ડ્યુના જીન-હેનરી

January, 2014

ડ્યુના જીન-હેનરી (જ. 8 મે 1828, જિનીવા; અ. 30 ઑક્ટોબર 1910, હેડન) : સ્વિટ્ઝર્લૅન્ડના માનવતાવાદી અગ્રણી, રેડક્રૉસ સંસ્થાના સંસ્થાપક અને 1901માં શાંતિ માટેના નોબેલ પારિતોષિકના પ્રથમ સહવિજેતા. તેમણે વિશ્વવ્યાપી સંસ્થા યંગમૅન્સ ક્રિશ્ચિયન ઍસોસિયેશન(YMCA)ની સ્થાપના કરી હતી. 24 જૂન, 1859માં ઉત્તર ઇટાલીમાં આવેલ સોલ્ફેરિનો ખાતેની લડાઈના તેઓ પ્રત્યક્ષ સાક્ષી હતા. આ યુદ્ધમાં 40,000 જેટલા લોકોની ખુવારી થઈ હતી. આ યુદ્ધમાં ઑસ્ટ્રિયા અને ફ્રાન્સના ઘવાયેલા લોકો માટે ડ્યુના જીન-હેનરીએ તાત્કાલિક સારવાર માટેની ગોઠવણ કરી હતી. યુદ્ધમાં ઘવાયેલા બધા જ દેશોના, બધી જ કોમોના, બધા જ ધર્મોના, બધી જ રાષ્ટ્રીયતાના અસરગ્રસ્તો માટે કોઈ પણ જાતના ભેદભાવ વગર સ્વૈચ્છિક ધોરણે સારવાર અને રાહતની વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય સ્તર પર ઊભી થવી જોઈએ એવું તેમણે સૂચન કર્યું હતું. રેડક્રૉસ સંસ્થાની સ્થાપનાના વર્ષે (1864) સર્વપ્રથમ નૅશનલ સોસાયટીઝ અને સર્વપ્રથમ જિનીવા કન્વેન્શન પર સહી-સિક્કા કરવામાં આવ્યા હતા, જેના માટે ડ્યુના જીન-હેનરીએ પહેલ અને પ્રયાસ કર્યા હતા.

ડ્યુના જીન-હેનરી

આ પ્રકારના બૃહદ સેવાકાર્યમાં સતત સક્રિય રહેવાને કારણે તેમણે તેમની વ્યાવસાયિક કારકિર્દી પર ધ્યાન આપ્યું ન હતું. તેને લીધે તેમને ભયંકર આર્થિક સંકડામણ સહન કરવી પડી હતી. તેના પરિણામ- સ્વરૂપ 1867માં તેમણે જિનીવા છોડવું પડ્યું હતું અને તે પછીનાં ઘણાં વર્ષો તેઓ અજ્ઞાતવાસમાં રહ્યા હતા, તેમ છતાં જીવનના ધ્યેય તરીકે તેમણે યુદ્ધબંદીઓની સારવાર, ગુલામી પ્રથાની નાબૂદી, આંતરરાષ્ટ્રીય વિવાદોના નિકાલ માટેની લવાદની પદ્ધતિની હિમાયત, નિ:શસ્ત્રીકરણ તથા યહૂદીઓ માટે સ્વદેશી આશ્રયસ્થાનોની નિર્મિતિ જેવાં માનવતાવાદી ધ્યેયોની પ્રાપ્તિ માટે સતત ઝૂઝતા રહ્યા હતા. 1895માં એક સ્વિસ પત્રકારની તેમના પર નજર પડી હતી અને ત્યાર બાદ તેમના પર અનેક માનસન્માનોની વૃષ્ટિ કરવામાં આવી હતી; જેમાં વિશ્વશાંતિ માટેના સર્વપ્રથમ નોબેલ પારિતોષિકનો પણ સમાવેશ થયો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે