ડૉલ્સ હાઉસ : નૉર્વેના નાટ્યકાર ઇબ્સન(1828–1906)-રચિત નાટક. પ્રથમ વાર ભજવાયું ત્યારથી જ તેમાંના નારીમુક્તિના સામાજિક વિષયને કારણે તેને મહદંશે આવકાર સાંપડ્યો હતો; પરંતુ ઇબ્સન માટે તેમજ આધુનિક પ્રેક્ષકવર્ગને મન તો માનવ-માનવ વચ્ચેના વિશાળ સંબંધો માટેની યથાર્થ ભૂમિકા વિશે નાટકમાં વ્યક્ત થયેલી ચિંતા મહત્વની બની રહી. નૉરા હેલ્મરને પોતાના પતિને ત્યજી જવાનો અધિકાર છે કે કેમ એ પ્રશ્ન ગૌણ છે. મહત્વની તો એ હકીકત છે કે પતિત્યાગમાં નૉરા પોતે સ્વતંત્ર રીતે ગંભીરતાથી વિચારી શકે છે તથા આગવું વ્યક્તિત્વ ધરાવે છે એ વાતનું પ્રતિપાદન કરે છે. નાટકમાં એક નારી વ્યક્તિ તરીકેની જવાબદારીથી સભાન બની પોતાના સ્વાર્થી, હું-પદવાળા તથા છીછરા મનના પતિએ લાદેલી તાબેદારીની ધૂંસરી ફગાવી દે છે તેનો વિકાસક્રમ દર્શાવ્યો છે.

નૉરાના પતિ ટૉરવાલ્ડ હેલ્મર એ વાતનો સ્વીકાર કરવા તૈયાર ન હતા કે નૉરા પણ પોતાની રીતે ગંભીરતાપૂર્વક વિચારી શકતી હતી. આપમેળે કામગીરી બજાવતા રહી જવાબદારી ઉપાડી લેવાની નૉરામાં ક્ષમતા હતી એ વાત તરફ ટૉરવાલ્ડનું ધ્યાન દોરવામાં આવ્યું  ત્યારે પણ પત્ની માટે આવું કાર્ય છાજે નહિ કે ઇચ્છનીય  નહિ એવું જ કહ્યા કરતા. આઠ વર્ષ સુધી નૉરા ઢીંગલી-પત્ની બની રહી હતી; એ પોતાના ઢીંગલી-ઘરમાં રહેતી અને પોતાનાં ઢીંગલાં – બાળકો સાથે રમ્યાં કરતી. એક વખત એક અદભુત ઘટના  બનવી જોઈતી હતી તે બની નહિ, એટલે કે એક કટોકટીના પ્રસંગે નૉરાનો પતિ તેની પડખે ના ઊભો રહ્યો એ તો ઠીક, પણ નૉરાને નિર્લજ્જ અને બેપરવા પત્ની કહી તેની સામે પડ્યો, એ જ  પળે નૉરાને પ્રતીતિ થઈ ચૂકી કે તેણે પિતા તથા પતિ સાથે ગાળેલાં સઘળાં વર્ષો ઢીંગલીના જીવન સમાં હતાં; એમાં તેનું વ્યક્તિત્વ પરાધીન બની ગયું હતું અને વ્યક્તિ તરીકેના તેના ગૌરવની સતત ઉપેક્ષા થઈ હતી. ‘‘સૌથી પહેલી વાત એ કે હું પણ એક સમજદાર માનવી છું’’ એવી આત્મપ્રતીતિ થતાં જ કોઈક નિશ્ચયાત્મક પગલું અનિવાર્ય બની જાય છે. આથી નૉરા પતિ અને બાળકોને છોડી ગૃહત્યાગ કરે છે અને ‘‘સાચું કોણ, હું કે જગત’’ એનો તાગ કાઢવા જાતે જગતને જાણવા નીકળી પડે છે.

નૉરાના ગૃહત્યાગ સાથે નાટક સમાપ્ત થાય છે. પ્રશ્ન ઉઠાવવાની નાટ્યરીતિનું ઉત્તમ ઉદાહરણ ‘અ ડૉલ્સ હાઉસ’ છે. નૉરા હેલ્મરે જે પગલું ભર્યું એ રીતે વ્યક્તિને વર્તવાનો અધિકાર અને સ્વાતંત્ર્ય છે ખરાં ? પતિ અને બાળકો પ્રત્યેની ફરજો જાત પ્રત્યેની ફરજો કરતાં વધારે પવિત્ર લેખાય ? આવા બધા પશ્નોના ઉત્તરો, નાટ્યકારે નાટકમાં નિરૂપેલાં પાત્રો–પરિસ્થિતિઓને મૂલવીને પ્રેક્ષક-વાચકે પોતે જ મેળવી લેવાના રહે છે.

