ડોમાક, ગેર્હાર્ડ (જ. 30 ઑક્ટોબર 1895, લેગો, બ્રાન્ડેનબર્ગ; અ. 24 એપ્રિલ 1964, એલ્બર્ફેલ્ડ, જર્મની) : જર્મન વિજ્ઞાની. તેમને 1939નું નોબેલ પારિતોષિક તેમની પ્રૉન્ટોસિલની જીવાણુ(bacteria)વિરોધી અસરો શોધી કાઢવા માટે આપવાનું જાહેર થયું હતું. 1932માં પ્રૉન્ટોસિલ રેડ નામનું સલ્ફોનેમાઇડ જૂથ ધરાવતો એક રંગ (dye) તેમણે શોધી કાઢ્યો.
1935માં તેનાં પરિણામો પ્રકાશિત થયાં. તેનું મુખ્ય કારણ પરિણામોમાં સાતત્ય જળવાયેલું ન હતું. પાછળથી અન્યત્ર શોધી શકાયું કે જીવાણુમારક અસરનું કારણ તે રંગ નહિ, પરંતુ તેમાંનું સલ્ફોનેમાઇડ જૂથ છે. તેમની આ શોધે એમની સસ્તી અને અસરકારક સારવારની પદ્ધતિની શરૂઆત કરી આપી. તેમની જ પુત્રીને પ્રયોગશાળામાં આકસ્મિક રીતે લાગેલો ચેપ આ દવાથી મટ્યો હતો. નાઝી શાસને તેમને નોબેલ પારિતોષિક લેતાં અટકાવ્યા હતા. પછી તેમને 1947માં ચંદ્રક અપાયો હતો. નોબેલ પારિતોષિક એનાયત થયું ન હતું.
શિલીન નં. શુક્લ