ડોંગરે, રામચંદ્ર

January, 2014

ડોંગરે, રામચંદ્ર (જ. 15 ફેબ્રુઆરી 1926, ઇંદોર; અ. 8 નવેમ્બર 1990, નડિયાદ) : ભારતના સંત કથાકાર. પિતા કેશવદેવ ડોંગરે, માતાનું નામ કમલાતાઈ. જન્મસમયે સંતત્વનાં લક્ષણો પ્રગટ થયાં હોઈ જન્મનો આનંદ મોસાળપક્ષે ધામધૂમથી ઊજવ્યો હતો. આ પછી ડોંગરે પરિવાર વડોદરા આવી લક્ષ્મણ મહારાજના મઠમાં રહી કર્મકાંડી અને ધર્મપરાયણ જીવન વ્યતીત કરવા લાગ્યો. રામચંદ્રને બાળવયથી સાંસારિક વસ્તુઓ પ્રત્યે સહજ વૈરાગ્ય હતો, છતાં નાના ભાઈ પ્રભાકર સાથે તેઓ રમતા. પ્રાથમિક અભ્યાસ વડોદરા અને પંઢરપુરમાં કરી અમદાવાદના સંન્યાસ આશ્રમમાં સંસ્કૃત ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આઠ વર્ષ કાશી રહી વેદ-વેદાંગ, ધર્મ તેમજ દર્શનશાસ્ત્રોનું તલસ્પર્શી અધ્યયન કર્યું. વડોદરા આવ્યા પછી તેઓ એ વખતના પ્રકાંડ ભાગવત કથાકાર નરહરિ શાસ્ત્રીના પરિચયમાં આવ્યા.

તેમની પ્રત્યેક કથામાં સાથે રહી ભાગવતપાઠ કરતા. એ રીતે તેમનામાં ભાગવતપ્રીતિનાં મૂળ ઊંડાં નંખાયાં. એમનાં લગ્ન શ્રી શાલિનીતાઈ સાથે થયાં. ત્યારબાદ તેમણે સ્વતંત્રપણે ભાગવતકથા કરવાની શરૂઆત કરી. કથા દરમિયાન નિષ્કામ ભાવના અને જગતના કલ્યાણનું ધ્યેય નજર સમક્ષ રાખી સ્વયં ભગવાનને કથા સંભળાવતા હોય એવા ભાવથી કથા કરતા, તેથી એકાગ્રતા અને તન્મયતા અનુભવાતી.

રામચંદ્ર ડોંગરે

એ વખતે શ્રીમદ્-ભાગવત-પારાયણ મોટેભાગે કોઈ મૃતાત્માની સદગતિ માટે તેમનાં સ્વજનો તરફથી યોજાતાં અને એમાં અલ્પસંખ્યક શ્રોતાઓ આવતા. શ્રી ડોંગરે મહારાજે નિ:સ્પૃહભાવે કથા કરવાની શરૂઆત કરી અને કથા નિમિત્તે કોઈ પણ જાતની ભેટ-દક્ષિણા લેવાનું બંધ કર્યું. ધીમે ધીમે તેઓશ્રીની ભાગવતકથા સદગતના મૃતાત્માના કલ્યાણ જેવા પરિમિત હેતુને બદલે વ્યાપક લોકકલ્યાણના હેતુ માટે થવા લાગી. કથાનિમિત્તે પોતે કશું જ સ્વીકારતા ન હોઈ અને જે કંઈ આવે તે જે તે આયોજકને લોકકલ્યાણઅર્થે આપી દેતા હોઈ તેઓશ્રી પ્રત્યેનો લોકોમાં પૂજ્યભાવ વધતો ગયો અને પચ્ચીસ-પચાસ કે સો શ્રોતાઓની હાજરીને બદલે એમની ભાગવતકથામાં હજારો અને લાખો શ્રોતાઓ ઊમટવા લાગ્યા. સાથોસાથ લોકકલ્યાણના હેતુ માટે કથાના આયોજનથી લાખો રૂપિયાનો ફાળો પણ એકત્રિત થવા લાગ્યો. તેઓશ્રીની કથા કરાવવા માટે વિવિધ લોકહિતકારી સંસ્થાઓ તરફથી વધુ ને વધુ માંગણી આવતી અને તેમને બે ત્રણ વર્ષ પછી જ કથા મળે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ.

