ડ્યુ ટોઇટ ઍલેક્ઝાન્ડર લોગી

January, 2014

ડ્યુ ટોઇટ ઍલેક્ઝાન્ડર લોગી (જ. 14 માર્ચ 1878; અ. 25 ફેબ્રુઆરી 1948) : જાણીતા આફ્રિકી ભૂસ્તરશાસ્ત્રી. દક્ષિણ આફ્રિકાની ભૂસ્તરશાસ્ત્રીય માહિતીને આવરી લેતું ‘ધ જિયોલૉજી ઑવ્ સાઉથ આફ્રિકા’ પુસ્તક (1926) તેમણે લખ્યું છે, જે તે વિસ્તાર માટે સંદર્ભગ્રંથરૂપ બની રહ્યું છે. ખંડીય પ્રવહન પર પણ તેમણે ઘણું કામ કર્યું છે. ‘ધ વૉન્ડરિંગ કૉન્ટિનન્ટ્સ’ નામક અન્ય એક પુસ્તક (1937) પણ તેમણે લખ્યું છે, જેમાં તે જણાવે છે કે દક્ષિણ આફ્રિકાના દક્ષિણ ભાગમાં આવેલ કારુ વિસ્તાર, દક્ષિણ અમેરિકા, ભારત અને ઑસ્ટ્રેલિયાનાં ઘણાં સ્થળો વચ્ચે વિશિષ્ટ પ્રકારનું ભૂસ્તરીય સામ્ય જોવા મળે છે.

જન્મ કેપટાઉનમાં થયેલો, પરંતુ સ્કૉટલૅન્ડમાં જઈ તેમણે ખનન-ઇજનેરી અને ભૂસ્તરશાસ્ત્રનો અભ્યાસ કરેલો. 1903માં તેઓ દ. આફ્રિકા પાછા ફર્યા અને ત્યાં કેપ જિયોલૉજિકલ કમિશનમાં જોડાયા. 15 વર્ષથી વધુ ગાળા દરમિયાન કારુના વિશાળ વિસ્તારનું નકશાકાર્ય કર્યું. 1918માં તે ડિપાર્ટમેન્ટ ઑવ્ ઇરિગેશનના મુખ્ય ભૂસ્તરશાસ્ત્રી બન્યા. 1927માં હીરાનું ઉત્પાદન કરતી કંપની ડી બીઅર્સ કન્સૉલિડેટેડ માઇન્સમાં  સલાહકાર ભૂસ્તરશાસ્ત્રી બનેલા.

ગિરીશભાઈ પંડ્યા