ડ્યૂઈ, જૉન (જ. 20 ઑક્ટોબર 1859, બર્લિંગ્ટન, વર્મોન્ટ, યુ.એસ.; અ. 1 જૂન 1952, ન્યૂયૉક સિટી, યુ.એસ.) : દાર્શનિક, ‘વ્યવહારવાદ’ આંદોલનના એક પ્રણેતા અને શિક્ષણશાસ્ત્રી. તે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પિતા આર્કિબાલ્ડ અને ધાર્મિક રૂઢિઓ કરતાં નૈતિકતાના આગ્રહી માતા લ્યુસિનાનું ત્રીજું સંતાન હતા.
તેઓ વર્મોન્ટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. સ્નાતક થયા પછી એકાદ વર્ષ દર્શનશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને પબ્લિક સ્કૂલમાં શિક્ષક તરીકે થોડો સમય કામ કર્યું. ત્યારબાદ જ્હૉને હૉપક્ન્સિ યુનિવર્સિટીમાં દર્શનશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને ઇતિહાસનું અધ્યયન કર્યું. 1884માં દર્શનશાસ્ત્રમાં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી. મિશિગન યુનિવર્સિટીમાં તત્વજ્ઞાનના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. કામ કરવાની ધગશ, ઓજસ્વી અભિગમ તથા સમસ્યા ઉકેલવાની તેમની બુદ્ધિપ્રતિભાની કદર રૂપે મિનેસોટા અને મિશિગનની યુનિવર્સિટીઓમાં પ્રોફેસર તરીકે તેમને નિયુક્તિ મળી. 1894માં તેમને યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાં દર્શનશાસ્ત્રના પ્રોફેસર તથા દર્શનશાસ્ત્ર, મનોવિજ્ઞાન તથા શિક્ષણ-વિભાગના વડા તરીકે કામ સોંપવામાં આવ્યું હતું. અહીં રહીને તેમણે શિક્ષણના મોટાભાગના સિદ્ધાંતો વિકસાવ્યા. તેમાં તેમની પ્રથમ પત્ની એલિસ ફ્રીમેન ડ્યૂઈની ઘણી સહાયતા મળી હતી. બંનેએ મળીને એક પ્રાયોગિક શાળા(laboratory school)ની સ્થાપના કરી. ડ્યૂઈની આ પ્રાયોગિક શાળાનો આશય નૂતન વાતાવરણના સંદર્ભમાં બાળશિક્ષણનાં નવા વિચારો અને પદ્ધતિઓના પ્રયોગો અને સંશોધનો કરવાનો હતો. સહકાર અને પારસ્પરિક સહાયના સામાજિક તત્વને બહાર આણવું એ આ શાળાનો આશય હતો. આ શાળામાંથી જ ડ્યૂઈએ ‘ધ સ્કૂલ ઍન્ડ સોસાયટી’ (1899) પુસ્તક રચ્યું. આ શાળા ‘આવતી કાલની શાળા’ના સ્વરૂપનું નિર્માણ કરવાના હેતુથી સ્થપાઈ હતી અને એ સ્વરૂપ પતિ-પત્નીએ સંયુક્તપણે ‘સ્કૂલ ઑવ્ ટુમૉરો’ નામના પુસ્તકમાં આપ્યું.
1904 સુધી શિકાગોમાં કામ કર્યા પછી તેમણે કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા ત્યાં સુધી (1930) અને ત્યાર પછી પણ 1951 સુધી પ્રોફેસર એમેરિટસ તરીકે કામ કર્યું. એમની ‘ઍક્સપીરિઅન્સ ઍન્ડ નેચર’ (1915) દર્શનશાસ્ત્રને ક્ષેત્રે શ્રેષ્ઠ કૃતિ છે.