નાટકનું કાર્ય શિથિલ નથી પણ વેગીલું છે અને ખુદ નાટકમાં જ કાર્યનો ગાળો પ્રમાણમાં મર્યાદિત હોવા છતાં એમાં તણાવ તથા ઉત્તેજના જળવાઈ રહે છે. ઘટનાતત્વ અંગેની સૂક્ષ્મ સમજદારી તથા ચીવટપૂર્વકના પાત્રવિકાસના પરિણામે ઇબ્સનનું આ નાટક વિશેષ લોકપ્રિય નીવડ્યું છે. ઇબ્સનને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર આ સામાજિક સમસ્યાપ્રધાન નાટકનું મહત્વ અને પ્રદાન સમજવા માટે તેનો ઐતિહાસિક સંદર્ભ જાણવો ઘટે.

ઇબ્સનના સમયમાં મોટેભાગે ઐતિહાસિક વીર-શૃંગારરસિક અને સામાજિક વાસ્તવિકતાનાં હાસ્યરસિક – એમ બે પ્રકારનાં નાટકો લખાતાં–ભજવાતાં હતાં. ઇબ્સને ‘અ ડૉલ્સ હાઉસ’માં સ્વાભાવિક સંવાદો તથા પરિસ્થિતિ-પ્રસંગોનો પ્રથમ પ્રયોગ કર્યો અને સાથોસાથ  સ્વગતોક્તિ, જનાંતિકે કે સ્થળ-સમયના સાતત્યના નિરૂપણ જેવી કૃત્રિમ નાટ્યરીતિનો ત્યાગ કર્યો તેમજ પ્રસંગોને મારીમચડીને નાટકમાં સુખાંત પ્રયોજવાને બદલે તાર્કિક રીતે આપોઆપ અને અનિવાર્યપણે પરિણમતા અંતનો આગ્રહ રાખ્યો. નાટ્યરીતિની આ અભિનવતા વાસ્તવલક્ષી નાટ્યપ્રકાર પૂરતું ઇબ્સનનું મૂળગામી અને ચિરસ્થાયી પ્રદાન છે. ‘અ ડૉલ્સ હાઉસ’ની વાસ્તવિકતા ઉપસાવવામાં ઇબ્સને શૈલી (technique) તથા સામગ્રી (content) બંનેનો વિનિયોગ કર્યો એટલે નાટ્યલેખન તથા રંગભૂમિક્ષેત્રે તેનો સર્વાંગી પ્રભાવ પડ્યો. ઇબ્સનને આધુનિક નાટકના જનક લેખવામાં આવે છે તે આ સંદર્ભમાં — મુખ્યત્વે ‘અ ડૉલ્સ હાઉસ’ની રચનારીતિના કારણે.

‘અ ડૉલ્સ હાઉસ’નો જે વ્યાપક અને દૂરગામી પ્રભાવ પડ્યો તે વિશે એમ કહેવાયું છે કે નાટકના અંતે ગૃહત્યાગ કરતી વખતે  હતાશા અને આક્રોશથી નૉરા જોસથી બારણું પછાડે છે તેનાથી અનેક સામાજિક-કૌટુંબિક માળખાના મોભ હચમચી ઊઠ્યા અને અનેક દેશોમાં બારણાંની  એ પછાડના પડઘા ઝિલાયા. પણ ઇબ્સન નારી-મુક્તિના ઝંડાધારી ન હતા કે ન હતા કોઈ સમાજસુધારક. નાટ્યકાર તરીકે તેમનો એકમાત્ર હેતુ હતો નારીવ્યક્તિત્વનો હ્રાસ થતાં ગૃહિણીને થતા ભારોભાર અન્યાય તરફ વેધકતાથી ધ્યાન દોરવાનો તેમજ વાસ્તવવાદી નિરૂપણ વડે નાટક તથા રંગભૂમિની પ્રતીતિ-જનકતા સ્થાપવાનો. ઇબ્સને આ કૃતિમાં તે સિદ્ધ કરી બતાવ્યું છે.

મહેશ ચોકસી