ડોગરા, ગિરધારીલાલ (જ. 13 જુલાઈ 1915, ભાઇયા, જમ્મુ) : ભારતના સ્વાતંત્ર્યસેનાની તથા જમ્મુ-કાશ્મીર રાજ્યના અગ્રણી રાજનીતિજ્ઞ. ખેડૂત-કુટુંબમાં જન્મ. શરૂઆતનું શિક્ષણ વતનમાં લીધું. સાંબાની માધ્યમિક શાળામાંથી મૅટ્રિક પાસ થયા પછી 1939માં અમૃતસરની હિંદુ કૉલેજમાંથી સ્નાતકની પદવી તથા 1942માં લાહોરની લૉ કૉલેજમાંથી એલએલ.બી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. કાયદાશાસ્ત્રના અભ્યાસ દરમિયાન રાજકીય પ્રવૃત્તિ પ્રત્યે આકર્ષાયા. હૉસ્ટેલના મકાન પરથી પોલીસ દ્વારા ઉતારી લેવામાં આવેલા રાષ્ટ્રીય ધ્વજને ફરી ફરકાવવામાં સક્રિય ભાગ ભજવ્યો. ત્યારથી રાષ્ટ્રીય કાગ્રેસના સક્રિય કાર્યકર બન્યા.
1942માં તેમણે તે વખતની કાશ્મીર રિયાસતની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. ટૂંક સમયમાં નૅશનલ કૉન્ફરન્સના અગ્રણી નેતા બન્યા. 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લીધો અને ત્યાર બાદ કાશ્મીર રિયાસતમાં લોકશાહી સરકાર પ્રસ્થાપિત થાય તે માટેની ઝુંબેશમાં અગ્રણી ભૂમિકા ભજવી. 1947માં કાશ્મીર પર પાકિસ્તાન-પ્રેરિત આક્રમણ થયું ત્યારે તેને પરાસ્ત કરવામાં સક્રિય ભાગ ભજવ્યો. 1948માં શેખ અબ્દુલ્લાના નેતૃત્વ હેઠળની પ્રજાકીય સરકારમાં નાણાપ્રધાન બન્યા. કાશ્મીર માટે બંધારણ ઘડવાની સમિતિના ચૅરમૅનપદે તેમણે કામ કર્યું. 1953માં શેખ અબ્દુલ્લાએ કાશ્મીરને સ્વતંત્ર રાજ્ય બનાવવાનું વલણ અખત્યાર કર્યું ત્યારે તેમણે તેનો વિરોધ કર્યો.
શેખ અબ્દુલ્લાની સરકારની બરખાસ્તગી બાદ તે બક્ષી ગુલામ મહંમદની સરકારમાં મંત્રીપદે જોડાયા (1953–57). 1957માં નીતિવિષયક મતભેદોને કારણે નૅશનલ કૉન્ફરન્સમાંથી રાજીનામું આપ્યું; પરંતુ 1960માં ફરી તેમાં જોડાયા. 1960–67 દરમિયાન રાજ્ય-મંત્રીમંડળમાં નાણાં તથા ઉદ્યોગમંત્રી તરીકે કાર્ય કર્યું. આ ગાળા દરમિયાન કુટિર-ઉદ્યોગોના વિકાસ માટે તેમણે ઘણી યોજનાઓ દાખલ કરી. 1967ની ચૂંટણીમાં ચોથી વાર રાજ્ય વિધાનસભા માટે ચૂંટાતાં રાજ્યના મહેસૂલ-મંત્રી બન્યા. આ કાર્યકાળ દરમિયાન તેમણે રાજ્યમાં શકવર્તી ગણાય તેવા જમીનસુધારા દાખલ કર્યા, જમીનવિહોણા ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાનાં પગલાં લીધાં તથા કૃષિક્ષેત્રની ઉન્નતિ માટે ખેડૂતોને નાણાકીય તથા તકનીકી સહાય પૂરી પાડી.
તેઓ જ્ઞાતિ-પ્રથા તથા અસ્પૃશ્યતાના સખત વિરોધી અને વિધવાવિવાહ તથા સ્ત્રી-પુરુષ સમાનતાના હિમાયતી રહ્યા. ધાર્મિક તથા સાંસ્કૃતિક લઘુમતીઓના અધિકારોને રક્ષણ પૂરું પાડતી લોકશાહી વ્યવસ્થામાં તેમને ર્દઢ શ્રદ્ધા હતી. પશ્ચિમના નવા વૈજ્ઞાનિક પ્રવાહોના ટેકેદાર હોવા છતાં ત્યાંના રિવાજો અને ટેવોના આંધળા અનુકરણનો તેઓ વિરોધ કરતા. માતૃભાષામાં પાયાના નિ:શુલ્ક અને ફરજિયાત શિક્ષણની તરફેણ કરી. અંગ્રેજી, સંસ્કૃત, ફારસી કાશ્મીરી ને પંજાબી ભાષાઓ પર તેમણે પ્રભુત્વ મેળવ્યું હતું.
કાર્લ માર્કસના ‘દાસ કૅપિટલ’થી અત્યંત પ્રભાવિત થયેલા ગિરધારીલાલ ડોગરા ડાબેરી વિચારસરણી ધરાવતા હોવાની તેમના વિશેની સર્વસામાન્ય સમજ હોવા છતાં હકીકતમાં શ્રીમદભગવદ્-ગીતા અને રામચરિતમાનસ તેમનાં સાચાં પ્રેરણાસ્રોત રહ્યાં.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે