ડૉલર : વિશ્વના કેટલાક દેશોનું મુખ્ય ચલણ તથા આંતરરાષ્ટ્રીય વિનિમયનું પ્રમુખ માધ્યમ. કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, હૉંગકૉંગ, સિંગાપોર, અમેરિકા વગેરે પંદરેક જેટલા દેશોના ચલણનું નામ ડૉલર છે; પરંતુ આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવહારોમાં ડૉલર એટલે અમેરિકાનું નાણું એમ જ સમજવામાં આવે છે કારણ કે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાનો ડૉલર અનૌપચારિક રીતે આંતરરાષ્ટ્રીય નાણું બન્યો છે.

ડૉલર આંતરરાષ્ટ્રીય નાણું એ અર્થમાં છે કે કોઈ એક દેશમાં નાણું જે કાર્યો બજાવે છે તે કાર્યો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ડૉલર બજાવે છે. દુનિયાના દેશો વચ્ચે ચાલતા વેપારમાં જે લેવડદેવડ કરવી પડે છે તે મુખ્યત્વે ડૉલરમાં હોય છે. એ રીતે ડૉલર  આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય કરે છે. બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના આશ્રયે જે આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા અસ્તિત્વમાં આવી તેમાં દુનિયાના અન્ય દેશો તેમનાં ચલણોનું મૂલ્ય સોનામાં દર્શાવવાની સાથે તેમનાં ચલણોની કિંમત ડૉલરમાં પણ અધિકૃત રીતે દર્શાવતા હતા. તેથી ડૉલર ગણતરીના એકમ તરીકે વપરાવા લાગ્યો. ગણતરીના એકમ તરીકેની ડૉલરની કામગીરી ક્રમશ: વિસ્તરતી ગઈ. દુનિયાના ઘણા દેશો તેમની આંતરરાષ્ટ્રીય લેવડદેવડનો હિસાબ તેમના પોતાના ચલણમાં રાખવાની સાથે ડૉલરમાં પણ રાખવા માંડ્યા. દુનિયાના દેશોની રાષ્ટ્રીય આવક તેમજ માથાદીઠ આવકની તુલના થઈ શકે તે માટે તે અમેરિકાના ડૉલરમાં રજૂ થવા લાગી. દુનિયાના દેશો આંતરરાષ્ટ્રીય અનામતોના રૂપમાં જે બચત કરે છે તેનો મોટો ભાગ અમેરિકાના ડૉલરમાં રાખે છે. એ રીતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અમેરિકાનો ડૉલર મૂલ્યસંચયના એટલે બચત રોકવાના સાધન તરીકેની કામગીરી બજાવે છે. દુનિયાના દેશો તેમના હૂંડિયામણના દરને ચોક્કસ સપાટી પર ટકાવી રાખવા માટે વિદેશી ચલણનાં જે ખરીદીવેચાણ કરે છે તે મુખ્યત્વે ડૉલરમાં હોય છે.

ડૉલરને આંતરરાષ્ટ્રીય નાણું બનાવનાર  પરિબળો : બીજા વિશ્વયુદ્ધ પછી ડૉલર આંતરરાષ્ટ્રીય નાણા તરીકે પ્રસ્થાપિત થયો તેની પાછળ ત્રણ કારણો જવાબદાર હતાં :

(1) બીજા વિશ્વયુદ્ધમાં (1939-45) મોટાભાગના ઔદ્યોગિક દેશોમાં વત્તાઓછા પ્રમાણમાં વિનાશ થયો હતો, જ્યારે અમેરિકા યુદ્ધની  વિનાશક અસરોમાંથી બચી ગયું હતું. તેથી તેની ઉત્પાદનશક્તિ યથાવત્ રહી હતી. તેથી યુદ્ધમાં તારાજી પામેલા દેશોની પુનર્રચના માટેની જરૂરિયાતો સંતોષવાની ક્ષમતા અમેરિકાનું અર્થતંત્ર જ ધરાવતું હતું. આથી ઔદ્યોગિક તેમજ અન્ય દેશોને અમેરિકામાંથી મોટા પ્રમાણમાં આયાતો કરવાની હતી, જ્યારે એ દેશોને અમેરિકા ખાતે નિકાસો કરવાની શક્તિ સીમિત હતી. તેને પરિણામે 1945થી 1949 દરમિયાન અમેરિકાના લેણદેણના સરવૈયા પર ભારે પુરાંત સર્જાઈ હતી. આનો અર્થ એવો હતો કે દુનિયાના દેશો જેટલા ડૉલર ખર્ચતા હતા તેની તુલનામાં ઓછા ડૉલર કમાતા હતા. તેથી દુનિયામાં ડૉલરની તંગી વરતાતી હતી. એ સ્થિતિને ડૉલર-ખાધ તરીકે વર્ણવવામાં આવી હતી. એ ખાધને ઘટાડવાના એક ઉપાય રૂપે સપ્ટેમ્બર, 1949માં દુનિયાના સંખ્યાબંધ દેશોએ તેમનાં ચલણોની કિંમત ડૉલરમાં ઘટાડી હતી, એટલે કે તેમનાં ચલણોનું  અવમૂલ્યન કર્યું હતું.

