ડ્રિંકવૉટર જૉન

January, 2014

ડ્રિંકવૉટર જૉન (જ. 1 જૂન 1882, લિડનસ્ટોન, ઇંગ્લૅન્ડ; અ. 25 માર્ચ 1937, લંડન) : બ્રિટિશ કવિ અને નાટ્યકાર. શરૂઆત કવિ તરીકે. કાવ્યનાં ત્રણચાર પુસ્તકો વીસમી સદીની શરૂઆતમાં પ્રગટ કર્યાં. ઉપરાંત ઓગણીસમી સદીના વિખ્યાત કવિ સ્વિનબર્ન અને વિલિયમ મૉરિસ ઉપર વિવેચનાત્મક પુસ્તકો અનુક્રમે 1912 અને 1913માં પ્રગટ કર્યાં. સત્તરમી સદીના વિખ્યાત કવિ અને સૉનેટકાર સર ફિલિપ સિડનીનાં કાવ્યોનું સંપાદન કરીને તેની અધિકૃત આવૃત્તિ પણ બનાવી.

પરંતુ કવિ કરતાં વધારે યશ તેમને ઐતિહાસિક પાત્રો ઉપર નાટકો લખવામાં મળ્યો. તેમનાં નાટકો તખ્તાલાયક તથા સાહિત્યિક કૃતિ – એમ બંને રીતે સંતર્પક છે. પ્રથમ પ્રખ્યાત નાટકનું પ્રકાશન-મંચન 1918માં. નાટકનું નામ ‘અબ્રાહમ લિંકન’. ઘણી તાકાત અને કુનેહથી અમેરિકન ગુલામીપ્રથા નાબૂદ કરાવનાર આ અમેરિકન પ્રમુખ કુદરતી રીતે જ મહાન હતા. આંતરવિગ્રહમાં તે વધારે ઉન્નત બન્યા. નાટકના પ્રસંગો અને પ્રમુખના જીવનના પ્રસંગો; તેનાં પોતાનાં ઐતિહાસિક ઉચ્ચારણો; લિંકનની પત્નીનું પ્રાકૃત વ્યક્તિત્વ; અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં ત્યાંની પરંપરાઓ વગેરેથી નાટક ઘણું પ્રખ્યાત થયું. બીજાં ઐતિહાસિક નાટક પણ આવાં વિખ્યાત ઐતિહાસિક પાત્રો ઉપર જ લખાયાં છે. ‘ઑલિવર ક્રૉમવેલ’ (1921) અને ‘મેરી સ્ટુઅર્ટ’ (1921) તથા ‘રૉબર્ટ ઈ. લી’ (1923). ઑલિવર ક્રોમવેલ સત્તરમા સૈકામાં પ્યુરિટન બળવાનો આગેવાન હતો અને ચાર્લ્સ પહેલાને મૃત્યુદંડ આપી ઇંગ્લૅન્ડમાં કૉમનવેલ્થ પ્રજાસત્તાક સ્થાપ્યું હતું. તેના સમયમાં ઇંગ્લૅન્ડની શક્તિ આખા યુરોપમાં પ્રશંસનીય બની. તેણે જે અંગ્રેજ લશ્કર બનાવ્યું તે ધાર્મિક ઝનૂનથી લડતું. તેને ‘આયર્નક્લૅડ’ – લોહમંડિત – લશ્કર કહેતા. મેરી સ્ટુઅર્ટ સ્કૉટલૅન્ડના રાજા જેમ્સ પંચમની પુત્રી હતી. તેણે પહેલું લગ્ન ફ્રાન્સના રાજા ફ્રાન્સિસ બીજા સાથે કરેલું. તે 1558માં મૃત્યુ પામતાં, તેણે અંગ્રેજ ઉમરાવ લૉર્ડ ડાર્નિબી સાથે 1565માં બીજું  લગ્ન કર્યું. ત્યાર પછી તેણે ત્રીજું લગ્ન બોથવેલ નામના ઉમરાવ સાથે કર્યું. 1567માં ઇંગ્લૅન્ડની રાણી ઇલિઝાબેથ પહેલી આ અભાગી યુવતીની ઘણી ઈર્ષા કરતી. આથી તેના ઉપર રાણી ઇલિઝાબેથને મારી નાખવાનું કાવતરું કરવાનો આરોપ મુકાયો અને વિખ્યાત લંડનના ટાવરમાં શિરચ્છેદ કરવામાં આવ્યો. પણ વિચિત્ર બીના એ છે કે રાણી ઇલિઝાબેથના મૃત્યુ પછી આ મેરી સ્ટુઅર્ટનો જ વારસ જેમ્સ બીજા તરીકે ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડનો સંયુક્ત રાજા થયો અને તે પ્રદેશ યુનાઇટેડ કિંગ્ડમ તરીકે ઓળખાવા લાગ્યો. આ બધાં નાટકોની પ્રસંગગૂંથણી સારી હોવાથી સ્ટેજ ઉપર તથા શાળા, કૉલેજની અવૈતનિક રંગભૂમિ પર ઘણી વાર ભજવાયાં.

જૉન ડ્રિંકવૉટર

આ ઉપરાંત 1930માં ડ્રિંકવૉટરે સત્તરમી સદીના વિખ્યાત ડાયરિસ્ટ સૅમ્યુઅલ પીપ્સનું જીવનચરિત્ર પ્રગટ કર્યું. સૅમ્યુઅલ પીપ્સે પોતાની ડાયરી કોઈ વાંચી ન શકે તેવી ગુપ્તલિપિમાં લખેલી તેથી તેમાં તેણે તેના સમકાલીનો વિશે (અને પોતાના…..) ગમાઅણગમા વિશે અને જાતઅનુભવો વિશે કશા પણ ખચકાટ વગર લખ્યું છે. આમાં તે યુગ, જેને અંગ્રેજી સામાજિક ઇતિહાસકારો ‘રેસ્ટોરેશન’ યુગ કહે છે, તેનું સુરેખ ચિત્રણ મળે છે. તે વખતનાં લંડનનાં કૉફીહાઉસ, સુરાલયો, વેશ્યાગૃહો, મુસાફરખાનાં, લૂંટારા, લંડનની મહામારી સમો પ્લેગ તથા અડધા ઉપરાંત લંડનને બાળી મૂકનાર ભયાનક આગનું ચિત્રણ છે. ડાયરી જેટલી જ આ જીવનકથા સુવાચ્ય છે.

ડ્રિંકવૉટરે પોતાની આત્મકથા બે ભાગમાં 1930 અને 1931માં પ્રગટ કરી હતી.

રજનીકાન્ત પંચોલી