ડૉલ્ફિન : સેટેશિયા શ્રેણીનાં ડૉલ્ફિનિડે કુળનું એક જળચર સસ્તન પ્રાણી. મોટાભાગનાં ડૉલ્ફિનો દરિયામાં વસે છે. કેટલાંક ડૉલ્ફિનો નદીમાં પણ વાસ કરતાં હોય છે. ચાંચ આકારનું તુંડ (snout) અને શંકુ આકારના દાંત એ ડૉલ્ફિનનાં વિશિષ્ટ લક્ષણો છે.
ડૉલ્ફિનનો આકાર ટૉર્પીડો જેવો હોય છે. અરિત્ર (flippers) નામે ઓળખાતાં તેનાં અગ્ર ઉપાંગો (forelimbs) ક્ષેપણી (paddle) જેવા આકારનાં હોય છે. તેને પશ્ચ ઉપાંગો હોતાં નથી. મોટાભાગનાં ડૉલ્ફિનોની પીઠ પર પૃષ્ઠ પક્ષ (dorsal fin) હોય છે. તરતી વખતે શરીરની સમતુલા જાળવવામાં અરિત્રો અને પૃષ્ઠ પક્ષ અગત્યનો ભાગ ભજવે છે. ડૉલ્ફિનને એક પુચ્છ પક્ષ (tail fin) પણ હોય છે. તરવામાં પુચ્છ પક્ષનો ઉપયોગ નોદક (propeller) તરીકે થાય છે.
ડૉલ્ફિનની ચામડી લીસી, રબર જેવી હોય છે. ચામડીની નીચે મેદસ્તર (blubber) આવેલો હોય છે. મેદસ્તર શરીરનું તાપમાન જાળવવા ઉપરાંત, ખોરાકનો સંગ્રહ પણ કરે છે. શીર્ષ પ્રદેશ પર ધમણ-છિદ્ર (blow hole) નામે ઓળખાતું, એકલ નાસિકા છિદ્ર હોય છે. ધમણ છિદ્ર દ્વારા ફેફસાં વાતાવરણના સંપર્કમાં રહે અને હવાનો વિનિમય કરે છે. સામાન્યપણે મિનિટદીઠ ડૉલ્ફિન બે વાર શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરે છે.
ડૉલ્ફિનમાં પ્રતિધ્વનિ-અવસ્થાપક (echo location) સોનર તંત્ર હોય છે. તેની મદદથી તે તરતી વખતે માર્ગમાં આવેલી વસ્તુઓનું સ્થાનનિર્ધારણ કરે છે. શીર્ષની ટોચે મેદીપેશીનું બનેલું મેલૉન નામનું એક અંગ આવેલું હોય છે. તેમાંથી ટિક અને સિસોટીના અવાજના તરંગો નીકળે છે. આ તરંગો માર્ગમાં આવેલી વસ્તુઓ સાથે અથડાતાં પ્રતિધ્વનિ સોનર તંત્રના સંપર્કમાં આવે છે. તેને પરિણામે ડૉલ્ફિન વસ્તુના નિશ્ચિત સ્થાનનું નિદાન કરી શકે છે. ડૉલ્ફિનનાં શ્રવણગ્રાહી અને ર્દષ્ટિગ્રાહી અંગો સારી રીતે વિકસેલાં હોય છે. ડૉલ્ફિનને ગંધગ્રાહી અંગો હોતાં નથી અને સ્વાદગ્રાહી અંગોનો વિકાસ અત્યલ્પ હોય છે.
ડૉલ્ફિનને દાંત સારી સંખ્યામાં હોય છે. કેટલાંકમાં તો દાંતની સંખ્યા 200 કરતાં પણ વધારે હોય છે. દાંતને લીધે મોંમાંનો ખોરાક છટકતો નથી. માછલી અને સેપિયા જેવાં પ્રાણીઓ ડૉલ્ફિનનો ખોરાક છે. સામાન્યપણે ડૉલ્ફિન ખોરાકને શીર્ષ બાજુએથી આખો ગળે છે.
વસંત ઋતુ ડૉલ્ફિનો માટે સંવનનકાળ બને છે. આ ઋતુ દરમિયાન નર અને માદા માથા વડે એકબીજાને સ્પર્શે છે અને સંભોગ કરે છે. 10–12 મહિના સુધી ગર્ભધારણ કર્યા પછી માદા બચ્ચાને જન્મ આપે છે. સામાન્યપણે દરેક વખતે ડૉલ્ફિન માત્ર એક બચ્ચાને જન્મ આપે છે. નવાઈની વાત તો એ છે કે પ્રસવકાળ દરમિયાન એક કે વધુ માદાઓ ગર્ભવતી માતાને મદદ કરવા લાગે છે. બાળક કદમાં માતાના 1/3 જેટલું હોય છે. જન્મ, જળાશયના પાણીની ઉપલી સપાટીએ થાય છે. બાળકને પહેલો શ્વાસ માતા લેવડાવે છે. એક વર્ષ સુધી માતા બચ્ચાને દૂધ પિવડાવે છે.
