ડ્યૂનાઇટ : અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડક-પ્રકાર. સામાન્યત: સંપૂર્ણપણે એકલા (લગભગ શુદ્ધ) ઑલિવીન ખનિજથી બનેલો એકખનિજીય ખડક. ક્યારેક તેમાં અનુષંગી પાયરૉક્સીન અને ક્રોમાઇટ પણ હોય છે; આ કારણે જ ડ્યૂનાઇટ ક્રોમાઇટ જથ્થાઓ માટેનો પ્રાપ્તિખડક ગણાય છે. કેટલાક ડ્યૂનાઇટમાં સ્પાઇનેલ-પિકોટાઇટ, મૅગ્નેટાઇટ, ઇલ્મેનાઇટ, પાયહ્રોટાઇટ અને પ્રાકૃત પ્લૅટિનમ પણ જોવા મળે છે. ઑલિવીન ઉપરાંત જો લોહ-મૅગ્નેશિયન  સિલિકેટ ખનિજોનું પ્રમાણ થોડુંક પણ વધી જાય તો એવા ખડકને પેરિડોટાઇટની કક્ષામાં મુકાય છે. આમ પેરિડોટાઇટ પ્રકારના ઓછા શુદ્ધ ઑલિવીન બંધારણવાળા ખડકો સાથે પણ ડ્યૂનાઇટ ઉચ્ચ કે મધ્યમ કક્ષાના નાઇસ ખડકોમાં સંગત પટ્ટાઓના રૂપમાં મળે છે, જેમ કે નૈર્ઋત્ય નૉર્વેનું નાઇસ ખડક સંકુલ. મોટેભાગે તો ડ્યૂનાઇટ સ્તરબદ્ધ બેઝિક ખડક-સંકુલોમાં સિલ કે વીક્ષાકાર અંતર્ભેદનોના સ્વરૂપે મળતો હોય છે; દા.ત., દક્ષિણ આફ્રિકામાંનું બુશવેલ્ડ લોપોલિથ અંતર્ભેદન. ન્યૂઝીલૅન્ડના ડ્યૂન પર્વતમાં જોવા મળતા આ ખડકપ્રકારથી બનેલો ખનિજીય પટો (mineral belt) તેનો વિશિષ્ટ વિસ્તાર ગણાય છે.

મોટાભાગના ડ્યૂનાઇટ વિવિધ પ્રકારની વિરૂપ સંરચનાઓ રજૂ કરે છે. ડ્યૂનનો ડ્યૂનાઇટ પસાર થઈ જતા વાદળના પડછાયા જેવો વિલોપ (undulose extinction) દર્શાવે છે તો કચરાયેલી સંરચના પણ ક્યારેક જોવા મળે છે.

ડ્યૂનાઇટમાંના ઑલિવીનનું સર્પેન્ટાઇનીકરણ એ બહોળા પ્રમાણમાં જોવા મળતી બાબત છે અને તેથી કેટલાક ડ્યૂનાઇટ સંપૂર્ણપણે સર્પેન્ટાઇન જથ્થાઓમાં પરિવર્તિત થઈ ગયેલા હોય છે.

ઉત્પત્તિ : બેઝિક બંધારણવાળા મૅગ્માના ખંડશ: (fractional) સ્ફટિકીકરણથી અથવા તો ચૂનાખડક અને ડૉલોમાઇટના વિસ્થાપનથી ડ્યૂનાઇટ ઉત્પન્ન થાય છે; આ ઉપરાંત, વિકૃતિ સ્વભેદન પ્રક્રિયા(metamorphic differentiation)ને પણ તેની ઉત્પત્તિ માટે જવાબદાર હોવાનું સૂચવાયેલું છે. પૃથ્વીનાં ઊંડાં સ્થાનોના બેઝિક ખડક થરોમાંથી સીધેસીધા થતા હોવાની શક્યતા પણ તેની ઉત્પત્તિ માટે રજૂ કરવામાં આવેલી છે.

ગિરીશભાઈ પંડ્યા