલૉઇડ્ઝ રહેલાં છે.

તેની અન્ય જાતિઓ E. dichotoma, Roxb. (Eve’s apple) અને E. heyneana. wall. (નાગકુડા) છે.

મ. ઝ. શાહ