ડૉલ્ફિનો સામૂહિક જીવન પસાર કરતાં હોય છે. કાફલો એક પ્રભાવશાળી નર, કેટલીક માદાઓ અને તેમનાં બચ્ચાંઓનો બનેલો હોય છે. ઘણી વાર અનેક કાફલાઓ એકત્ર થાય. ટોળું 100થી 1000 જેટલાં ડૉલ્ફિનોનું બનલું હોય. ધમણછિદ્ર સાથે સંકળાયેલી હવાની ભરેલી કોથળીઓની મદદથી અવાજ કરીને સાથી તે ટોળામાં આવેલ સાથીઓના સંપર્કમાં રહે છે.
સામાન્યપણે ડૉલ્ફિન 25 અથવા થોડાં વધારે વર્ષો સુધી જીવે છે. દરિયાકિનારાથી નજીક 100 કિલોમીટર કરતાં ઓછા અંતરે વાસ કરતાં ડૉલ્ફિનો ઘણી વાર છીછરા પાણીમાં ફસાય છે. માનવી ફસાયેલાં ડૉલ્ફિનોને ઊંડાં પાણી તરફ વાળવામાં મદદ રૂપ બને છે. મદદ ન મળે તો ફસાયેલ ડૉલ્ફિન મૃત્યુ પામે.
હજારો વર્ષોથી માનવી ડૉલ્ફિન પ્રત્યે આકર્ષાયેલો છે. ડૉલ્ફિનો હોડીઓ સાથે સફર કરવા ટેવાયેલાં છે. આસપાસમાં ડૉલ્ફિન ફરતું હોય તો નાવિક પોતાની સફરને સુરક્ષિત ગણે છે. શીશીનાસા (bottle-nosed) ડૉલ્ફિનોને જળાશયો (aquaria), મનોરંજન-ઉદ્યાનો અને પ્રાણીસંગ્રહાલયોમાં પાળવામાં આવે છે. સ્વાદિષ્ટ માંસને લીધે પણ માનવી ડૉલ્ફિનનો શિકાર કરતો હોય છે. તેના તેલનો ઉપયોગ ઊંજક (lubricant) તરીકે થાય છે તેથી ડૉલ્ફિનનો શિકાર મોટા પાયા પર કરવામાં આવે છે. વળી કૉડ, બાંગડા, ટ્યૂના જેવી માછલીઓને પકડવાની જાળમાં મોટી સંખ્યામાં તે ફસાય છે અને નાશ પામે છે.
કેટલાંક સામાન્ય ડૉલ્ફિનો : 1. સામાન્ય ડૉલ્ફિન (Delphinus delphic) : નાના કદનાં ડૉલ્ફિનોની આ એક જાત છે, તે આશરે 2થી 2.5 મીટર લાંબું હોય છે. તેનું વજન 75 કિગ્રા. જેટલું હોય છે. તેની આંખની ફરતે ઘેરી પટ્ટી આવેલી હોય છે, જે ચાંચના આગલા છેડા સુધી લંબાયેલી હોય છે. સામાન્ય ડૉલ્ફિન ઉષ્ણકટિબંધ પ્રદેશમાં વસે છે અને મોટા ટોળામાં ફરતાં હોય છે. તે એક કિલોમીટર સુધી હોડીને અનુસરતાં હોય છે અને કૂદકો મારીને જોનારનું મનોરંજન કરે છે.
2. શીશીનાસા ડૉલ્ફિન (Tursiops fruncatus) : માનવીને સૌથી પરિચિત ડૉલ્ફિન. પોતાની નાની ચાંચને લીધે ડૉલ્ફિન જાણે મૃદુ હાસ્ય કરતું હોય તેવો આભાસ થાય છે. મનોરંજન ઉદ્યાનો અને જળાશયોમાં પોષવામાં આવતાં શીશીનાસા ડૉલ્ફિન માનવીને અત્યંત પ્રિય છે. શીશીનાસા 4-5 મીટર લાંબું હોય છે અને 200 કિગ્રા. જેટલું વજન ધરાવે છે.
3. કિલર વહેલ (Orcinus orca) : સૌથી લાંબું ડૉલ્ફિન. લંબાઈ આશરે 9 મીટર, વજન 450 કિગ્રા. જેટલું.
4. ગંગાનદીમાં વાસ કરનાર ડૉલ્ફિન (Platonista gangetisus) : ઉપર્યુક્ત જળાશયીન સસ્તન ઉપરાંત ઉષ્ણકટિબંધના દરિયામાં વાસ કરનાર માહી મચ્છી નામે ઓળખાતી માછલીને પણ ડૉલ્ફિન કહે છે. તેનું શાસ્ત્રીય નામ છે Oryphaena hippurus. લંબાઈ આશરે 2 મીટર, વજન 35થી 45 કિગ્રા. જેટલું. માહી મચ્છી તરવામાં કુશળ હોય છે. તેમનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે. ગંગા નદીની ડૉલ્ફિનને રાષ્ટ્રીય જળચર પ્રાણી જાહેર કરવામાં આવી છે.
દિલીપ શુક્લ