ડોગરી ભાષા અને સાહિત્ય

January, 2014

ડોગરી ભાષા અને સાહિત્ય : પહાડી–કાંગરા ચિત્રશૈલીના કલાકારો તરીકે તેમજ યોદ્ધાઓ તરીકે જાણીતા ડોગરાઓનું ભાષા-સાહિત્ય. ડોગરી અને તેની બોલીઓનો વિસ્તાર તે ડુગ્ગર. અગિયારમી સદીનાં ચમ્બાનાં તામ્રપત્રોમાં મળતા ‘દુર્ગર’ શબ્દ સાથે તેને સંબંધ છે. આ દુગ્ગરમાં ઉધમપુર, રામનગર, ચમ્બા, ધરમશાળા અને કુલ્લુ; કાંગરા, બસોહલી, નૂરપુર, સામ્બા, જમ્મુ અને અખનૂર તથા ગુરુદાસપુર, પઠાણકોટ અને હોશિયારપુર વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાંની પાંત્રીસ બોલીઓમાં મુખ્ય બોલીઓ તે ડોગરી ને કાંગરી. એમાં વળી જમ્મુ-કાશ્મીરના ડોગરાઓ દ્વારા બોલાય તેને ‘ડોગરી’ ને હિમાચલ પ્રદેશના ડોગરાઓ દ્વારા બોલાય તેને ‘પહાડી’ કહેવાનોયે સિલસિલો રહ્યો છે.

ડોગરી પર સંસ્કૃતોદભવ બોલીઓ ઉપરાંત યવન, ગુર્જર, તુર્ક, મુઘલો, ટક્ક અને ખાસા વગેરેની બોલીઓનો પણ પ્રભાવ પડેલો વરતાય છે. આ ડોગરીનો ‘ડુગ્ગર’ નામે નિર્દેશ 1317માં અમીર ખુસરોએ કરેલી ભારતીય ભાષાઓની યાદીમાં મળે છે. એ પછી 1816માં રેવ. કેરે અને 1867માં જૉન બીમ્સે તેનો નિર્દેશ કર્યો છે. બીમ્સે ભારતીય જર્મન કુલની આર્ય શાખાની 11 ભાષાઓમાં તેનો ઉલ્લેખ કર્યો છે. આ ડોગરીની પોતાની આગવી લિપિ છે. તેને ‘ટાકરી’ કહેવાય છે. એમાંથી પાછળથી શારદા તેમજ ગુરુમુખી લિપિઓ ઉદભવેલી. ગ્રિયર્સને તેનો ‘લિંગ્વિસ્ટિક્ સર્વે ઑવ્ ઇન્ડિયા’માં ડુગ્ગર વિસ્તારમાં બોલાતી સત્તર બોલીઓમાં કણ્ડયાલી, કાંગરી, ભટિયાલી વગેરેને મળતી આવતી ડોગરીનો પણ ઉલ્લેખ કર્યો છે. ડોગરી હવે ટાકરી લિપિમાં ન લખાતાં દેવનાગરી ને ફારસી લિપિમાં લખાય છે. જોકે ડોગરીના ઉચ્ચારની કેટલીક વિલક્ષણતાઓ દર્શાવવામાં ટાકરી વધુ કાર્યક્ષમ પણ લાગે.

ડોગરી સાહિત્ય મૌખિક તેમજ લિખિત સ્વરૂપે મળે છે. તેનું લોકસાહિત્ય સમૃદ્ધ ને વૈવિધ્યસભર છે. તેની સુદીર્ઘ પરંપરા છે, જ્યારે તેનું લિખિત સાહિત્ય હજુ વિકસતું છે. ડોગરી લોકસાહિત્યમાં ત્યાંના જનસમાજ તેમજ પ્રકૃતિની વાસ્તવિક છબી જોવા મળે છે. તેમાં અસંખ્ય ગીતો, હજારો લોકકથાઓ, સેંકડો રાસડાઓ ને લોકોક્તિઓ છે. તે સાહિત્યને એકત્રિત કરવાનું કાર્ય ડૉ. બ્રાઉન, શ્રીમતી નૉર્સિયો મેઇડા (Norcio Maida) જેવી વિદેશી વ્યક્તિઓ ઉપરાંત જમ્મુ-કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશની સરકારી તેમજ અન્ય સાંસ્કૃતિક-શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા થતું રહ્યું છે. જોકે આ કાર્યમાંયે ડોગરી લોકગીતોનો પહેલો મુદ્રિત સંગ્રહ તો છેક 1940માં ‘જાગો ડુગ્ગર’ નામે પ્રાપ્ત થયો.

