ઢાંકી, મધુસૂદન (જ. 31 જુલાઈ 1927, પોરબંદર, ગુજરાત; અ. 29 જુલાઈ 2016, અમદાવાદ) : કલાનાં વિવિધ ક્ષેત્રોના આજીવન અભ્યાસી, અન્વેષક અને લેખક. મુખ્ય રસનો વિષય મંદિરસ્થાપત્ય, શિલ્પ, લોકકલાઓ – હસ્તકલાઓ, ઉદ્યાનવિદ્યા અને રત્નવિદ્યા. ભૂસ્તરવિદ્યા અને રસાયણવિદ્યાના વિષયો સાથે વિજ્ઞાનના સ્નાતક. કારકિર્દીનો આરંભ તેમણે સેન્ટ્રલ બૅંક ઑવ્ ઇંડિયામાંથી (1950થી 53) કર્યો. ત્યારપછી જૂનાગઢમાં કૃષિ-સંશોધન વિભાગમાં (1953થી 54) કામ કર્યું. 1955થી 72 સુધી તેમણે સૌરાષ્ટ્ર રાજ્ય, મુંબઈ રાજ્ય અને ગુજરાત રાજ્યના પુરાવસ્તુ અને સંગ્રહાલય વિભાગમાં કામગીરી બજાવી. તેની શરૂઆત જૂનાગઢ સંગ્રહાલયના વસ્તુપાલ તરીકે કરી. આ સંગ્રહાલયના ગ્રંથસંગ્રહે એમનાં પુરાવસ્તુ-વિજ્ઞાનના વિષયોમાં રસરુચિ વધાર્યાં. આ ગાળા દરમિયાન 1966થી 1973 સુધી ગુડગાંવની અમેરિકી અકાદમીમાં રિસર્ચ-ઍસોશિયેટ તરીકે સેવાઓ આપી. 1974થી 87 સુધી અમદાવાદના લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં ભારતીય કલા અને સ્થાપત્યના અન્વેષક પ્રાધ્યાપક તરીકે રહ્યા; પણ તે સાથે ગુડગાંવની અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન સ્ટડીઝમાં 1974થી ડેપ્યુટેશન ઉપર ગયા. ત્યાં તેઓ સંશોધન-અધિકારી અને સહાયક નિયામક (અન્વેષણ) તરીકે રહ્યા પછી તેમણે સ્થાપત્ય–શિલ્પના ક્ષેત્રે ઘણું મહત્વનું પ્રદાન કર્યું છે. ‘ધ ઇન્ડિયન ટેમ્પલ ફૉર્મ્સ ઇન કર્ણાટક – ઇન્સ્ક્રિપ્શન્સ ઍન્ડ આર્કિટેક્ચર’ (1977), ‘ધ રિડલ ઑવ્ ધ ટેમ્પલ ઑવ્ સોમનાથ’ (સહલેખક, 1974), ‘ધ મૈત્રક ઍન્ડ ધ સૈન્ધવ ટેમ્પલ્સ ઑવ્ ગુજરાત’ (સહલેખક, 1969), ‘ધ વ્યાલ ફીગર્સ ઑન ધ મીડિયેવલ ટેમ્પલ્સ ઑવ્ ઇન્ડિયા’ (સહલેખક, 1966) વગેરે એમના મહત્વના ગ્રંથો છે. ભારતનાં વિવિધ સામયિકોમાં એમના અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં સોથી પણ વધુ અન્વેષણ-લેખો પ્રસિદ્ધ થયા છે. છેલ્લા બે દાયકાથી તેઓએ ગુરુગાંવની અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન સ્ટડીઝના ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ ઇન્ડિયન ટેમ્પલ આર્કિટેક્ચર’ના સંપાદનમાં મોટું પ્રદાન કર્યું છે.
ભારતીય મંદિરસ્થાપત્યના અન્વેષણમાં એમનું પ્રદાન ચિરંજીવ છે. તેમની આ વિશિષ્ટ સેવાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’થી નવાજ્યા છે. તેમને 2010નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે.
રસેશ જમીનદાર