ડ્યૂ પોં (Du Pont) કુટુંબ : દુનિયાની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક એવી ‘ઈ.આઈ. ડ્યૂ પોં દ નેમૂર્ઝ ઍન્ડ કંપની’(ડ્યૂ પોં કંપની)ની સ્થાપના કરનાર, મૂળ ફ્રાન્સનું પણ અઢારમા સૈકાના અંતભાગથી અમેરિકામાં સ્થાયી થયેલું કુટુંબ. કુટુંબના વડવા પીઅર સેમ્યૂઅલ ડ્યૂ પોં દ નેમૂર્ઝનો જન્મ 14 ડિસેમ્બર, 1739માં એક ઘડિયાળીને ત્યાં થયો હતો. શરૂમાં તેમણે કુદરતી વિજ્ઞાન અને આયુર્વિજ્ઞાનનો અભ્યાસ કરેલો પણ પાછળથી તેઓ અર્થશાસ્ત્રી અને મુત્સદ્દી બન્યા. 1782માં તેમણે બ્રિટિશરો સાથે કરેલી ખાનગી મંત્રણાઓને કારણે થયેલી સંધિમાં બ્રિટને અમેરિકન સ્વાતંત્ર્યનો સ્વીકાર કર્યો હતો. ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટન વચ્ચેના વ્યાપારી કરારોમાં પણ તેમણે અગત્યની કલમ ઉમેરાવેલી, જેને કારણે તેમને ઉમરાવપદ આપવામાં આવેલું. ફ્રેન્ચ ક્રાંતિનાં શરૂઆતનાં વર્ષોમાં તેમણે અગત્યનો ભાગ ભજવેલો. ક્રાન્તિ બાદ તેમને શિરચ્છેદની સજા થઈ હતી, પણ 1794માં રોબેસ્પીઅરની સત્તા જતાં તેમાંથી બચી ગયેલા. પાછળથી સરકાર સાથે મતભેદ ઊભો થતાં તેમણે પોતાના બે પુત્રો વિક્ટર-મેરી અને એલ્યુથેર ઈરિની સાથે અમેરિકા સ્થળાંતર કર્યું અને 1800ની સાલમાં નૂતન વર્ષના દિવસે ન્યૂ પૉર્ટ પહોંચ્યા. બે વર્ષ પછી ફ્રાન્સ પાછા આવ્યા અને લૂઈ 18માની પ્રથમ સરકારમાં હોદ્દો સંભાળ્યો; પણ 1815માં નેપોલિયન પહેલાના પાછા આવવાથી તેમને ફ્રાન્સ છોડવું પડ્યું. 6 ઑગસ્ટ, 1817ના રોજ તેમનું વિલ્મિંગ્ટન (દેલાવરે) પાસે આવેલા તેમના દીકરા એલ્યુથેર ઈરિનીના નિવાસસ્થાન એલ્યુથેર મિલ્સ ખાતે અવસાન થયું. ડ્યૂ પોં કુટુંબે અમેરિકાની જાહેર અને સેનાકીય (military) બાબતો, રાજ્ય અને રાષ્ટ્રના રાજકારણમાં તેમજ લોકહિતમાં આગળ પડતો ભાગ ભજવ્યો છે.
પીઅર સેમ્યુઅલના ત્રીજા પુત્ર એલ્યુથેર ઈરિનીનો જન્મ 1771માં પૅરિસમાં થયો હતો. ફ્રેન્ચ વૈજ્ઞાનિક લાવાઝિયે પાસે શિક્ષણ મેળવીને ફ્રેન્ચ સરકારના કારખાનામાં દારૂગોળો બનાવવામાં કૌશલ મેળવ્યું. ફ્રાન્સમાં અનુકૂળતા ન જણાતાં કુટુંબ સાથે અમેરિકા ગયા અને 1802માં એક કંપની સ્થાપી વિલ્મિંગ્ટન પાસે બેન્ડિવાઇન નદીના કાંઠે દારૂગોળો બનાવવાના કારખાનાની શરૂઆત કરી. આ કંપની 1833થી ‘ઈ. આઈ. ડ્યૂ પોં દ નેમૂર્ઝ એન્ડ કંપની’ તરીકે ઓળખાય છે. તેમણે ઊનની તેમજ અન્ય મિલો સ્થાપી વૈવિધ્યીકરણ દ્વારા કંપનીની સધ્ધરતા વધારવાની શરૂઆત કરી. તેમણે સુરોખારના શુદ્ધીકરણની, વૂડ ક્રિઓસોટ તથા કાપડ અને ચામડાને રંગવા માટે વપરાતા આયર્ન લિકર બનાવવાની પ્રવિધિઓમાં સુધારા કર્યા. તેમના પુત્રો પૈકી આલ્ફ્રેડ વિક્ટર (1798–1856) અને હેન્રી (1812–1889) આગળ જતાં અનુક્રમે 1834થી 1850 અને 1850થી 1889 દરમિયાન કંપનીના પ્રમુખ બન્યા હતા. હેન્રી વધુ ધગશવાળા હોવાને કારણે તેમણે આંતરવિગ્રહ પછી કામકાજમાં વધારો કર્યો અને કૅલિફૉર્નિયા સુધી કંપનીના એકમો વિસ્તાર્યા.
એલ્યુથેર ઈરિનીના પ્રપૌત્ર ટૉમસ કૉલમૅન ડ્યૂ પોં (1863–1930) લૂઈવીલે, કેન્ટકીમાં જન્મેલા. નાની ઉંમરે લોખંડ અને કોલસાના ઉદ્યોગમાં ખૂબ કમાણી કરી. તેઓ 1902થી 1915 સુધી ડ્યૂ પોં કંપનીના પ્રમુખ રહ્યા. તે દરમિયાન કંપનીનો સારો એવો વિકાસ થયો. તેઓ અમેરિકન રાજકારણમાં પણ રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે સક્રિય રહ્યા હતા.
આલ્ફ્રેડ વિક્ટર ડ્યૂ પોંના પૌત્ર પીઅર સેમ્યુઅલ ડ્યૂ પોં(જ. 15 જાન્યુઆરી, 1870; અ. 5 એપ્રિલ, 1954)ના સમયમાં 1902માં કૌટુંબિક સાહસ (enterprise) સુગ્રથિત થતાં 100 જેટલી કંપનીઓ એકત્ર કરી ઈ. આઇ. ડ્યૂ પોં ઍન્ડ કું. સ્થાપવામાં આવી. પીઅર સેમ્યુઅલ તેના ખજાનચી અને 1915થી 1919 સુધી તેના પ્રેસિડેન્ટ રહ્યા. 1923થી 1940 સુધી તેઓ બોર્ડના ચૅરમૅન પણ રહ્યા. તેમના સમયમાં કંપનીનું ઉત્પાદન વાર્ષિક 1.20 કરોડ રતલ(50.45 લાખ કિલો)થી વધીને રોજના 10,00,000 રતલ જેટલું થયું, કંપનીએ નેશવિલે (ટેનેસી) પાસે ઊભી કરેલી પાઉડર-ઉત્પાદનની નિર્ધૂમ ફૅક્ટરી દુનિયાની આવી ફૅક્ટરીમાં સૌથી મોટી હતી. 1920થી 1923 સુધી તેઓ જનરલ મોટર્સના પણ પ્રેસિડેન્ટ રહ્યા હતા. તેમણે દેલાવરે ખાતે અનેક શિક્ષણ-સંસ્થાઓને દાન આપેલાં. 1940માં તેઓ નિવૃત્ત થઈ લૉન્ગવૂડ ખાતે રહેવા ગયા.
ઈરિની ડ્યૂ પોં (1876–1963) 1919થી 1926 સુધી કંપનીના પ્રેસિડેન્ટ રહ્યા. તેમના સમયમાં કંપનીએ વિસ્ફોટકો ઉપરાંત ઇનેમલ, રેયૉન, સેલોફેન અને અન્ય પદાર્થોનું ઉત્પાદન શરૂ કર્યું. તેમણે સંશ્લેષિત રબર ઉપર પણ એક સંશોધન કાર્યક્રમ શરૂ કર્યો હતો.
પીઅર સેમ્યુઅલ અને ઈરિનીના ભાઈ લેમોટ 1926થી 1940 સુધી કંપનીના પ્રેસિડેન્ટ રહ્યા. તેમના સમયમાં કંપનીએ સંશોધન ઉપર ખાસ ભાર મૂકતાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો અને 1931માં કંપનીએ નીઓપ્રિન સંશ્લેષિત રબર અને 1938માં નાયલૉનનું ઉત્પાદન શરૂ કર્યું. ઍટમ-બૉંબના પ્રોજેક્ટમાં પણ કંપનીએ ભાગ લીધો.
22 જાન્યુઆરી, 1935માં વીલ્મિંગ્ટન(દેલાવરે)માં જન્મેલા પીઅર સેમ્યુઅલ ડ્યૂ પોં (IV) 1977થી 1985 સુધી દેલાવરેના ગવર્નર હતા. 1971થી 1977 સુધી રિપબ્લિકન તરીકે અમેરિકાના ‘હાઉસ ઑવ્ રેપ્રિઝેન્ટેટિવ્ઝ’માં તેમણે સેવા આપી.
ડ્યૂ પોં કંપની વિવિધ પ્રકારની 1600 કરતાં વધુ ચીજોનું ઉત્પાદન કરે છે; જેમાં આર્લોન, માયલાર, ડેક્રોન જેવા સંશ્લેષિત રેસાઓ, કૃષિવિષયક રસાયણો, ઔદ્યોગિક રસાયણો, સંશ્લેષિત રબર, રંગો (paints), સેલોફેન, પ્રશીતકો (refrigerents) વગેરેનો સમાવેશ થાય છે. ડ્યૂ પોં કુટુંબ દ્વારા સંચાલિત કંપનીઓ દેલાવરેની વસ્તીના પાંચથી દસ ટકાને રોજગારી પૂરી પાડે છે.
જ. પો. ત્રિવેદી