ડોગરી લોકસાહિત્યમાં જેમ લોકગીતોનું તેમ લોકકથાઓનું પ્રમાણ અને આકર્ષણ વિશેષ છે. ડોગરી લોકકથાઓમાં રાજરજવાડાંનું વસ્તુ સવિશેષે જોવા મળે છે. તેમાં દેવદેવીઓની પુરાણપ્રસિદ્ધ કથાઓ, સંતચરિત્રો, વીરકથાઓ વગેરે નિરૂપાય છે. એમાં વાસ્તવિક સમાજદર્શન સાથે વ્યંગવિનોદનાં તત્ત્વોયે મળે છે.

ડોગરીની કથનાત્મક લોકકવિતામાં રાસડાઓનું સાહિત્ય મહત્વનું છે. કાંગરાની જયાળા ભગવતી, જમ્મુની મહામાયા, રામનગરની મનસાદેવી વગેરે વિશે ‘ભેટા’ પ્રકારના રાસડાઓ; બાવા જિટ્ટો, દત્ત રણુ, રાજા બાહુ રૂલ વગેરે પરના ‘કારક’ પ્રકારના તથા ગગ્ગા, રાજા ગોપીચંદ, મીરદાસ ચૌહાણ, રાજા ભર્તૃહરિ વગેરેના ‘બાર’ પ્રકારના રાસડાઓ મળે છે. આ ડોગરી બાર ગાનારાઓ ‘દરેસસ’, ‘ગાર્ડી’ અને ‘જોગી’ નામે ઓળખાય છે.

ડોગરી લોકગીતોમાં બિહાઈ (વિવાહગીતો), લોરીઓ (હાલરડાં), થાલ, નરાંતે (નવરાત્રિગીતો), ગોપાલકૃષ્ણનું લીલાગાન રજૂ કરતા ગુજરી તથા દેવદેવીઓની આરતીઓના પ્રકારો મળે છે. વળી ડોગરીમાં હિન્દી ભજન જેવાં બિસનપતા અને છિન્જાન, રિત્તડી તેમજ ઢોલરું જેવાં ઋતુઓને અનુલક્ષીને ગવાતાં ગીતો; બારાન માહ (બારમાસા) ઉપરાંત હોળી, લોરહી, ઝિરી, ચૈત્ર ચૌદસ તથા હરિપુરના ને ફુલ્લુની દશેરાના મેળાઓને લગતાં ઉત્સવગીતો મળે છે. વાવણી–લણણી વગેરે વેળાએ ગવાતાં સ્વાડી નામનાં ગીતો, છાપરું છાતાં ગવાતાં ગારલોડ્ડી અને લાકડાં લઈ જતાં ગવાતાં લાડ્ડી નામનાં ગીતો પણ ઉલ્લેખનીય છે. આ ગીતો સાથે કુડ્ડ, ફૂમની ને ભાંગરા જેવાં નૃત્યો પણ સંકળાયેલાં છે. લગ્નવેળાએ કન્યાપક્ષે ‘સુહાગ’ તો વરપક્ષે ‘ઘોડી’ ગવાય છે. લગ્નમાં ‘બોલી’, ‘સિહાની’ અને ‘છન્દ’ પણ ગવાય છે. ડોગરી જનજીવન, કુટુંબજીવન તેમજ પ્રણયજીવનનાં નિરૂપણ પણ એમાં મળે છે. ગડ્ડી, સજ્જન અને સજની, ગોરી, અલબેલુ, કુંજુ અને ચિયાન્ચલો, બનઝાર, છામ્બી અને રાજા અમીચંદ, પાન્નો ગુજરી અને ગુલરના રાજા, ગંગી, લાછી, પ્રિથિસંગ અને ઇન્દરદેવી, ગિલ્મુ અને ભાગુ વગેરેનાં પ્રણયગીતો ડુગ્ગરમાં ઠેર ઠેર ગવાય છે. આ લોકગીતોમાં સાંપ્રત જીવનની છાયાઓ પણ ઝિલાતી રહે છે. આ સંદર્ભમાં ડોગરી લોકસાહિત્યની સમૃદ્ધિ રજૂ કરતા ‘ડોગરી લોકકત્થા’, ‘ઇક હા રાજા’ (લોકકથા), ‘ખારે મિટ્ઠે અત્થરું’ (લોકગીત), ‘નમિર્યાં પૌંગરૉ’ (ધર્મસ્થાનોની કથાઓ), ‘અમર બલિદાન’ (લોકકાવ્યાત્મક ગાથાનું ગદ્યરૂપ) તેમજ ડૉ. કરણસિંહ-સંપાદિત ‘સનશાઇન ઍન્ડ શૅડો’ (લોકગીત) જેવા ગ્રંથો ઉલ્લેખનીય છે.

