ડ્યુપ્યુટ, એ. જે. (જ. 18 મે 1804, ફોસૅનો, પિડમૉન્ટ; અ. 5 સપ્ટેમ્બર 1866, પૅરિસ) : ફ્રેન્ચ સિવિલ ઇજનેર. અર્થશાસ્ત્રીય ર્દષ્ટિકોણથી જાહેર બાંધકામના ક્ષેત્રનું ખર્ચ-લાભ-વિશ્લેષણ (cost-benefit analysis) કરવાની પહેલ કરનાર. ફ્રાન્સના જાહેર બાંધકામ વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવતાં આ ઇજનેરને તેની વ્યાવસાયિક જવાબદારીઓ દરમિયાન જાહેર બાંધકામ પર થતા ખર્ચ અને તેના ઉપયોગ પેટે વસૂલ કરવામાં આવતી કિંમત સાથે સંકળાયેલાં આર્થિક પાસાંઓમાં રસ જાગ્યો અને જે ગ્રાહકો આવી સેવાઓના ઉપયોગના બદલામાં કિંમત ચૂકવતા હોય તેમને તેમાંથી મળતા લાભના વિશ્લેષણ પર ડ્યુપ્યુટે ભાર મૂક્યો. તેમણે રાજ્ય દ્વારા પૂરી પાડવામાં આવતી આવી સેવાઓની મૂલ્યસાપેક્ષતા (price elasticity) તથા ભેદભાવયુક્ત ઇજારાનું પણ વિશ્લેષણ કર્યું હતું. તેમના વિશ્લેષણને આધારે પાછળથી કરવેરાના જુદા જુદા દરે રાજ્યને કેટલી આવક પ્રાપ્ત થઈ શકે તે દર્શાવતા ‘લૅફર કર્વ’ની શોધ થઈ એવો એક મત છે.
માંગનો વક્ર (demand curve) વિકસાવવામાં ફાળો આપનાર અર્થશાસ્ત્રીઓમાં ડ્યુપ્યુટનું નામ મોખરે ગણાય છે. તેને આધારે પાછળથી પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે ‘ઉપભોક્તાના અધિક સંતોષ’(consumer’s surplus)નો ખ્યાલ વિકસાવ્યો. ‘ઘટતા સીમાવર્તી તુષ્ટિગુણ-(diminishing marginal utility)ના ખ્યાલનો ગ્રાહકના વર્તનના વિશ્લેષણમાં ઉપયોગ કરવાની પહેલ પણ ડ્યુપ્યુટે જ કરી હતી. ‘ઉત્પાદકના અધિશેષ’(producer’s surplus)ના ખ્યાલનો પણ તેમણે નિર્દેશ કર્યો હતો. સૂક્ષ્મ આર્થિક વિશ્લેષણ (micro-economic analysis)ની રજૂઆત દરમિયાન ડ્યુપ્યુટ દ્વારા કરવામાં આવેલું અગાઉનું વિશ્લેષણ પોતાને કેવી રીતે મદદરૂપ નીવડ્યું તેનો એકરાર ખુદ માર્શલે કર્યો છે.
ડ્યુપ્યુટે અર્થશાસ્ત્ર પર ફ્રેન્ચ ભાષામાં લખેલા ગ્રંથોમાં ‘દ લા મેશ્યુર દ લ્યુઇતિલિતે દે ત્રાવો પબ્લિક્સ’ (1844) અને ‘દ લિનફલુઆંસ દે પેએજે સુર લ્યુઇતિલિતે દે વા દ કૉમ્યુનિકાશિઓ’ (1849) નોંધપાત્ર ગણાય છે.
ફ્રેન્ચ સરકારની નોકરીમાંથી નિવૃત્ત થતાં પહેલાં તેઓ પુલો અને ધોરી માર્ગોના મુખ્ય અધીક્ષક હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે