ડ્યુટેરોમાઇસેટીસ

January, 2014

ડ્યુટેરોમાઇસેટીસ : ફૉર્મવર્ગ કે અપૂર્ણ ફૂગ (fungi imperfectii) તરીકે ઓળખાતી ફૂગનો એક સમૂહ. આ ફૂગના જીવનચક્રમાં લિંગી પ્રજનન કે તેની પૂર્ણ અવસ્થાનો અભાવ હોય છે. અલિંગી પ્રજનન મુખ્યત્વે  કણી બીજાણુ (conidia) દ્વારા થાય છે, જે ફૂગની પ્રજાતિ ઓળખવા માટે ઉપયોગી છે. ડ્યુટેરોમાઇસેટીસની આશરે 15,000 થી 20,000 જેટલી જાતિ નોંધાયેલી છે.

આ ફૂગના દેહની રચના યીસ્ટ જેવી અંડાકાર અથવા તો તંતુમય હોય છે. તે મૃતોપજીવી તરીકે જમીનમાં તથા પરોપજીવી તરીકે વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્ય પર જોવામાં આવે છે.

અપૂર્ણ ફૂગના જીવનચક્રમાં અસાધારણ લિંગી પ્રજનનનો એક પ્રકાર પરાલિંગી પ્રજનન (parasexuality) જોવા મળે છે. પોન્ટિકોર્વો નામના વૈજ્ઞાનિકે એસ્પર્જીલસ નિડ્યુલાન્સમાં પરાલિંગી પ્રજનનચક્રનો સવિશેષ અભ્યાસ કર્યો હતો.

સારણી

ફૂગનું નામ કાર્ય
1. એસ્પર્જીલસ ફ્લેવસ આફ્લાટૉક્સિન ઉત્પન્ન કરે છે, જે

મનુષ્યમાં યકૃતનું કૅન્સર કરી શકે છે.

2. કૅન્ડિડા આલ્બિકન્સ મોં, આંતરડાના શ્લેષ્મસ્તર તેમજ

સ્ત્રીના યોનિમાર્ગ પર ચાંદા જેવો

રોગ કરે છે.

3. પિટ્રોસ્પોપર ઓવમ ચામડીનો ડૅન્ડ્રફ રોગ કરે છે.
4. પેનિસિલિયમ ક્રાયસોજીનમ પેનિસિલીનના ઉત્પાદનમાં ઉપયોગી.
5. પેનિસિલિયમ રૉકફર્ટાઈ સુગંધીકારક દ્રવ્ય ડાયએસિટાઇલના

ઉત્પાદનમાં ઉપયોગી, જે વાદળી

પનીરની બનાવટમાં ઉપયોગી છે.

6. એસ્પર્જીલસ નાઇજર આ ફૂગની મદદથી સાઇટ્રિક ઍસિડ

બનાવાય છે, જે ખાદ્ય ઉદ્યોગ, ઠંડા

પીણાની બનાવટમાં અને લોહીની

બૉટલ તૈયાર કરવામાં વપરાય છે.

7. આલ્ટર્નેરિયા સોલેની બટાટામાં ડાઘિયાનો રોગ ઉપજાવે છે.
8. હેલ્મિન્થોસ્પોરિયમ પર્ણમાં ટપકાંનો રોગ ઉપજાવે છે.
9. ડેક્ટાઇલેલા બૉમ્બિકોઇડ્ઝ સૂત્રકૃમિ(nematode)નાશક તરીકે

ઉપયોગી છે.

કેટલીક ડ્યુટરોમાઇસેટીસ ફૂગ પ્રતિજૈવકો તેમજ કાર્બનિક અમ્લો બનાવતી હોવાથી ઔદ્યોગિક મહત્વ ધરાવે છે. જનીનવિદ્યાના અભ્યાસમાં પણ આ ફૂગ ઉપયોગી છે. ઉપરાંત મનુષ્યને દાદર કે અથલીટ્સ ફૂટ જેવા ચામડીના વિવિધ રોગો કરતી ફૂગ પણ આ વર્ગની છે.

આ વર્ગની પ્રજાતિઓમાં આલ્ટર્નેરિયા, કર્વુલેરિયા, હેલ્મિન્થોસ્પોરિયમ, ફ્યુઝેરિયમ સરકોસ્પોરો તેમજ કૅન્ડિડા, જીઓટ્રિકમ, વગેરેનો સમાવેશ થાય છે. એસ્પર્જીલસ અને પેનિસિલિયમ પ્રજાતિની કેટલીક પૂર્ણ અવસ્થા ન શોધાયેલ જાતિઓને પણ અપૂર્ણ ફૂગમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

આ વર્ગમાં આવતી કેટલીક ફૂગ અને તેનું કાર્ય સારણીમાં દર્શાવેલ છે.

પ્રમોદ રતિલાલ શાહ