શ્રી ડોંગરે મહારાજ પ્રારંભમાં કેવળ ગુજરાતી ભાષામાં જ શ્રીમદ્ ભાગવત કથા કરતા. પરંતુ પછી તેમણે રામાયણકથા, ગોપીગીતકથા વગેરે કથાઓ પણ કરવા માંડી. બિનગુજરાતી – ખાસ કરીને હિંદી-ભાષી ભક્તોની માંગણીને લઈને હિંદી અને મરાઠી ભાષામાં પણ કથાઓ કરી.

શ્રી ડોંગરે મહારાજે અનેક સંસ્થાઓને સેવા, માર્ગદર્શન અને નાણાકીય સહાય કરીને ઊભી કરી અને વિકસાવી. તેઓ ઘણા સંતોના પ્રીતિપાત્ર હતા. સંત સર્યૂદાસજી, પ્રેમદાસજી મહારાજ અને સંતરામ મંદિરના મહારાજ શ્રી નારાયણદાસજીનો તેમને જીવનભર સહયોગ પ્રાપ્ત થયો. તેમણે સદવિચાર પરિવારને નવ જેટલી કથાઓ આપીને સંસ્થાના પાયાને ર્દઢ કરવા તેમજ તેના વિકાસને પ્રેરિત કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો.

પોતાના જીવન દરમિયાન લગભગ હજાર જેટલી કથાઓ કરી, 100 જેટલાં ટ્રસ્ટો ઊભાં કર્યાં. પોતાના જીવનના મહત્વના પ્રસંગોએ સ્વાંત:સુખાય કોઈ ને કોઈ તીર્થક્ષેત્રમાં જ કથા કરતા અને જે તે તીર્થના આરાધ્ય દેવને રાજી કર્યાનો સંતોષ દાખવતા.

ડોંગરે મહારાજના વ્યક્તિગત જીવનમાં ધર્મપરાયણતાની સાથે સાદાઈ, નમ્રતા અને નિખાલસતા જેવા ગુણો વણાયેલા હતા. ધર્મની બાબતમાં તેઓ સહેજ પણ બાંધછોડ કરતા નહિ. તીર્થયાત્રા એમને અતિશય પ્રિય હતી. તીર્થોમાં સ્નાન, પૂજા અને તર્પણ અચૂક કરતા.

કથા એ જ એમનું વ્યસન હતું. તેઓ ગોપીભાવ અંતરમાં અનુભવી પ્રભુને સતત વાણી દ્વારા પ્રગટ કરતા. એમની કથાએ ઘણાના જીવનમાં પરિવર્તન આણ્યું હતું. ભારતના ખૂણે ખૂણે શ્રીમદ્ ભાગવતનો વિચાર-બોધ તેમણે વહાવ્યો. સનાતન હિંદુ ધર્મનો સાચો મર્મ સમજાવ્યો. ‘ભાગવત રહસ્ય’ અને ‘રામાયણ રહસ્ય’ જેવા અનેક ગ્રંથોમાં તેમની વાણી સંગૃહીત થઈ છે.

સંતરામ મંદિરમાં સંન્યાસ દીક્ષા અને સંતરામ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી દેહાવસાન પામતાં તેમના પાર્થિવ દેહને નર્મદાકાંઠે માલસર મુકામે આવેલા તેમના આશ્રમ સમીપ નર્મદાજીમાં જળસમાધિ અપાઈ. તેમની સ્મૃતિમાં માલસર આશ્રમ તેમજ તેમણે સ્થાપેલાં ટ્રસ્ટો અને સદ્વિચાર પરિવાર જેવી સંસ્થાઓ દર વર્ષે ધાર્મિક કાર્યક્રમો યોજે છે.

હરિલાલ વિ. પંચાલ