ણાણપંચમીકહા (જ્ઞાનપંચમી કથા) (ઈ. સ. 1053 પહેલાં) : શ્રુતપંચમીને લગતી દસ પ્રાકૃત કથાઓનો સંગ્રહ.
તેના કર્તા મહેશ્વરસૂરિ સજ્જન ઉપાધ્યાયના શિષ્ય હતા. આ ગ્રંથની પ્રાચીનતમ તાડપત્રીય પ્રત વિ. સં. 1109ની લખેલી મળે છે. માટે આનો રચનાકાળ ઈ. સ. 1053ની પૂર્વનો છે.
આ સંગ્રહમાં શ્રુતપંચમી વ્રતનું માહાત્મ્ય બતાવવા માટે દસ કથાઓ સંગૃહીત છે. કથાકારની માન્યતાનુસાર આ વ્રતની આરાધનાથી બધા પ્રકારની સુખસમૃદ્ધિ આરાધકને પ્રાપ્ત થાય છે.
એમાં ગજપુરનિવાસી ધનપાલ શ્રેષ્ઠીની પત્ની કમલશ્રી પરદેશ ગયેલા પોતાના પુત્ર ભવિષ્યદત્તના શ્રેયાર્થે શ્રુતપંચમી વ્રતનું અનુષ્ઠાન કરે છે, જેના પ્રભાવથી ભવિષ્યદત્ત અનેક સંકટોનો સામનો કરતો અપાર સંપત્તિ મેળવીને ઘરે પાછો ફરે છે. થોડાક સમય સુધી સંસારસુખ ભોગવીને મુનિના ઉપદેશથી વિરક્ત બની ભવિષ્યદત્ત સાધુ બની જાય છે અને મૃત્યુ પછી સાતમા સ્વર્ગમાં હેમાંગદ દેવ બને છે.
બાકીની નવ કથાઓ પણ જ્ઞાનપંચમીવ્રતના ર્દષ્ટાન્તના રૂપમાં લખાયેલી છે. દરેક કથાનો પ્રારંભ, અંત અને શૈલી પ્રાય: એક જ પ્રકારનાં છે. ચરિત્ર, વાર્તાલાપ અને ઉદ્દેશોનું ગ્રથન કથાકારે પોતાની રીતે કર્યું છે. આ બધી કથાઓ સુંદર, રોચક, મૌલિક અને કાવ્યાત્મક કલ્પનાઓથી ઓતપ્રોત છે. આ ગ્રંથ અમૃતલાલ સવચંદ ગોપાણીએ સંપાદિત કરેલ તે 1949માં ભારતીય વિદ્યાભવન તરફથી પ્રગટ થયેલ છે.
રૂપેન્દ્રકુમાર પગારિયા