ડ્યૂઈની પ્રથમ પત્ની એલિસને છ બાળકો થયાં હતાં. એ બાળકોના મમતાભર્યા ઉછેર દરમિયાન જ ડ્યૂઈનો શિક્ષણની ઉત્પત્તિ અને તેના અમલ પરત્વે રસ કેળવાતો ગયો. આ બાળકોએ ડ્યૂઈને વ્યવહારવાદી (pragmatist) બનાવવામાં ઘણો ફાળો આપ્યો. પ્રથમ પત્નીના અવસાન (1927) પછી જીવનના 87મા વર્ષે તેમણે ન્યૂયોર્કની રોબર્ટા ગ્રાન્ટ સાથે ફરીથી લગ્ન કર્યું હતું. જીવનનાં છેલ્લાં પાંચ વર્ષોમાં તેમણે પ્રસન્ન મુગ્ધ દામ્પત્યનો અનુભવ કર્યો.
ડ્યૂઈ દર્શનશાસ્ત્રના પ્રખર અભ્યાસી હતા. તેમણે અનેક દાર્શનિકો અને દાર્શનિક વિચારધારાઓનો અભ્યાસ કર્યો હતો. કાન્ટના દાર્શનિક વિચારો પર સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. તેમના દાર્શનિક વિચારોમાં પરિવર્તન આવ્યા કર્યું હતું. શરૂઆતમાં તેમના પર મોરિસનો પ્રભાવ હતો તેથી તેમણે આદર્શવાદી દર્શનનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ તે ડાર્વિનથી પ્રભાવિત થયા, જેથી ‘અસ્તિત્વ માટે સંઘર્ષ’ અને ‘સમર્થ હોય તે ટકે’ સિદ્ધાંતોના સમર્થક બન્યા. તેમના પર સૌથી વધુ પ્રભાવ વિલિયમ જેમ્સ અને તેના વ્યવહારવાદી દર્શનનો પડ્યો, જેથી તેઓ આજે પણ વ્યવહારવાદી દાર્શનિક તરીકે પ્રસિદ્ધ છે.
તે શાશ્વત સત્યો અને મૂલ્યોમાં માનતા ન હતા. વ્યાવહારિક જીવનમાં ઉપયોગી હોય તેને સત્ય માનતા. તેમના મતે જગત પરિવર્તનશીલ છે. તે માનવોને પરિવર્તનશીલ સમાજમાં કુશળતાપૂર્વક રહેવાનું શીખવે છે.
ડ્યૂઈ શિક્ષણનો સામાજિક પ્રક્રિયાના રૂપમાં સ્વીકાર કરે છે. શિક્ષણ સાધ્ય નથી અને સાધન પણ નથી. શિક્ષણ પોતે જ જીવન છે. આથી શિક્ષણનું કોઈ નિશ્ચિત ધ્યેય હોઈ શકે નહિ. જીવન ગતિશીલ પ્રક્રિયા છે તેથી શિક્ષણ પણ ગતિશીલ પ્રક્રિયા છે. તેમણે બાળકો માટેના અભ્યાસક્રમની રચનાના કેટલાક સિદ્ધાંતો સૂચવ્યા હતા; જેમાં અભ્યાસક્રમ બાળકકેન્દ્રી હોય, બાળકની રુચિ પર આધારિત હોય, ઉપયોગી હોય, વિષય-વિષય વચ્ચે સહસંબંધ હોય અને પરિવર્તનશીલ હોય વગેરે બાબતોનો સમાવેશ થાય છે. શીખવા માટેની ઉત્તમ પદ્ધતિ તરીકે તે પ્રયોગ-પદ્ધતિની હિમાયત કરે છે. તે પદ્ધતિમાં અવલોકન, ક્રિયા, સ્વાનુભવ, સામાન્યીકરણ અને પરીક્ષણનો સમાવેશ થાય છે.
