ડ્રીમ ઑવ્ ધ રૂડ, ધ

January, 2014

ડ્રીમ ઑવ્ ધ રૂડ, ધ : દસમા શતકની જૂની અંગ્રેજી ભાષામાં લખાયેલ ‘વર્ચેલી બુક’ સંગ્રહમાંનું એક સુપ્રસિદ્ધ ધાર્મિક કાવ્ય. ઇટાલીના વાયવ્ય ખૂણામાં વર્ચેલી નગરના મુખ્ય દેવળના પુસ્તકાલયમાં જતન કરીને જાળવી રાખવામાં આવેલા દસમા શતકની જૂની અંગ્રેજીમાં (ઍંગ્લો-સૅક્સન) લખાયેલા અને પાછળથી ‘વર્ચેલી બુક’ તરીકે જાણીતા થયેલા ગદ્યપદ્યસંગ્રહનાં કાવ્યોમાંનું 156 પંક્તિઓનું સુપ્રસિદ્ધ ધાર્મિક કાવ્ય. અંગ્રેજી સાહિત્યનું આજ સુધી જળવાયેલ આ સૌથી જૂનું કાવ્ય છે. આ કાવ્યની રચનામાં સ્વપ્ન કે દર્શનની પ્રયુક્તિનો અનેક કવિઓએ બહોળો ઉપયોગ કર્યો છે. આ કાવ્યમાં કવિને સ્વપ્નમાં ઈશુ ખ્રિસ્તના પવિત્ર વધસ્તંભ કે ક્રૂસનું દર્શન થયેલું તેનું વર્ણન છે. ક્રૂસના પ્રારંભિક વર્ણન બાદ કવિ પોતાને થયેલા સ્વપ્નાનુભવની કથાનો દોર ચાલુ રાખે છે. પોતાના કાને સાંભળવા મળી તે ક્રૂસની ઉદઘોષણા કવિ શબ્દશ: ઉચ્ચારે છે. આપવીતી કહેતાં વધસ્તંભ કવિને જણાવે છે કે તેનો જન્મ વનમાં થયો હતો. ત્યાંથી પોતે વૃક્ષના રૂપમાં હતો ત્યારે તેને કાપીને તેના કાષ્ઠમાંથી માનવજાતના માલિક માટેનો વધસ્તંભ બનાવાયો હતો. આમ ક્રૂસ તરીકે ભજવવાની તેની ભૂમિકા વિશે તે વાત કરે છે. અપરંપાર વેદના અને દુ:ખ સહન કરીને તેને તો પોતાના નિર્ણયમાં અડગ જ રહેવાનું છે કારણ કે તેના માટે તે પ્રભુનો આદેશ હતો. કથા આગળ ચાલે છે. તેમાં યુવાન, ધીરોદાત્ત નાયક એવા  પ્રભુપુત્ર ઈશુના બલિદાન-સમયની વધસ્તંભે અનુભવેલી ભયાનક મનોવેદનાનું હૂબહૂ વર્ણન કરવામાં આવ્યું છે. તે નાયક પાકો નિશ્ચય કરીને ક્રૂસ ઉપર આરોહણ કરે છે, કારણ કે કોઈ પણ રીતે ઈશુને તો માનવજાતને મુક્ત કરવી છે. પ્રત્યેક આત્માને ઉદ્દેશીને કરવામાં આવેલ સાચા દિલના આ પ્રોત્સાહક આદેશમાં કાવ્યના અંતે ક્રૂસ કહે છે : ‘હે માનવો, ધરતીથી દૂર આવેલા પ્રભુના રાજ્યને શોધજો’ સ્વપ્નદ્રષ્ટા કવિને આ પછી પોતાના સ્વેચ્છામૃત્યુ માટેની પ્રબળ લાગણી થઈ અને તેના આત્માએ મુક્તિની અદમ્ય ઝંખના કરી. તે હેતુ સિદ્ધ કરવા તે ઘડીથી જ તેણે પરમ પવિત્ર જીવન ગાળવાનો ર્દઢ નિર્ણય કર્યો.

ઍંગ્લોસૅક્સન ભાષામાં રચાયેલું આ કાવ્ય મૌલિક, કલ્પનાપ્રચુર અને માનવહૃદયને હચમચાવી દે તેવું છે. આ કાવ્યની સુસંગતતા વિશે વિવિધ મંતવ્યો છે. તેમાં ઈશ્વરભક્તિ સંબંધી સીધાંસાદાં કલ્પનોની કલાત્મક ગૂંથણી જોવા મળે છે. આ પ્રકારનાં અન્ય કાવ્યોમાં ‘એન્ડ્રીઆસ’, ‘ધ ફોનિક્સ’, ‘ફિઝિયોલોગસ’ અને ‘બેસ્ટિયન’ વગેરેને ગણાવી શકાય. રોમન કે ગ્રીક ભાષાઓના વર્ણોમાં સુધારા-વધારા કરી લાકડા કે પથ્થર ઉપર કોતરકામ કરતી વખતે અને કાગળ પર લખતી વખતે ઉપયોગમાં લેવાતા અક્ષરોને રૂનિક કહે છે. આ કાવ્યની કેટલીક કંડિકાઓ ‘રૂનિક’ વર્ણોમાં લખાયેલી તેમજ ‘રુથવેલ ક્રૂસ’ ઉપર કંડારાયેલી મળી આવી છે. કવિ સીનેવુલ્ફની પહેલાંના સમયની, આ કાવ્યની આઠમી સદીની મળી આવેલ વાચના સ્કૉટલૅન્ડના ડમ્ફ્રિશાયરમાં ઉપલબ્ધ છે. ત્યારપછી ઘણા સમય પછી તેનો સંપૂર્ણ પાઠ ‘વર્ચેલી બુક’માં જોવા મળે છે. સીનેવુલ્ફની અસર તળે કોઈ કવિએ આગળનો પાઠ સ્વીકારીને તેમાં શુદ્ધિવૃદ્ધિ કરી હોય અથવા સ્વયં સીનેવુલ્ફે જ તેની પુનર્રચના કરી હોય એવું પણ અનુમાન છે.

વિ. પ્ર. ત્રિવેદી