ડોગરીમાં કહેવતો–રૂઢિપ્રયોગોની – લોકોક્તિઓની સમૃદ્ધિ ઉલ્લેખનીય છે. તેમાં ડોગરી ભાષાનું અભિવ્યક્તિબળ પ્રતીત થાય છે.

ડોગરી લખાણના જૂના નમૂનાઓ મંદિરોના શિલાલેખો, તામ્રપત્રો, રાજાઓની પ્રશસ્તિઓ તેમજ તેમનાં વંશવૃક્ષો, દસ્તાવેજો, સનદો, કરારનામાં, પત્રો તથા કેટલાક પાદરીઓના પ્રચારાત્મક સાહિત્યમાંથી સાંપડે છે. તેમાં મહદંશે ટાકરી લિપિ પ્રયોજાયેલી જોવા મળે છે.

ડુગ્ગરની ડોગરીમાંનો સૌપ્રથમ લેખ તે 1170માં સેચુનાળા પરનો શિલાલેખ છે. એવા લેખો પછી પણ ટાકરી લિપિમાં લખાયેલા મળે છે. અઢારમી સદીમાં કોટલાનરેશ ધ્યાનસિંગના સમયમાં લખાયેલી ‘રાજાઉલી’ તે ફારસી ઇતિહાસનું સરળ ડોગરીમાં થયેલું ભાષાંતર છે. 1818માં સિરામપુરના પાદરીઓ દ્વારા બાઇબલના ‘નવા કરાર’નું ડોગરીમાં છપાયેલું ભાષાંતર મળે છે, જે ડોગરીનું સૌથી પહેલું મુદ્રિત પુસ્તક છે. વળી 1900ના અરસામાં લુધિયાણામાં ટાકરી લિપિમાં થોડું સાહિત્ય છપાયેલું.

આમ તો ડુગ્ગરના રાજાઓ ચૌદમી-પંદરમી સદીથી વહીવટમાં ટાકરી લિપિમાં ડોગરીનો ઉપયોગ કરતા હતા; પણ તેને સાહિત્યિક દરજ્જો મળ્યો નહોતો. અઢારમી–ઓગણીસમી સદીમાં પંજાબના શીખ-શાસનને કારણે પંજાબીનો પ્રભાવ વધ્યો, તેમ છતાં જમ્મુનો વહીવટ ડોગરીમાં ચાલતો રહ્યો. રણબીરસિંગના સમયમાં તો ટાકરીમાં કેટલાક સુધારા પણ કરવામાં આવ્યા.

