ડોમિનિકન રિપબ્લિક : વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના જૂથમાંનું સ્વતંત્ર ગણરાજ્ય. 19° ઉ. અક્ષાંશ અને 70° 30´ પ. રેખાંશ પર આવેલું આ ગણરાજ્ય વેસ્ટ ઇન્ડીઝના હિસ્પાનિયોલા દ્વીપના 2/3 ભાગમાં તથા બિયેટ્રા, કૅટાલિના, સોને (saona), ઓલ્ટોવિલો, કેટાલિનિટા તથા અન્ય નાના ટાપુઓ રૂપે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 48,137 ચોકિમી. તથા તેની દરિયાકિનારાની લંબાઈ 912 કિમી. છે. તેની કુલ વસ્તી 1.06 કરોડ (2022) છે. આ દેશની રાજધાની સેંટો ડોમિન્ગો છે, જે ડોમિનિકન ગણતંત્રનું સૌથી મોટું શહેર છે. અહીંના મોટાભાગના લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે અને સ્પૅનિશ ભાષા બોલે છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 68% છે. પેસો (peso) તેનું મુખ્ય ચલણ છે.
આ ગણતંત્રની પૂર્વ બાજુએ મોના (mona) પેસેજ, પશ્ચિમે હૈતી, ઉત્તરે ઍટલાન્ટિક મહાસાગર તથા દક્ષિણે કૅરિબિયન સાગર આવેલા છે. આ ગણરાજ્યમાં દૂર પશ્ચિમે વિશાળ મરુભૂમિ આવેલી છે. આ પ્રદેશ સામાન્ય રીતે પહાડી છે. કૉરદિયેરા અહીંની મુખ્ય પર્વતમાળા છે, જે પૂર્વથી પશ્ચિમ બાજુએ જાય છે અને ગણતંત્રને બે ભાગમાં વહેંચે છે. આ પર્વતમાળામાં ચીડનાં જંગલો આવેલાં છે. દ્વાર્ટી સૌથી ઊંચું (3175 મી.) શિખર છે અને તેમાં એનરિકિયો સરોવર આવેલું છે. દેશની ત્રણ નદીઓમાં થાકી ડેલ નોર્ટ, થાકી ડેલ સર અને યુના છે.
આબોહવા : શિયાળામાં અહીંનું સરાસરી તાપમાન 18° સે.થી 27° સે. સુધી તથા ઉનાળામાં 23° સે.થી 35° સે. સુધી રહે છે, કિનારાના પ્રદેશોમાં વાર્ષિક સરાસરી તાપમાન 25° સે. રહે છે. જ્યારે મધ્ય કૉરદિયેરામાં સરાસરી તાપમાન 20° સે. રહે છે. પૂર્વ ભાગમાં સરાસરી વાર્ષિક વરસાદ આશરે 1325 મિમી. પડે છે જ્યારે ઈશાનમાં આશરે 2050 મિમી. તથા પશ્ચિમે 4440 મિમી. વરસાદ પડે છે. વરસાદનો ગાળો મેથી નવેમ્બર સુધીનો હોય છે.
અહીંની 15,840 ચોકિમી. જમીન ખેતીને યોગ્ય છે. ખેતી પ્રજાનો મુખ્ય વ્યવસાય છે. સીબાઓની ખીણ ખેતીનું મુખ્ય કેન્દ્ર છે. ઉત્તર અને દક્ષિણ કિનારાના પ્રદેશોમાં મોટા પાયે શેરડી ઉગાડવામાં આવે છે. આ ઉપરાંત કૉફી, કોકો, તમાકુ અને કેળાંનો પાક લેવામાં આવે છે. આ પેદાશોની નિકાસ પણ કરવામાં આવે છે. બટાટા, વટાણા, નારિયેળ, સંતરાં, અનનાસ અને મકાઈની ખેતી પણ થાય છે. હજુ 50% ખેતીલાયક જમીન ખેડ્યા વગરની છે. પશુપાલનનો વિકાસ થયેલો નથી. મત્સ્યઉદ્યોગનો આંશિક વિકાસ થયો છે.
મેહૉગની તથા અનનાસ આ પ્રદેશની વિશિષ્ટ વનસ્પતિ છે. લોખંડ, નિકલ, ચાંદી, સોનું, યુરેનિયમ, સીસું, જસત અને કલાઈ અહીંનાં ખનિજો છે. સંગેમરમર, ચિરોડી અને તાંબું પણ અહીં મળી આવે છે. અહીં મીઠું મોટા પ્રમાણમાં મળે છે. બારાબોનાની નજીક આશરે 16 કિમી. લાંબો મીઠાનો પર્વત આવેલો છે.
આ દેશના મુખ્ય ઉદ્યોગોમાં દારૂ ગાળવાના ઉદ્યોગનો સમાવેશ થાય છે. ઉપરાંત ખાંડનાં કારખાનાં, મીઠું, સિમેન્ટ, સુતરાઉ કાપડ તથા ઍલ્યુમિનિયમનું ફર્નિચર બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે.
સાતથી ચૌદ વર્ષ સુધીની વયનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. સૅન્ટો ડોમિંગો વિશ્વવિદ્યાલય દેશની એકમાત્ર ઉચ્ચ શિક્ષણની સંસ્થા છે.