‘જ્ઞાન’ એ સંપૂર્ણ ‘એકમ’ છે તેમ ડ્યૂઈ માનતા હતા. આથી તે અલગ અલગ વિષય ભણાવવાનો વિરોધ કરતા હતા. તેમના શિષ્ય કિલ્પેટ્રિકે આ સિદ્ધાંત પર આધારિત પ્રોજેક્ટ-પદ્ધતિનું નિર્માણ કર્યું હતું.
તેમના મતે શિસ્ત એક આંતરિક શક્તિ છે, જે મનુષ્યને સમાજ-માન્ય વ્યવહાર કરવા પ્રવૃત્ત કરે છે. આ શક્તિના વિકાસ માટે ડ્યૂઈએ લોકશાહી પર્યાવરણની જરૂરિયાત પર ભાર મૂકયો હતો અને શિક્ષકને પર્યાવરણના નિયોજકની અને બાળકોના માર્ગદર્શકની ભૂમિકા આપી હતી.
અમેરિકાના આ શિક્ષણકારે શિક્ષણની દુનિયામાં નવું ચિંતન અને નવો કાર્યક્રમ રજૂ કર્યો. તેનું હાર્દ ક્રિયા દ્વારા શિક્ષણ હતું. શિક્ષણના આ ચિંતને વ્યવહાર-વિમુખ (abstract) ચિંતનના ખ્યાલોની અવગણના કરી અને સક્રિયતાના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો. આ ખ્યાલની ભૂમિકા પેસ્તોલોજીએ તૈયાર કરી હતી. ફ્રોબેલ અને હર્બર્ટે એ ભૂમિકાને મઠારી. ડ્યૂઈએ તેને વૈજ્ઞાનિક રૂપ આપ્યું અને બતાવ્યું કે શિક્ષણમાં લોકશાહી તત્વ અને વિજ્ઞાનતત્વ એકરૂપ થઈ જવાં જોઈએ. શિક્ષણે ‘લોકશાહી-જીવન’ અને ‘વૈજ્ઞાનિક જીવન’માં ‘જીવન-વિજ્ઞાન’ની વ્યાવહારિક સક્રિયતાનો ઉમેરો કરવો જોઈએ. આ રજૂઆતે જૂના જ્ઞાન-સિદ્ધાંત (theory of knowledge)ને પડકાર્યો અને જ્ઞાન એટલે ક્રિયાશીલતા (knowing is doing) એ સિદ્ધાંતનો પ્રચાર કર્યો. આ રીતે શિક્ષણને જીવનનાં વિજ્ઞાનો તરફ અભિમુખ કર્યું. શિક્ષણના કોઈ પણ સ્વરૂપમાં જ્યાં વૈજ્ઞાનિક ભાવના કે જુસ્સો (scientific spirit) નથી હોતો ત્યાં વિદ્યાવાસ હોતો નથી એમ તેઓ માનતા.
આ રીતે ડ્યૂઈએ શિક્ષણને જીવનની વાસ્તવિક પ્રક્રિયા સાથે જોડી દીધું. ડ્યૂઈના આ પ્રયાસથી શિક્ષણ ભૌતિક જીવનની જરૂરિયાતોની પૂર્તિ માટે અગત્યનું બન્યું પણ આધ્યાત્મિક જરૂરિયાતોની અવગણના થઈ. ગમે તેમ પણ ડ્યૂઈએ શિક્ષણને માર્ગ બતાવવાનું મહત્વનું કાર્ય કર્યું છે.
બહુશ્રુત વિદ્વાન અને સંશોધક તરીકે ડ્યૂઈને દેશ-વિદેશની 13 જેટલી કૉલેજ અને યુનિવર્સિટીઓ દ્વારા માનાર્હ પદવીઓ એનાયત કરવામાં આવી હતી. 1932માં તેઓ નૅશનલ એજ્યુકેશન ઍસોસિયેશનના માનાર્હ પ્રમુખ થયા અને 1938માં તેમને અમેરિકન ફિલૉસૉફિકલ ઍસોસિયેશનના આજીવન માનાર્હ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
જયંતીલાલ ધારશીભાઈ ભાલ