(2) બીજા વિશ્વયુદ્ધના અંતે અમેરિકા પાસે લગભગ 24 અબજ ડૉલરમૂલ્યની સોનાની અનામતો હતી. તેની તુલનામાં દુનિયાના દેશો પાસે લગભગ નવ અબજ ડૉલર હતા. અમેરિકાએ એક ઔંસ સોનાના 35 ડૉલરના ભાવે ડૉલરના બદલામાં સોનું આપવાની બાંયધરી આપી હતી. તે જવાબદારી અમેરિકા પાર પાડી શકે તેમ હતું. તેને  કારણે ડૉલરમાં રાખવામાં આવેલી અનામતો સોનામાં રાખવામાં આવેલી અનામતો જેવી જ હતી. એટલું જ નહિ, સોનાની તુલનામાં ડૉલરમાં રાખવામાં આવેલી અનામતોને અમેરિકામાં રોકીને ટૂંકા ગાળાના વ્યાજના દર પ્રમાણે કમાણી કરી શકાય છે, જ્યારે સોનામાં રાખવામાં આવેલી અનામતો પર એવી કમાણી થઈ શકતી નથી. તેથી દુનિયાના દેશો તેમની અનામતોનો મોટો ભાગ ડૉલરમાં રાખવાનું પસંદ કરે તે સ્વાભાવિક હતું.

(3) આંતરરાષ્ટ્રીય વેપારમાં અમેરિકાનો હિસ્સો મોટો હતો અને આજે પણ છે. 1958માં દુનિયાની નિકાસોમાં અમેરિકાનો હિસ્સો 16 % જેટલો હતો. જે 2004માં 10 ટકાથી ઓછો હતો. તેથી અમેરિકામાંથી આયાત કરતા દેશોને તેની ચુકવણી માટે ડૉલરની જરૂર પડે છે.

ડૉલરની પુરાંત : 1957 પછી ડૉલર-ખાધ ડૉલર-પુરાંતમાં બદલાઈ ગઈ. આના બે અર્થો થાય છે : એક દુનિયાના અન્ય દેશો પાસે જેટલા ડૉલર હતા, તેની તુલનામાં અમેરિકાના સત્તાવાળાઓ પાસે રહેલું સોનું ઓછું થતું હતું. 1960માં અમેરિકાની આંતરરાષ્ટ્રીય અનામતોનું મૂલ્ય 19.4 અબજ ડૉલર હતું, તેની સામે દુનિયાના અન્ય દેશોની મધ્યસ્થ બૅંકો પાસે 21 અબજ ડૉલર હતા. આમ અમેરિકા ઇચ્છે તો પણ ડૉલરના બદલામાં સોનું આપવાની સ્થિતિમાં રહ્યું ન હતું. આ સ્થિતિ ક્રમશ: વણસતી ગઈ. 1970માં અમેરિકા પાસે 11 અબજ ડૉલરનું સોનુ હતું, જ્યારે દુનિયાના અન્ય દેશોની મધ્યસ્થ બૅંકો પાસે આ સ્થિતિ 24 અબજ ડૉલરની હતી.

ડૉલર-પુરાંતનો બીજો અર્થ ઉપરની ચર્ચામાં અભિપ્રેત છે. દુનિયાના દેશો પાસે વધતા જતા ડૉલર, અમેરિકાના લેણદેણના સરવૈયા પરની  ખાધનું પરિણામ હતું. 1957 સુધી અમેરિકાના સરવૈયા પર વાર્ષિક લગભગ એક અબજ ડૉલરની ખાધ હતી. 1958 પછીનાં વર્ષોમાં તે વધીને વાર્ષિક સરેરાશ ત્રણ અબજ ડૉલર પર પહોંચી હતી. લેણદેણના સરવૈયા પરની ખાધ પૂરવા માટે અન્ય દેશોને ડૉલર, પાઉન્ડ, સ્ટર્લિંગ, જર્મનીનો માર્ક વગેરે વિદેશી ચલણોની જરૂર પડે છે, પરંતુ ડૉલર આંતરરાષ્ટ્રીય નાણું બન્યો હોઈ, અમેરિકા એ ખાધ પોતાનું ચલણ ચૂકવીને પૂરી શકે છે.