દેશના પર્વતીય વિસ્તારમાં જંગલી સૂવર જોવા મળે છે. અનેક પ્રકારનાં કબૂતર, બતક વગેરે પક્ષીઓ તેમજ અમેરિકન મગર તથા રાજહંસ પણ જોવા મળે છે.
દેશમાં પ્રમુખગત શાસનપ્રણાલી દાખલ કરવામાં આવી છે. મંત્રીમંડળની નિમણૂક કરવાની સત્તા ચૂંટાયેલા પ્રમુખને હોય છે. દેશની સંસદનાં બે ગૃહો હોય છે : સેનેટ જેમાં 27 સભ્યો તથા ચેમ્બર ઑવ્ ડેપ્યુટીઝમાં 120 સભ્યો હોય છે. પ્રમુખ અને સંસદના સભ્યોની ચૂંટણી દર ચાર વર્ષે થાય છે. દેશની 100 જેટલી નગરપાલિકાઓની રચના પણ ચૂંટણી દ્વારા થાય છે.
આ દેશ 26 પ્રાંતોમાં વહેંચાયેલો છે. પાટનગર તથા તેની આજુબાજુનો વિસ્તાર અલાયદો જિલ્લો ગણાય છે. પ્રાંતો તથા પરગણાંઓના વડાઓની નિમણૂક પ્રમુખ દ્વારા કરવામાં આવે છે.
ક્રિસ્ટોફર કોલંબસે 1492માં હિસ્પાનિયોલા ટાપુની શોધ કરી અને આ રીતે ટાપુ પર સ્પેનનો અધિકાર સ્થપાયો. ટૂંક સમયમાં જ સ્પૅનિશ લોકોએ લગભગ સમગ્ર કૅરિબિયન પ્રદેશ જીતી લીધો.
1517 સુધીમાં લોકોએ પશુપાલન અને ખેતી શરૂ કરી દીધાં. વસ્તીમાં મોટા ભાગના હબસી લોકો હતા. ત્યાં દાસપ્રથા અસ્તિત્વમાં હતી.
ઇતિહાસ : 1697માં રિઝવિકની સંધિ થતાં હૈતીનો એક તૃતીયાંશ ભાગ ફ્રાંસના અધિકારક્ષેત્રમાં ગયો. 1795માં બેસ્તિલની સંધિના પરિણામે સ્પેનનો હિસ્પાનિયોલાનો બાકીનો પ્રદેશ પણ ફ્રાંસના કબજામાં ગયો.
1804માં હૈતી સ્વતંત્ર થયું. 1814માં પૅરિસની સંધિ પ્રમાણે સ્પેને ફરી પૂર્વના ભાગ પર પોતાનો અધિકાર જમાવ્યો; પરંતુ 1821માં ડોમિનિકનોએ પોતાને સ્વતંત્ર પ્રજા તરીકે જાહેર કર્યા.
1822માં હૈતીવાસીઓએ સૅંટો ડોમિન્ગો પર આક્રમણ કર્યું અને 22 વર્ષ સુધી ત્યાં રાજ્ય કર્યું. 1916માં ત્યાં અમેરિકી સૈનિક-શાસન સ્થપાયું જે 1924માં સમાપ્ત થયું.
1960માં જોક્વિન બાલાગુએર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. તેના શાસન દરમિયાન ડોમિનિકન ગણરાજ્યમાં આર્થિક ઉન્નતિ થઈ અને રાજ્યવ્યવસ્થા સ્થિર બની. સાથોસાથ ઘણી બાબતમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં આવી અને વિદેશી દેવામાંથી પણ દેશે કંઈક અંશે મુક્તિ મેળવી.
1961માં બાલાગુએર મંત્રીમંડળે રાજીનામું આપ્યું અને 1 જાન્યુઆરી, 1962ના રોજ સાત સભ્યોવાળી વચગાળાની પરિષદની સ્થાપના થઈ.
રાફેલ બોનલીના નેતૃત્વમાં ફરીથી પરિષદ રચાઈ. 1962ની ચૂંટણીમાં જુઆન વોશ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા; પરંતુ 1963માં લશ્કરે સત્તા હાંસલ કરી અને ત્રણ સભ્યોની બનેલી સમિતિ(Junta)ના હાથમાં દેશનું સુકાન સોંપવામાં આવ્યું. 1965માં બળવાખોરોએ સત્તા છીનવવાનો પ્રયાસ કર્યો. 1965માં અમેરિકાનું લશ્કર ત્યાં ઉતારવામાં આવ્યું, જે 1966માં પાછું ખેંચી લેવામાં આવ્યું. 1966, 1970 અને 1974માં યોજાયેલ ચૂંટણીમાં જોક્વિન બાલાગુએર પ્રમુખપદે ચૂંટાયા. 1978માં એન્ટોનિયો ગુઝમેન અને 1982માં સાલ્વાડોર જૉર્જ બ્લૅન્કો પ્રમુખપદે ચૂંટાયા. 1986 અને 1990માં બેલાગુએર ફરી પ્રમુખ તરીકે ચૂંટાયા. દાનીલો મદીના સાંચેઝ પ્રમુખ છે.
ગિરીશ ભટ્ટ