ડ્યુબોસ, રેને (જૂલ્સ)

January, 2014

ડ્યુબોસ, રેને (જૂલ્સ) (જ. 20 ફેબ્રુઆરી 1901, સેંટબ્રાઇસ, ફ્રાન્સ; અ. 20 ફેબ્રુઆરી 1982, ન્યૂયૉર્ક) : વીસમી સદીના એક પ્રખર સૂક્ષ્મજીવવિજ્ઞાની અને પર્યાવરણવાદી. જન્મે ફ્રેંચ, અમેરિકન નાગરિક.

1921માં, ડ્યુબોસ, પૅરિસની નૅશનલ એગ્રૉનૉમી સંસ્થામાં શિક્ષણ લઈને સ્નાતક બન્યા. 1927માં રુડ્ગર્સ વિશ્વવિદ્યાલયમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ત્યારબાદ તેઓ ન્યૂયૉર્કના, રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ રિસર્ચમાં જોડાયા. 1957માં તેઓ પ્રાધ્યાપક બન્યા અને 1971માં ડ્યુબોસમાં સન્માન્ય (emeritus) પ્રાધ્યાપક તરીકે નિમાયા.

ડ્યુબોસે સૂક્ષ્મજીવવિજ્ઞાનના ક્ષેત્રે, જમીનવાસી સૂક્ષ્મજીવોમાંથી પ્રતિજીવાણુક (antibacterial) તત્વોનું પૃથક્કરણ કર્યું. આ સંશોધનો આધુનિક પ્રતિજૈવિકો (antibiotic) શોધી કાઢવામાં અગત્યનાં પુરવાર થયાં. તેમણે પોતાની ઉત્તરાવસ્થામાં પોતાનું ધ્યાન પ્રાકૃતિક પર્યાવરણ અને માનવી વચ્ચેના પરસ્પર સંબંધો પર કેન્દ્રિત કર્યું.

તેમણે સૂક્ષ્મજીવવિજ્ઞાનને ક્ષેત્રે કરેલાં સંશોધનો પ્રતિજૈવકો ઉપાર્જિતરોધક્ષમતા (acquired immunity), ક્ષય અને જઠરાંત્રીય (gastro-intestinal) બૅક્ટેરિયાને લગતાં છે; જેમાં ‘બૅક્ટેરિયા અને માયકોટિક ઇન્ફેક્શન’ (1948) તથા ‘પાશ્ચર ઍન્ડ મૉડર્ન મેડિસિન, (1960) જેવાં સંશોધનપત્રોનો સમાવેશ થાય છે. પર્યાવરણના ક્ષેત્રે તેમણે ‘મૅન, મેડિસિન ઍન્ડ એન્વિરૉનમૅન્ટ’ (1968), ‘સો હ્યૂમન ઍન ઍનિમલ’ (1968), ‘સાયન્સ ફૉર મૅન’, (1979), ‘સેલેબ્રેશન્સ ઑવ્ લાઇફ’ (1981) પુસ્તકો લખ્યાં છે. ‘સો હ્યૂમન ઍન ઍનિમલ’ પુસ્તકના લખાણ બદલ તેમને 1969માં પુલિત્ઝર પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

મ. શિ. દૂબળે