મહારાજા પ્રતાપસિંગના શાસન દરમિયાન વહીવટમાં ડોગરીને, તેનું સ્થાન ઉર્દૂએ લેતાં, સારું એવું વેઠવું પડ્યું. વીસમી સદીના પૂર્વાર્ધમાં સંસ્કૃત, હિન્દી, ઉર્દૂ, પંજાબી કે અંગ્રેજી જેવી ભાષાઓનું ચલણ વધતાં ડોગરીને પાછા પડવાનું થયું. તે નિરક્ષરોની, પછાત વર્ગની ને ગામડિયાઓની ભાષા ગણાવા લાગી. એમાં ડુગ્ગરના ભદ્ર ને શિક્ષિત સમાજની પોતાની દૂધભાષા પ્રત્યેની ઉપેક્ષા ને લાપરવાઈ જવાબદાર હતાં. આમ છતાં અઢારમી સદીના ઉત્તરાર્ધમાં દત્તુ નામનો કથાકાર બ્રાહ્મણ કવિ ડોગરીમાં કવિતા આપે છે. ડોગરી માટે દેવનાગરી લિપિ પ્રયોજનાર તે પહેલો કવિ. ઓગણીસમી સદી દરમિયાન શિવરામ, ત્રિલોચન, રુદ્રદત્ત, વિદ્યાનિધિ, ગંગારામ અને રામધન ડોગરીમાં કવિતા આપે છે. લક્ખુ નામનો એક અભણ સુથાર પોતાની પત્નીના મનોરંજનાર્થે ડોગરીમાં ઉખાણાં આપે છે. વળી મિશનરીઓના ડોગરી પ્રચારસાહિત્ય ઉપરાંત ‘લીલાવતી’ નામના સંસ્કૃત ગણિતગ્રંથનો ડોગરીમાં અનુવાદ થયાનું બુલ્હર એની સૂચિમાં નોંધે છે. 1890માં ‘ડોગરી મિત્તર’ નામનું છાપું પણ ડોગરીમાં નીકળેલું.

વીસમી સદીના આરંભમાં લાલન રામધન, દાસમલ અને હરદત્ત શાસ્ત્રી ડોગરીમાં કાવ્યો આપે છે. 1934માં પ્રા. ગૌરીશંકર ભગવદગીતાનો ડોગરીમાં અનુવાદ ગદ્યમાં આપે છે. ડોગરી ગદ્યનો તે પહેલો વ્યવસ્થિત પ્રયત્ન લેખાય છે.

1943–44ના અરસામાં પ્રો. રામનાથ શાસ્ત્રી, દીનુભાઈ પંત, ધરમચંદ્ર પ્રશાન્ત અને ભગવતપ્રસાદ સાઠે જેવા કેટલાક લેખકોનાં સાપ્તાહિક મિલનોના ફલસ્વરૂપે ડોગરી સંસ્થાનો ઉદભવ થયો. ઉપર્યુક્ત લેખકોએ ડોગરી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના ઉત્કર્ષ માટેની નીતિના અનુસંધાનમાં ડોગરીમાં સાહિત્યલેખન કરવા કમર કસી. આ પ્રયત્નોમાં ભારતને આઝાદી મળતાં વેગ આવ્યો. રેડિયો પર ડોગરીમાં સમાચારપત્રો રજૂ થવા લાગ્યાં. કાશ્મીરી સાથે ડોગરીનોયે મહિમા થવા લાગ્યો. 1944થી 1949 દરમિયાન કવિતા, વાર્તા, નાટક જેવા પ્રકારોમાં ડોગરી સાહિત્ય રચાવા લાગ્યું, પણ તેમાંથી પ્રમાણમાં ઘણું ઓછું પ્રકાશિત થઈ શક્યું.

ડોગરી શિષ્ટ સાહિત્યનો વિકાસ કાશ્મીરી આદિ ભાષાઓના શિષ્ટ સાહિત્યના મુકાબલે ઘણો મોડો ગણાય. વીસમી સદીનાં પહેલાં 35 વર્ષમાં પંડિત હરદત્ત શાસ્ત્રીની ડોગરી ભજનમાળા અને ઉપર્યુક્ત ભગવદ્ગીતાનો અનુવાદ – એ પુસ્તકો જ મળે છે ! પણ પછીનાં 35 વર્ષોમાં ડોગરીમાં 173 ગ્રંથો મળી શક્યા છે. એ પછી તો પુસ્તકો- સામયિકોના પ્રકાશનને વિશેષ વેગ મળ્યો છે. ઑગસ્ટ, 1969માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ અર્વાચીન સાહિત્યિક ભાષા તરીકે ડોગરીને માન્ય કરી અને જમ્મુ અને કાશ્મીરની ભાષા, સંસ્કૃતિ અને કલાની અકાદમીએ તેના વિકાસમાં ઊંડો રસ લેવા માંડ્યો. ડોગરા હિમાલય સંસ્કૃતિ સંગમ નામે એક સંસ્થા અસ્તિત્વમાં આવી. જમ્મુ અને કાશ્મીર વિશ્વવિદ્યાલય દ્વારા ડોગરીના ઉત્કર્ષ માટેની પરીક્ષાઓ લેવાવા લાગી. ‘નમી ચેતના’, ‘રેખા’, ‘વીર ડોગરા’, ‘અંબર’ જેવાં પાત્રોએ પણ ડોગરી ભાષા-સાહિત્યના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો.

