ડોવરની સામુદ્રધુની : ઇંગ્લૅન્ડ અને ફ્રાંસને જુદાં પાડતો અને ઇંગ્લિશ ખાડીને જોડતો સાંકડો દરિયાઈ પ્રવેશમાર્ગ. ભૌગોલિક સ્થાન : 51° ઉ. અ. અને 01° 30´ પૂ. રે.. ‘ડોવર’ શબ્દનો અર્થ પાણી અથવા તો ઝરણું થાય છે. આ સામુદ્રધુની 30થી 40 કિમી. પહોળી અને 35થી 55 મીટર ઊંડાઈવાળી છે.
વીતેલા ઐતિહાસિકકાળ (ઈ. સ. પૂ. 5000)માં આ ખાડી નદી-ખીણ હતી અને ઇંગ્લૅન્ડ–યુરોપીય ખંડના ભાગરૂપ હતી.
કાયમી વાતા પવનોને કારણે સામુદ્રધુનીમાંથી વહેતો મુખ્ય પ્રવાહ દક્ષિણ-પશ્ચિમ થાય છે. પણ ઉત્તર-પૂર્વમાંથી સતત વાતા પવનો સમુદ્ર પ્રવાહનો માર્ગ બદલી નાખે છે.
બ્રિટન બાજુની ચોકની બનેલ સફેદ ભેખડો ઘસારાને કારણે ધીમે ધીમે ઘસાતી જાય છે.
ઇંગ્લિશ ખાડી એ દુનિયાનો ખૂબ જ વ્યસ્ત રહેતો દરિયાઈ માર્ગ છે. અહીં 1977થી વાહનવ્યવહારનું નિયમન કરવા આદેશો ફરજિયાત બનાવ્યા છે. આ ખાડી પર આવેલાં અગત્યનાં બંદરોમાં ઇંગ્લૅન્ડ બાજુએ ડોવર, ફોલ્કસ્ટોન અને કેલેસ અને ફ્રાંસ બાજુએ બોલોન છે. મોટાભાગના મુસાફરોની હેરફેર હોવરક્રાફ્ટ મારફત થાય છે. આ ખાડીને પાણીની નીચેની બંને બાજુથી જોડવાનો રેલવે-પ્રકલ્પ 1995થી કાર્યરત થઈ ગયો છે.
ડોવરની સામુદ્રધુની દુનિયાની અનેક ઐતિહાસિક દરિયાઈ લડાઈઓની સાક્ષી બની છે. તેમાં નોંધવાલાયક પહેલો મુકાબલો અંગ્રેજો અને સ્પૅનિશ આર્મેડા (1588) વચ્ચેનો હતો.
પહેલા વિશ્વયુદ્ધ(1914–18)ના સમયમાં બૂલોન લશ્કરનું મથક હતું જ્યારે ડોવર ‘ડોવર પેટ્રોલ’ માટેનું મુખ્ય મથક હતું. તેનાથી સામુદ્રધુનીમાં જહાજી સેવાને રક્ષણ મળતું. 1940માં સાથીદળો ડંકર્ક ખાલી કરતાં હતાં ત્યારે તેમણે ઇંગ્લિશ ખાડી પાર કરેલી. આ સુયોજિત અભિયાન ‘મિરૅકલ ઑવ્ ડંકર્ક’ તરીકે ઇતિહાસમાં નોંધવામાં આવ્યું છે.
ગિરીશ ભટ્ટ