ડોજ, બર્નાર્ડ ઓગિલ્વી

January, 2014

ડોજ, બર્નાર્ડ ઓગિલ્વી (જ. 18 એપ્રિલ 1872, મોસ્ટન, વિસ્કોન્સિન,  યુ.એસ.;  અ. 9 ઑગસ્ટ 1960, ન્યૂયૉર્ક, યુ. એસ.) : અમેરિકન વનસ્પતિશાસ્ત્રી. ફૂગની જનીનવિદ્યા પર થયેલાં સંશોધનોના અગ્રણી વૈજ્ઞાનિક હતા. માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા બાદ 1892માં તેમણે જિલ્લાની શાળાઓમાં શિક્ષણ આપ્યું અને માધ્યમિક શાળાના આચાર્ય બન્યા. 28 વર્ષની ઉંમરે મિલ્વોકી નૉર્મલ સ્કૂલમાં પ્રવેશ મેળવી ઔપચારિક શિક્ષણ ફરીથી શરૂ કરી એક જ વર્ષમાં સ્નાતક – શિક્ષણની જરૂરિયાતો પૂરી કરી લીધી; 1908માં તેમણે વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં, મેડિસનમાં પ્રવેશ મેળવી 1909માં સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી. આ દરમિયાનમાં તેમને નીચલી કક્ષાની વનસ્પતિઓ ખાસ કરીને ફૂગમાં રસ ઉત્પન્ન થયો. તેઓ આ યુનિવર્સિટીમાં યુ.એસ.ના મહાન વૈજ્ઞાનિક આર.એ. હાર્પરના પ્રભાવ હેઠળ આવ્યા. હાર્પર પછી કોલમ્બિયા યુનિવર્સિટીના વનસ્પતિશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા.  પરિણામે ડોજ ન્યૂયૉર્ક ગયા અને 1909માં કોલમ્બિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. ત્રણ વર્ષ પછી તેમણે ‘ડૉક્ટરેટ’ની ઉપાધિ પ્રાપ્ત કરી. કોલમ્બિયામાં આઠ વર્ષ સુધી નીચા પગારે ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપ્યા બાદ 1920માં તેમણે વૉશિંગ્ટનમાં કૃષિવિદ્યાવિભાગના રોગવિજ્ઞાની તરીકેની નિમણૂક સ્વીકારી. ત્યારબાદ ન્યૂયૉર્કના વનસ્પતિ-ઉદ્યાનના રોગવિજ્ઞાની તરીકે 1947માં નિવૃત્ત થતાં સુધી સેવા આપી. નિવૃત્તિ પછી પણ મૃત્યુ અગાઉનાં ત્રણ વર્ષ સુધી ત્યાં તેમણે સંશોધનકાર્ય ચાલુ રાખ્યું.

તેમના ઔપચારિક શિક્ષણમાં થયેલા લાંબા વિલંબને કારણે ફૂગવિદ્યા પરના તેમના પ્રથમ સંશોધનપત્રનું પ્રકાશન થયું ત્યારે તેમની ઉંમર 40 વર્ષ કરતાં વધારે હતી અને અંતિમ સંશોધનકાર્ય સમયે તેમની ઉંમર 85 વર્ષની હતી. 55 વર્ષની ઉંમરે ન્યુરોસ્પોરાની જનીનવિદ્યા પર  તેમણે સંશોધનકાર્યનો પ્રારંભ કર્યો અને આસ્કોમાયસેટિસમાં પહેલાં આસ્કોબોલસ અને પછી ન્યુરોસ્પોરામાં વિષમસુકાયતા(heterothallism)નું સંશોધન કર્યું (1920). તેમનાં શરૂઆતનાં સંશોધનપત્રોએ દર્શાવ્યું કે ન્યુરોસ્પોરા જનીનવિદ્યાના અભ્યાસ માટે ઉત્કૃષ્ટ આદર્શ સજીવ છે. ત્યાર પછી ‘ન્યુરોસ્પોરા જનીનવિદ્યાના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરે છે’ તેવું તેમણે પ્રતિપાદિત કર્યું અને સંશોધનોમાં ન્યુરોસ્પોરા અને બીજા સૂક્ષ્મ સજીવોના પ્રાયોગિક ઉપયોગ માટેની ઉત્તમ પ્રવિધિઓ શોધી કાઢી. ન્યુરોસ્પોરા પરનાં તેમનાં ઘણાં પાયારૂપ સંશોધનોએ જૈવરાસાયણિક જનીનવિદ્યાના વિકાસ માટેનો તખતો તૈયાર કર્યો. 71 વર્ષની ઉંમરે ડોજે એચ. ડબ્લ્યૂ રિકેટ સાથે મહત્વનું  પુસ્તક ‘ડિઝીઝીઝ ઍન્ડ પેસ્ટ્સ ઑવ્ ઑર્નામૅન્ટલ પ્લાન્ટ્સ’ તૈયાર કર્યું હતું.

બળદેવભાઈ પટેલ