ડૉ. આત્મારામ (જ. 12 ઑક્ટોબર 1908, બિજનોર, ઉ. પ્ર.; અ. 1985) : ભારતના કાચ અને સિરૅમિક ઉદ્યોગના પિતામહ. આત્મારામ ગામડામાં ગરીબી વચ્ચે ઊછર્યા હતા. પારિવારિક સાદગી, સભ્યતા અને સંસ્કારો વારસામાં મળ્યાં હતાં.

1924માં તેમણે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી મૅટ્રિક અને 1928માં બી.એસસી.ની પરીક્ષાઓ પસાર કરી. અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયમાં તેમને પ્રવેશ ન મળ્યો; પણ ત્યાંના પ્રો. ધરનાં વ્યાખ્યાનો વર્ગ બહાર ઊભા રહીને સાંભળવા લાગ્યા. આમ સતત બે માસ સુધી વ્યાખ્યાનો સાંભળ્યાં. અંતે, પ્રો. ધરે આત્મારામને પ્રવેશ અપાવ્યો. તેમણે અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એસસી. પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાને પસાર કરી. ત્યારબાદ ડૉ. ધરની સહાયથી શિષ્યવૃત્તિ મળતાં તેમણે સંશોધનકાર્ય શરૂ કર્યું.

1936માં તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક સંશોધન સંસ્થામાં જોડાયા. આ સંસ્થા 1942થી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (C. S. I. R.) તરીકે અસ્તિત્વમાં આવી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધમાં જરૂરી ચીજ-વસ્તુઓના ઉત્પાદનની જરૂર પડી. આત્મારામ અગ્નિશામક પદાર્થોના સંશોધનમાં મગ્ન બન્યા. 1945માં તેઓ કૉલકાતા ગયા, જ્યાં ડૉ. શાંતિસ્વરૂપ ભટનાગરે કાચ અને સિરૅમિક ક્ષેત્રે સંશોધનની જવાબદારી તેમને સોંપી. ડૉ. ભટનાગરે ડૉ. આત્મારામના સહયોગથી ભારતમાં કાચ અને સિરૅમિક સંશોધન સંસ્થાની સ્થાપના કરી. તેમણે પ્રકાશીય કાચ(optical glass)ની શોધ કરી, જે કેન્દ્રીય સેનામાં અભેદ્ય કવચ તરીકે વપરાય છે.

આ ખ્યાતનામ વિજ્ઞાનીએ કાચ અને સિરૅમિક ક્ષેત્રે ભારતને વિશ્વના નકશા ઉપર સ્થાન અપાવ્યું છે. ફેનિલ કાચ, સિલેનિયમમુક્ત લાલ કાચ બનાવીને તેમણે ઔદ્યોગિક ક્ષેત્રે નવી ક્ષિતિજ ખોલી આપી છે. ટાઇટેનિયમ કાચ ઉપર કરેલા તેમના કાર્યને તમામ ઉદ્યોગોએ માન્યતા આપી છે.

તેમને ઇંગ્લૅન્ડની સોસાયટી ઑવ્ ગ્લાસ ટૅક્નૉલૉજીના ફેલો તરીકે સન્માનિત કરવામાં આવ્યા. તેઓ ઇન્ટરનેશનલ એકૅડેમી ઑવ્ સિરૅમિક્સ, જિનીવાના સભ્ય રહી ચૂક્યા હતા. 1933માં કેન્દ્રીય વિજ્ઞાન કૉંગ્રેસના મહામંત્રી અને 1953માં ડૉ. આત્મારામ કેન્દ્રીય મૃત્તિકા સંઘના અધ્યક્ષ બન્યા.

ડૉ. આત્મારામે કેન્દ્રીય સેનાને એવાં ઉપકરણો તૈયાર કરી આપ્યાં, જેનાથી નિર્ધારિત લક્ષ્યને તોડી પાડી શકાય.

તેઓ માનતા હતા કે વિજ્ઞાનનો બૌદ્ધિક ક્ષેત્રે એકાધિકાર હોઈ શકે નહિ. ભારતે તેની જરૂરિયાતો માટે આત્મનિર્ભર બનવું જ રહ્યું. તેમણે છેલ્લે છેલ્લે એવી ટકોર કરી હતી કે રાષ્ટ્રની સમસ્યાઓનો ઉકેલ રાજનીતિજ્ઞોએ વિજ્ઞાનીઓના સહકારથી લાવવો જોઈએ.

પ્રહલાદ છ. પટેલ