ડ્રિલ : દાગીનામાં છિદ્ર પાડવા માટેનું એક યાંત્રિક ઓજાર. છિદ્ર પાડવાની ક્રિયાને ડ્રિલિંગ કહે છે; તે ડ્રિલિંગ યંત્ર ઉપર થાય છે. દાગીનાના પ્રકારને ધ્યાનમાં લઈ લેથ ઉપર પણ તે ક્રિયા થાય છે. પદાર્થ કે દાગીના ઉપર અવલંબિત, ડ્રિલનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવે છે :
(1) કાર્બન સ્ટીલ ડ્રિલ, હાઈસ્પીડ સ્ટીલ ડ્રિલ, કાર્બાઇડ ટિપ્ડ ડ્રિલ અને ડાયમંડ ડ્રિલ. સામાન્યત: હાઈસ્પીડ ડ્રિલનો ઉપયોગ સૌથી વધુ થતો હોય છે.
(2) ડ્રિલના ખાંચા (flute) અનુસાર ડ્રિલ (અ) સીધા ખાંચાવાળાં અને (બ) સર્પિલ (helical) પ્રકારનાં હોય છે. વળી કાપાની સંખ્યા અનુસાર એક, બે, કે ત્રણ ખાંચાવાળાં ડ્રિલ પણ હોય છે.
ડ્રિલને જે ભાગ વડે પકડવામાં આવે છે તેને શૅન્ક કહે છે. શૅન્ક બે પ્રકારનાં હોય છે. (અ) સીધાં શૅન્ક અને (બ) ટેપર શૅન્ક. સીધા શૅન્કવાળા ડ્રિલને ચકમાં ભરાવવામાં આવે છે, જ્યારે ટેપર શૅન્ક ડ્રિલને સ્લીવ લગાડ્યા બાદ સ્પિન્ડલમાં ભરાવવામાં આવે છે.
ડ્રિલના જુદા જુદા પ્રકાર છે :
1. સેન્ટર ડ્રિલ : દાગીનામાં સેન્ટરિંગ ચકમાં ભરાવીને વાપરવામાં આવતું ડ્રિલ છે.
2. હેલિકલ (twist) ડ્રિલ : દાગીનામાં ગોળ છિદ્ર પાડવા માટે વપરાય છે. તે બે ખાંચા કે કાપાવાળાં ટેપર શૅન્ક ડ્રિલ છે.
3. કોર ડ્રિલ : કાસ્ટિંગ દાગીનામાં છિદ્રને સાફ કરીને ચોક્કસ કદનું છિદ્ર મેળવવા માટે વપરાય છે. તેમાં હેલિક્સ ફલુટ્સની સંખ્યા બેથી વધુ હોય છે. સામાન્ય ડ્રિલનો છેડો શંકુ આકારનો હોય છે, જ્યારે અહીં છેડો સપાટ હોય છે.
4. ઊંડા છિદ્રનું ડ્રિલ : છિદ્રના વ્યાસની સરખામણીએ વધુ ઊંડાઈવાળું છિદ્ર મેળવવા માટે વપરાય છે. ‘ગન ડ્રિલ’ આ પ્રકારનું ઉદાહરણ છે.
દાગીનામાં ચોક્કસ માપનાં અને ચોખ્ખી સપાટીવાળાં છિદ્ર મેળવવા માટે ડ્રિલિંગ કર્યા પછી ‘રીમિંગ’ કરવામાં આવે છે. તેને માટેના ઓજારને રીમર કહે છે. ડ્રિલની સરખામણીએ તેમાં વધુ કાપાઓ હોય છે અને તેનો છેડો શંકુ આકારને બદલે સપાટ હોય છે.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