ડૉલ્ટન, જૉન (જ. 6 સપ્ટેમ્બર 1766, ઈગલ્સફીલ્ડ; અ. 27 જુલાઈ 1844, મૅન્ચેસ્ટર) : બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી અને રસાયણવિદ.

કુમ્બ્રિયાના નાના ગામમાં વણકરપુત્ર તરીકે ઉછેર. 15 વર્ષની વયે ગામ છોડી મધ્ય કુમ્બ્રિયાના કેન્ડલ ખાતે શિક્ષક તરીકે સ્થિર થયા. અહીં તેમની પ્રતિભાથી પ્રભાવિત થઈને અંધ વૈજ્ઞાનિક જૉન ગ્રાઉફે કરેલા સૂચન અનુસાર તેમણે હવામાનશાસ્ત્ર(meteorology)નો અભ્યાસ શરૂ કર્યો અને રોજના હવામાનની નોંધ રાખવા માંડી. તેમણે 1787માં શરૂ કરેલું એ કાર્ય જીવનના અંત સુધી, લગભગ 57 વર્ષ સુધી ચાલુ રાખ્યું. તેમની આ નોંધપોથીમાં 2,00,000 જેટલાં અવલોકનો નોંધાયેલાં હતાં. વરસાદ એ હવાના દબાણના ફેરફારને લીધે નહિ, પણ તાપમાનમાં થતા ઘટાડાને કારણે આવે છે એમ તેમણે સૌપ્રથમ સાબિત કરી આપ્યું. પાણીની મહત્તમ ઘનતા 5.84° સે. (પાછળથી 3.98° સે.) તાપમાને જોવા મળે છે તેવું તેમણે જણાવેલું. 1792માં તેમણે ‘મીટિઅરૉલૉજિકલ ઑબ્ઝર્વેશન્સ ઍન્ડ એસેઝ’ પ્રકાશિત કરી તેના વૈજ્ઞાનિક અભ્યાસની દિશા ખોલી આપી.

1787માં ધ્રુવીય પ્રકાશ(aurora)ની અદભુત ઘટનાથી ઉત્તેજિત થઈને તેમણે તેનો અભ્યાસ શરૂ કર્યો અને એવું તારણ કાઢ્યું કે ધ્રુવીય પ્રકાશ અને પૃથ્વીના ચુંબકત્વને સંબંધ હોવો જોઈએ.

1793માં મૅન્ચેસ્ટર આવી તેમણે ન્યૂ કૉલેજમાં વિજ્ઞાન શીખવવાનું શરૂ કર્યું. તેમના ભાઈને અને તેમને રંગ-અંધતા(protanopia)ની ખામી હતી, તેથી 1793માં તેમણે તે અંગે અભ્યાસ શરૂ કર્યો અને 1794માં પોતાનાં અવલોકનો ‘એકસ્ટ્રા-ઑર્ડિનરી ફૅક્ટ્સ રિલેટિંગ ટુ ધ વિઝન ઑવ્ ક્લર્સ’ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ કર્યાં. રંગ-અંધતાની ખામી હજુ પણ ‘ડૉલ્ટનિઝમ’ તરીકે ઓળખાય છે.

જૉન ડૉલ્ટન

સૈકાના અંતભાગમાં તેઓ રસાયણશાસ્ત્ર તરફ વળ્યા અને 1801માં તેમણે રજૂ કરેલ આંશિક દબાણના નિયમ (law of partial pressures)ને કારણે તેમને વૈજ્ઞાનિક જગતમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ. આ નિયમ મુજબ, વાયુમિશ્રણનું કુલ દબાણ એટલે એ મિશ્રણમાંનો પ્રત્યેક વાયુ સ્વતંત્ર રીતે વર્તીને મિશ્રણના કદ જેટલું જ કદ રોકે ત્યારે જોવા મળતા તેમના આંશિક દબાણનો સરવાળો. ડૉલ્ટને એમ પણ દર્શાવ્યું કે વાયુનું કદ તાપમાનના વધારા સાથે વધે છે. પાછળથી આ સિદ્ધાંત ચાર્લ્સના નિયમ તરીકે જાણીતો થયો. તેમણે વાયુના પ્રસરણ (diffusion) અને પાણીમાં વાયુની દ્રાવ્યતા અંગે પણ પ્રયોગો કર્યા. હવા એ વાયુઓનું મિશ્રણ છે એમ જણાવી તેમણે તેનું સંઘટન (composition) નક્કી કર્યું. બ્યૂટિલીનની શોધ ડૉલ્ટનને આભારી છે. ઈથરનું સંઘટન અને તેનું સૂત્ર પણ તેમણે નક્કી કર્યું હતું.

1803માં તેમણે રજૂ કરેલો દ્રવ્યનો પરમાણુ સિદ્ધાંત રસાયણશાસ્ત્રમાં પાયાનો સિદ્ધાંત ગણાય છે. આ સિદ્ધાંત મુજબ પ્રત્યેક તત્વ પરમાણુ તરીકે ઓળખાતા નાના ગોળાકાર કણોનું બનેલું હોય છે. આ પરમાણુઓ  અવિભાજ્ય અને અવિનાશી હોય છે. એક તત્વના પરમાણુ તેમના ગુણ અને વજનમાં સરખા હોય છે, જ્યારે ભિન્ન ભિન્ન તત્ત્વોના પરમાણુઓના વજન અને ગુણધર્મ વિભિન્ન હોય છે. વળી જુદાં જુદાં તત્ત્વોના પરમાણુઓ સાદા ગુણોત્તરમાં જોડાઈને રાસાયણિક સંયોજન ઉત્પન્ન કરે છે. આ વિધાન ગુણક પ્રમાણના નિયમ તરીકે ઓળખાય છે. પરમાણુ સિદ્ધાંતના આધારે રાસાયણિક સંયોજનના નિયમો, દ્રવ્યસંચયનો નિયમ વગેરે સફળતાપૂર્વક સમજાવી શકાયા. ડૉલ્ટને આ સિદ્ધાંતને પોતાના પુસ્તક ‘એ ન્યૂ સિસ્ટમ ઑવ્ કેમિકલ ફિલૉસૉફી’માં પ્રકાશિત કર્યો છે. પારમાણ્વિક દળના એકમને ડૉલ્ટન કહેવામાં આવે છે.

તેમને મળેલાં સન્માનમાં ઇંગ્લૅન્ડની રૉયલ સોસાયટીની ફેલોશિપ (1822), ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફ્રાન્સ (1826) અને ફ્રેન્ચ એકૅડેમી (1838)નું તેમજ બર્લિન, મ્યૂનિક અને મૉસ્કો એકૅડેમીનું સભ્યપદ, રૉયલ સોસાયટી તરફથી સુવર્ણચંદ્રક (1826), ઑક્સફર્ડ યુનિવર્સિટીની ‘ડૉક્ટર ઑવ્ સિવિલ લૉ’ની  માનાર્હ પદવી વગેરે ઉલ્લેખનીય છે.

જ. દા. તલાટી