અન્ય ભારતીય ભાષાઓની  જેમ ડોગરીમાં પણ રામાયણ, મહાભારત, પુરાણો, ભક્તિગીતો ને સ્થાનિક દંતકથાઓ વગેરેનો પ્રેરણાસ્રોત તરીકે મહત્વનો ફાળો રહ્યો. ડોગરીમાં ભગવદગીતાના એકાધિક અનુવાદો મળે છે. વળી ભર્તૃહરિનાં નીતિ, વૈરાગ્ય જેવાં શતકોના; દુર્ગાસપ્તશતી, રામાયણ, ભાગવત, પંચતંત્ર, ઉપનિષદાદિ વેદસાહિત્યના અનુવાદ પણ ડોગરીમાં મળતા થયા છે. કેટલાક સંસ્કૃત અને અંગ્રેજી, હિન્દી વગેરે ભારતીય ભાષાઓના અનુવાદો પણ મળે છે. ડોગરીમાં શાન્તા ગાંધીના ગુજરાતી નાટક ‘જસમા-ઓડણ’નો અનુવાદ પણ થયો છે.

ભારતીય સાહિત્યને ડોગરીનું મહત્વનું પ્રદાન તો એનું લોકસાહિત્ય છે. તે ઉપરાંત કેટલુંક ભાવમધુર કવિતાસાહિત્ય તેમજ સામાજિક પ્રતિબદ્ધતાએ પ્રેરિત કેટલુંક વાર્તાસાહિત્ય તેણે આપ્યું છે. નવલકથા, નાટક, નિબંધ-વિવેચન વગેરેનું સાહિત્ય મળે છે, પણ પ્રમાણમાં ઓછું.

આમ તો ડોગરીમાં સોથી વધુ સાહિત્યકારો છે. પણ તેમાં ઉત્કૃષ્ટ સાહિત્યિક ગુણવત્તા ધરાવનારા સાહિત્યકારોનું પ્રમાણ ઓછું છે. પરમાનંદ અલમસ્ત, યશ શર્મા અને કિશન સામૈલપુરી જેવાનાં ગીતોમાં જે શબ્દસંગીત અને માધુર્ય છે તે અન્ય ભાષામાં ઉતારવું અશક્ય છે. વેદ દીપ ડોગરી ગઝલના સિદ્ધહસ્ત સર્જક છે. તેમની ગઝલોમાં પ્રણય-વૈફલ્યની વેદનાનું ઉત્કટ નિરૂપણ જોવા મળે છે. રામનાથ શાસ્ત્રી, વેદ દીપ, કેહરીસિંગ મધુકર, પદ્મા, મોહનલાલ સપોલિયા, નરસિંગ દેવ જમવાલ, ઓ. પી. શર્મા, સન્તોષ ખજૂરિયા અને ચરણસિંગની કેટલીક કાવ્યરચનાઓ અન્ય ભારતીય ભાષાઓની ઉત્તમ કવિતા સાથે બેસી શકે એવી ગુણવત્તા ધરાવે છે. ડોગરીમાં ઉર્દૂની ગઝલ ઉપરાંત રુબાઈ, કિતા જેવા પ્રકારો પણ ખેડાયા છે. કમભાગ્યે ડોગરી કવિતાની કદર કરી શકે, તેનું રચનાત્મક રીતે વિશ્લેષણ અને વિવેચન કરી શકે એવો ભાવક-વિવેચક વર્ગ જોઈતા પ્રમાણમાં ન હોવાથી તેનો અપેક્ષિત વિકાસ થઈ શકતો નથી. ડોગરી કવિતાએ કવિસંમેલનોની મનોરંજનની સામાન્ય ભૂમિકા પરથી ઉપર ઊઠીને ઊર્મિલતા કે ભાવુકતા અને સૂત્રોચ્ચારણ કે પ્રચારવેડાથી બચીને બૌદ્ધિક સ્તરે સવિશેષ પરિપક્વતા દાખવવાની રહે છે.

