ડ્રાયર : ભીની વસ્તુને સૂકવવા માટેનું ઉપકરણ. તેમાં વસ્તુને ગરમ કરવા માટે વાયુ, ગરમ પ્રવાહી, વિદ્યુત અથવા ઉષ્માવિકિરણનો ઉપયોગ કરવામાં આવે છે.

ડ્રાયરનો ઉપયોગ ઘરગથ્થુ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે કરવામાં આવે છે. (1) વાળ સૂકવવા માટેનું ‘હૅરડ્રાયર’ અને  (2) વૉશિંગ મશીનમાં કપડાં સૂકવવા માટે વપરાતું ડ્રાયર એ બે મુખ્ય ઘરગથ્થુ ડ્રાયર છે.

હૅરડ્રાયર : ભીના વાળને કોરા કરવા માટે અને અલગ અલગ પ્રકારની કેશરચના (hair style) કરવા માટે વપરાતું હૅરડ્રાયર ખૂબ જ સાદી રચના ધરાવતું એક નાનું ઉપકરણ છે. ડ્રાયરમાંથી ગરમ હવા મળતી હોવાથી તેની મદદથી વાળને ઝડપથી કોરા કરી શકાય છે.

તેની રચનામાં મુખ્યત્વે ઇલેક્ટ્રિક મોટર, પંખો અને ગરમ કરવા માટેનાં ગૂંચળાં(heating coil)નો સમાવેશ થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મોટર સાથે જોડેલા પંખા આગળ હીટિંગ કૉઇલ રાખેલી હોય છે. પંખાના ભ્રમણથી ડ્રાયરના પાછળના ભાગમાં આવેલાં છિદ્રોમાંથી હવા ડ્રાયરમાં દાખલ થાય છે. જે આગળ વધીને હીટિંગ કોઇલ પરથી પસાર થતાં ગરમ થાય છે. ત્યારબાદ આ ગરમ હવા ડ્રાયરમાંથી બહાર ફેંકાય છે.

ગરમ હવા મેળવવા માટે ડ્રાયરમાં સામાન્ય રીતે એક નાનો એકમ અને બીજો મોટો એકમ હોય છે. ઓછી ગરમ હવા માટેની કળ (switch) દબાવતાં નાનો એકમ કાર્યરત થાય છે. મધ્યમ પ્રમાણમાં ગરમ હવા માટેની કળ દબાવતાં મોટો એકમ કાર્યરત થાય છે અને વધુ ગરમ હવા મેળવવા માટેની કળ દબાવતાં બંને એકમો એકીસાથે કાર્યરત થાય છે. તદુપરાંત આ એકમોને ચાલુ કર્યા વિના માત્ર પંખો ચાલુ કરીને ઠંડી હવા મેળવી શકાય તેવી વ્યવસ્થા પણ હોય છે.

વધુ પડતી ગરમી સામે ડ્રાયરનું રક્ષણ કરવા માટે તેમાં થરમૉસ્ટેટ અને ઊંચી ક્ષમતાવાળા અવાહકો (non-conductors) રાખવામાં આવે છે. ડ્રાયરનું તાપમાન અમુક મર્યાદાથી વધી જાય અથવા ડ્રાયરમાં હવા પ્રવેશ ન કરતી હોય તો થરમૉસ્ટેટ કૉઈલમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહને આપોઆપ બંધ કરે છે. આથી, ડ્રાયર ગરમ થતું નથી. ડ્રાયરમાં ઉષ્મા-અવરોધક પદાર્થ તરીકે પહેલાં ઍસ્બેસ્ટૉસનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ તે કૅન્સર તેમજ ફેફસાંના કેટલાક રોગો માટે જવાબદાર ગણાતું હોવાથી ઈ. સ. 1979 પછી ડ્રાયરમાં ઍસ્બેસ્ટૉસના સ્થાને બીજા ઉષ્માઅવરોધક પદાર્થો વાપરવામાં આવે છે.

સેન્ટ્રિફ્યૂજ પરિભ્રમણ દ્વારા પદાર્થમાંથી ઘટકો છૂટા પાડવાનું સાધન

કપડાં ધોવાના મશીનમાંનાં કપડાં સૂકવવા માટેનું ડ્રાયર : આ ડ્રાયરમાં ‘સેન્ટ્રિફ્યૂજ’ના સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. તેમાં છિદ્રો ધરાવતો એક નળાકાર (drum) હોય છે. આ નળાકારને ખૂબ ઊંચી ઝડપે પરિભ્રમણ કરાવતાં કપડામાંનું પાણી નળાકારની ભ્રમણાક્ષથી દૂરની દિશામાં ફેંકાય છે અને નળાકારમાં આવેલાં છિદ્રો વાટે બહાર નીકળી જાય છે. આમ, કપડાંમાંથી પાણી દૂર થતાં કપડાં સુકાઈ જાય છે.

ઔદ્યોગિક ડ્રાયર : ઉદ્યોગોમાં ઘનપદાર્થોને ભેજરહિત કરવા માટે વપરાતા ડ્રાયરને તેમાં થતા ઉષ્માના પ્રસરણના આધારે ત્રણ પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે : (1) પ્રત્યક્ષ ડ્રાયર, (2) પરોક્ષ ડ્રાયર અને (3) અધોરક્ત કે ઉષ્મીય વિકિરણનો ઉપયોગ કરતાં (infra-red or radiant heat) ડ્રાયર.

(1) પ્રત્યક્ષ ડ્રાયર : આ પ્રકારના ડ્રાયરમાં ભીના ઘન પદાર્થ પરથી ગરમ વાયુઓ પસાર કરીને ઘન પદાર્થને  ભેજરહિત કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલ બાષ્પશીલ  પ્રવાહી ગરમ વાયુઓના પ્રવાહ સાથે જ દૂર થતું હોય છે. આ પ્રકારના ડ્રાયરમાં ઉષ્માનયન (heat convection) વડે ઘન પદાર્થને ઉષ્મા પ્રાપ્ત થતી હોવાથી તેને ‘કન્વેક્શન ડ્રાયર’ કહે છે.

(2) પરોક્ષ ડ્રાયર : આ પ્રકારના ડ્રાયરમાં જે પાત્રમાં ઘન પદાર્થ રાખેલ હોય તે પાત્રની દીવાલને અથવા તો જે સપાટી પર ઘન પદાર્થ રાખેલા હોય તે સપાટીને ગરમ કરવામાં આવે છે. અહીં ઉષ્માના સ્રોત તરીકે વરાળ, ગરમ પાણી, દહનશીલ વાયુ, ગરમ તેલ કે વિદ્યુત વડે ઉદભવતી ઉષ્માનો ઉપયોગ થાય છે. તેમાં ઘન પદાર્થ, ઉષ્માવહન (heat conduction) દ્વારા ઉષ્મા મેળવીને ગરમ થતો હોવાથી તેને ‘કન્ડક્શન ડ્રાયર’ કહે છે.

(3) અધોરક્ત અથવા ઉષ્મીયવિકિરણ ડ્રાયર : આ પ્રકારના ડ્રાયરમાં અધોરક્ત (infra-red) અથવા બીજાં ઉષ્મા વિકિરણોને ઘન પદાર્થમાંથી પસાર કરતાં વિકિરણના શોષણ દ્વારા ઘનપદાર્થને ભેજરહિત  કરવામાં આવે છે. વિકિરણના સ્રોત તરીકે વરાળ, ગરમ પ્રવાહી, વાયુની જ્યોત કે વિદ્યુતનો ઉપયોગ કરવામાં આવે છે.

નીરવ લવિંગીયા