ડોગરા, દેશબંધુ ‘નૂતન’

January, 2014

ડોગરા, દેશબંધુ ‘નૂતન’ (જ. 4 નવેમ્બર 1939, રામનગર, જિ. ઉધમપુર, જમ્મુ-કાશ્મીર) : ડોગરી ભાષાના જાણીતા નવલકથાકાર તથા વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘કૈદી’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

તેમણે 1965માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ઇતિહાસના વિષય સાથે એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. જોકે 1955થી તેમણે તેમના લેખનકાર્યનો પ્રારંભ કરેલો. અત્યાર સુધીમાં તેમણે ડોગરીમાં 14 કૃતિઓ લખી છે. તેમાં 3 નવલકથાઓ, 3 વાર્તાસંગ્રહો, અને 2 નાટકોનો સમાવેશ થાય છે. આ કૃતિઓ પૈકી ફક્ત 3 કૃતિઓ પ્રગટ થઈ છે. તેઓ હિંદી તેમજ ઉર્દૂમાં પણ લખે છે. તેઓ માર્કસવાદી વિચારસરણી ધરાવે છે. વળી મજૂરસંઘની પ્રવૃત્તિઓ માટે છેલ્લાં 12 વર્ષો દરમિયાન તેમણે અનેક વાર જેલયાત્રા કરેલી છે.

તેમને 1985માં જમ્મુ અને કાશ્મીર કલા અને સંસ્કૃતિ અકાદમી ઍવૉર્ડ તથા 1996–97માં સેન્ટ્રલ હિંદી નિયામકની કચેરીનો ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘કૈદી’ પોલીસતંત્ર સામેના આક્રોશભર્યા આરોપનામાની રજૂઆત, સામંતશાહી પ્રથાઓની ટીકા, સ્ત્રીજાતિનું મનોવેધક ચિત્રણ અને જોશીલી ભાષા વગેરેને લઈને ડોગરી સાહિત્યમાં મોભાનું સ્થાન ધરાવે છે.

બળદેવભાઈ કનીજિયા