ડોગરી વાર્તાનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે. બી. પી. સાઠેની ‘પેહલા ફુલ્લ’ અને લલિત મહેતાની ‘સૂઈ ધાગા’ વાર્તાથી જે ડોગરી વાર્તાપ્રવાહનો આરંભ થયો તેમાં મદનમોહન શર્મા (‘ખીરલા માનુ’ અને ‘ચાનની’), નરેન્દ્ર ખજૂરિયા (‘કોલેં દિયા લીકરાં’), વેદ રાહી (‘કાલે હથ’), ઓમપ્રકાશ શર્મા, બિંદુ શર્મા, છત્રપાલ અને ઓમ ગોસ્વામી જેવા વાર્તાકારોનું ગણનાપાત્ર પ્રદાન છે. સાઠેની વાર્તાઓનો (‘કુડ મે દા લાહયા’) લોકકથાની પરંપરા સાથે ગાઢ સંબંધ જોવા મળે છે તો લલિત મહેતાની વાર્તાઓમાં સંવેદનશીલતાનો સત્વપ્રભાવ. વેદ રાહી, મદનમોહન, નરેન્દ્ર, ઓમ ગોસ્વામી, છત્રપાલ અને ઓ. પી. શર્મામાં નોંધપાત્ર વાર્તાકસબ, સવિશેષ સામાજિક અભિજ્ઞતા અને મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિકોણ, ઉદાત્ત ગાંભીર્યનો સૂર, ડોગરી ભાષાની ખૂબીઓનો કુશળતાથી થયેલો વિનિયોગ ધ્યાન ખેંચે છે. એમની વાર્તાઓનાં પાત્ર, પ્રસંગ, વાતાવરણના ચિત્રણમાં ડોગરીની કામયાબી બરોબર રીતે પ્રતીત થાય છે. રામકુમાર અબરોલે ‘પૈરેં દે નશાન’ અને ‘ફુલ્લ બનીગે ઙોર’, ‘ધર્મચંદ્ર પ્રશાન્તે’, ‘ઉચ્ચિયાં ધારાં’ જેવું વાર્તાસાહિત્ય આપ્યું છે. વેદ રાહીએ રવીન્દ્રનાથ ટાગોરની 21 વાર્તાઓનું ડોગરીમાં રૂપાંતર કર્યું છે. વળી નરેન્દ્ર ખજૂરિયાએ તો બાળકો માટે ‘રોચન કહાનિયાં’ આપી છે. આમ છતાં બાલસાહિત્યક્ષેત્રે ડોગરીમાં હજુ ઘણું કરવાનું રહે છે.

ડોગરીમાં નવલકથાઓ ઓછી મળે છે, પણ તેમાં ત્યાંના સ્થાનિક જીવનરંગોનું અને સમસ્યાઓનું નિરૂપણ એકંદરે સંતોષજનક જણાય છે. ડોગરી સમાજની જાગીરશાહીનું અને સ્વાતંત્ર્ય પૂર્વેની અને પછીની સ્થિતિના અનુસંધાનમાં થયેલા મૂલ્યપરિવર્તન અને મૂલ્યહ્રાસનું એમાં દર્શન થાય છે. આમ છતાં ડોગરી કથાસાહિત્યનું વિશ્વ પ્રમાણમાં સીમિત છે અને તેમાં ઘણા નવીન વિષયો તેમ નવી રજૂઆત રીતિઓ ને પ્રયોગો માટે પૂરતો અવકાશ હોવાનું પણ જણાય છે.

ડોગરી નવલકથાના ક્ષેત્રે નરેન્દ્ર ખજૂરિયાની ‘શાનો’, ‘મદનમોહન શર્માની ‘ધારા તે ધૂડાં’, વેદ રાહીની ’હાડ બેડી દે પત્તન‘ અને ધર્મચંદ્ર પ્રશાન્તની ‘રુક્મણી’ કૃતિઓ ઉલ્લેખનીય છે. ‘વાદિયાં વિરાતે’ ડાકુર પંછીની પોતાની ઉર્દૂ નવલકથાનું ડોગરીમાં રૂપાંતર છે.