ડૉલરમાં અશ્રદ્ધા અને કટોકટી : ઉપર નોંધ્યું  છે તેમ, 1960ના અરસામાં અન્ય દેશોની મધ્યસ્થ બૅંકો પાસે રહેલા ડૉલર કરતાં અમેરિકાની સોનામાં રહેલી અનામતો ઓછી હતી. આ સ્થિતિમાં દુનિયાના કેટલાક દેશો પાસે જેમ જેમ ડૉલરમાં રહેલી અનામતો વધતી ગઈ તેમ તેમ ડૉલરનો સંચય વધારવાની તેમની ઇચ્છા ઘટતી ચાલી. તેમણે ડૉલરના બદલે સોનામાં જ અનામતો રાખવાનું અને વધારવાનું પસંદ કર્યું. સોનાનું મૂલ્ય 1934માં  એક ઔંસના 35 ડૉલર નક્કી કરવામાં આવ્યું હતું. એ પછી અન્ય તમામ  વસ્તુઓના ભાવો ઝડપથી વધ્યા હતા. સોનાનું મૂલ્ય સાપેક્ષ રીતે ઘટ્યું હોવાથી સોનાના ઉત્પાદનમાં મંદ ગતિએ વધારો થતો હતો. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય અનામતો માટે સોનાની માગ વધતી જતી હતી. તેથી સટ્ટાખોરો સોનાના ભાવવધારાની (એટલે કે ડૉલરના અવમૂલ્યનની) અપેક્ષા રાખતા હતા. તેના પરિણામે લંડનના આંતરરાષ્ટ્રીય સોનાબજારમાં ડૉલરના બદલામાં સોનાની ખરીદી માટે અપૂર્વ ધસારો થયો હતો. આ કટોકટી દ્વારા ડૉલરમાં અશ્રદ્ધા વ્યક્ત થઈ હતી. અમેરિકાના સરવૈયાની સતત ખાધથી પણ ડૉલરના મૂલ્ય વિશેની આશંકાઓ ઘેરી બની હતી. અમેરિકાને ડૉલરનું અવમૂલ્યન કરવાની ફરજ પડશે એવો મત ર્દઢ થતો જતો હતો. તેથી ડૉલરના બદલે જર્મનીના માર્ક અને જાપાનના યેન જેવાં સધ્ધર ચલણોમાં ટૂંકા ગાળાનાં રોકાણો કરવા તરફ સટોડિયા વળ્યા.

જર્મની અને જાપાનને તેમનાં ચલણોનું મૂલ્ય ડૉલરમાં વધી ન જાય તે માટે મોટા પ્રમાણમાં ડૉલર ખરીદવા પડ્યા. તેને પરિણામે એ બે દેશોની વિદેશી ચલણની અનામતોમાં જંગી વધારો થયો; દા. ત, પ. જર્મનીની વિદેશી ચલણની અનામતો ડિસેમ્બર, 1969માં 2.7 અબજ ડૉલરની હતી તે વધીને 1970ના ડિસેમ્બરમાં 8.5 અબજ ડૉલર પર પહોંચી હતી. છેવટે 1971માં ડૉલરની મૂળભૂત સધ્ધરતા વિશેની ભ્રમણા તૂટી પડી. દસકાઓ પછી પ્રથમ વખત અમેરિકાના સરવૈયાના ચાલુ વિભાગ પર ખાધ ઉપસ્થિત થઈ. આ સ્થિતિમાં ડૉલર સામેનો સટ્ટો તીવ્ર બનતાં 1971ના ઑગસ્ટમાં અમેરિકાએ ડૉલરના બદલામાં સોનું ચૂકવવાની તેણે 1934માં આપેલી બાંયધરીનો એકપક્ષીય ત્યાગ કર્યો અને 1971ના ડિસેમ્બરમાં ડૉલરનું સોનામાં 8.57 % અવમૂલ્યન કરાયું. એટલે કે સોનાનું સત્તાવાર મૂલ્ય એક ઔંસના 35 ડૉલરથી વધારીને 38 ડૉલર કરવામાં આવ્યું. જોકે ડૉલરના બદલામાં સરકાર  સોનું ચૂકવવાની નથી. સોનાની સાથે ડૉલરનું મૂલ્ય અન્ય ચલણોમાં સરેરાશ 12 % ઘટ્યું.

1971 પછી ડૉલરને સોનાનું પીઠબળ રહ્યું નથી એ મુદ્દાની નોંધ ઉપર લીધી છે. વળી 1973થી અસ્તિત્વમાં આવેલી હૂંડિયામણના મુક્ત દરોની પ્રથામાં વિદેશી ચલણોમાં ડૉલરની કિંમતમાં મોટી વધઘટ થતી રહી છે. જર્મનીના માર્ક તથા જાપાનના યેનમાં ડૉલરની કિંમતમાં ધરખમ ઘટાડો થયો છે; દા. ત., 1971માં  એક ડૉલરની કિંમત 350 યેન હતી, તે 1995ના મે મહિનાના છેલ્લા દિવસોમાં 83 યેન જેવી નીચી સપાટી પર પહોંચી ગઈ હતી. આમ છતાં, દુનિયાના દેશો તેમની આંતરરાષ્ટ્રીય અનામતોમાં ડૉલરનો સંચય કર્યે જાય છે. આ હકીકતમાંથી એ સ્પષ્ટ થાય છે કે આંતરરાષ્ટ્રીય નાણા તરીકે હજી ડૉલરમાં દુનિયાના દેશોનો વિશ્ર્વાસ ટકી રહ્યો છે. યુરોપીય સંઘના દેશોએ સહિયારા ચલણ તરીકે મૂકેલું ચલણ યુરો —— આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ડૉલરનું સ્થાન લઈ શક્યું નથી.

રમેશ ભા. શાહ