ડોગરીમાં નાટ્યલેખન પ્રમાણમાં પાંખું લાગે. સામાજિક ન્યાય માટે શહીદીને વરેલા બાવા જિટ્ટો અને દતા રાણુ જેવા વીરનાયકોને રજૂ કરતાં ‘બાવા જિટ્ટો’ તથા ‘સરપંચ’ (દીનુભાઈ પંત) નાટકો ઉલ્લેખનીય છે. જોકે જેમ ‘મંડળિક’નું તેમ આ નાટકનું કથાવસ્તુ આછુંપાતળું હોવા સાથે તેમાં નાટ્યાત્મકતા ને રસાત્મકતાનું બળ પણ પ્રમાણમાં સીમિત હોવાનું જણાય છે. ‘નયાં ગ્રા’ (રામનાથ શાસ્ત્રી અને અન્ય), ‘દેહરી’ (રામકુમાર અબરોલ) અને ‘ધારેં દે અત્થરું’ (વેદ રાહી) સામાજિક ધ્યેયવાળાં નાટકો છે. નરેન્દ્ર ખજૂરિયાએ ‘અસ ભાગ જગાને આલે આં’ નાટક આપ્યું છે. ધર્મચંદ્ર પ્રશાન્તનું ‘દેવકા જન્મ’ પૌરાણિક નાટ્યકૃતિ છે. ડોગરીમાં એકાંકીઓ દીર્ઘ નાટકોના મુકાબલે વધુ કલાત્મક જણાય છે. નાટ્યસર્જન આમેય ઘણું કઠિન હોય છે અને ડોગરી રંગભૂમિ હજુ પ્રાથમિક અવસ્થામાં છે. આમ છતાં ભવિષ્યમાં વધુ સારી નાટ્યકૃતિઓ સર્જાવાની પૂરતી ક્ષમતા છે.

ડોગરી લેખકોને ભાષા-સાહિત્યના વિકાસમાં ગદ્યની ઉપયોગિતા કંઈક મોડેથી સમજાઈ. આમ તો અનેક ગદ્યલેખો છતાં નિબંધાદિ ગદ્યગ્રંથોનું પ્રમાણ ઓછું છે. ડોગરીમાં શિલ્પ-કળા, ઇતિહાસ-સંસ્કૃતિ વગેરે વિશેના સંશોધનલેખો સાંપડે છે. શ્યામલાલ શર્માએ ડોગરી ભાષા વિશે વિસ્તારથી લખ્યું છે. તારા સ્મૈલપુરીએ ‘ડોગરી કહાવત કોશ’ આપ્યો છે. કેદારનાથ શાસ્ત્રી, સંચારચંદ અને વિદ્યારતન ખજૂરિયાએ ઐતિહાસિક સ્મારકો અને ડોગરી ચિત્રાદિ કળાઓ વિશે લખાણો આપ્યાં છે. આ સંદર્ભમાં ગોવર્ધનસિંગ તેમજ ડૉ. વેદકુમારીનું કાર્ય પણ સ્મરણીય છે. શક્તિ શર્મા (‘ત્રિવેણી’), વિશ્વનાથ ખજૂરિયા અને લક્ષ્મીનારાયણ જેવાના આ ક્ષેત્રના કાર્યને વધુ ને વધુ વેગ મળે અને એ રીતે ડોગરીમાં સાહિત્યના રસાસ્વાદ અને વિવેચન માટેની સંગીન ભૂમિકા બંધાય તે અપેક્ષિત છે.

ડોગરીમાં ‘નમી ચેતના’ (ત્રૈમાસિક), ‘રેખા’ (દ્વૈમાસિક) જેવાં પત્રો ચાલ્યાં ને બંધ પડ્યાં. આમ છતાં આવું પત્રસાહિત્ય ડોગરી ભાષાના સર્વતોમુખી વિકાસ માટે જરૂરી હોઈ એ દિશામાં રાજ્ય તેમજ સાંસ્કૃતિક–શૈક્ષણિક સંસ્થાઓ કે મંડળો દ્વારા થયેલા અને થતા પ્રયત્નો હંમેશાં આવકાર્ય બની રહ્યા છે. ડોગરીને આ દિશામાં વિકસવાનો પણ ઘણો અવકાશ રહ્યો છે.

ડોગરી સાહિત્યનો આરંભ ભલે મોડેથી થયો, પણ એના વિકાસની ગતિ સતત વધતી રહી છે એ સુચિહન છે.

ચન્દ્રકાન્ત શેઠ