ડૉલોમાઇટ (Dolomite) : રાસા. બં. Camg(CO3)2; સ્ફ. વ.; હેક્ઝાગોનલ; સ્ફ. સ્વ. : સાદા રોમ્બોહેડ્રન સ્ફટિકો, ક્યારેક ફલકો વળાંકવાળા. સ્વરૂપ પ્રિઝમૅટિક, ભાગ્યે જ મેજઆકાર કે ઑક્ટાહેડ્રલ. દળદાર, સૂક્ષ્મથી સ્થૂળ દાણાદાર; ભાગ્યે જ રેસાદાર કે વટાણાકાર. યુગ્મતા (0001) સામાન્ય; પણ તે (1010), (1120) (1011) અને (0221) પૈકી ગમે તે ફલક પર મળી શકે. પારદર્શકથી મંદપારભાસક.

સંભેદ : પૂર્ણ-ભં.સ. : આછી વલયાકાર. બરડ; ચ. : કાચમયથી મૌક્તિક; રં. : રંગવિહીન, સફેદ, રાખોડી, લીલાશ પડતો, ઝાંખો કથ્થાઈ, ગુલાબી ઝાંયવાળો.

ચૂ. રં. : સફેદ; ક. : 3.5 – 4; વિ.ઘ. : 2.85. પ્રકા. અચ. : ω = 1.679, ε = 1.501. પ્રકા. સં. : –ve; પ્રા. સ્થિ. : જુદા જુદા સંજોગો હેઠળ તેમજ જુદી જુદી રીતે બહોળા પ્રમાણમાં વિસ્તૃત સ્તરો મળી રહે છે; ઉષ્ણજલીય પ્રક્રિયાના પરિણામરૂપ શિરાનિક્ષેપો તરીકે; ચૂનાખડકો કે ડૉલોમાઇટ ખડકોમાં શિરાઓ કે કોટરોમાં; મૅગ્નેશિયમધારક પરિવર્તિત બેઝિક અગ્નિકૃત ખડકોમાં. પ્રા.સ્થા. : યુ.એસ.એ., કૅનેડા, મેક્સિકો, બ્રાઝિલ, સ્પેન, જર્મની, ઑસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, ઇટાલી, યુરોપની ઘણી જગાએ તેમજ ભારતમાં તે મળે છે. ગુજરાતમાં છોટાઉદેપુરમાં તેના મોટા જથ્થા આવેલા છે, તેનું ખનનકાર્ય ચાલે છે અને કેટલાક ઉદ્યોગોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ડૉલોમાઇટમાંની Mg માત્રા અંશત: Feથી વિસ્થાપિત થતાં તે એંકેરાઇટ ખનિજમાં ફેરવાય છે, જે ડૉલોમાઇટનો લોહયુક્ત પ્રકાર ગણાય છે. તે જ રીતે Mg જો Caમાં ફેરવાય તો કૅલ્સાઇટ બને છે. Mg જો સંપૂર્ણપણે Feમાં ફેરવાય તો સિડેરાઇટમાં પરિવર્તિત થાય છે. આમ કૅલ્શાઇટ, ડૉલોમાઇટ એંકેરાઇટ, સિડેરાઇટ વગેરે સમરૂપ શ્રેણી રચે છે, આ ઘટના સમરૂપતા (isomorphism) તરીકે ઓળખાય છે.

ડૉલોમાઇટ ખડકનિર્માણ ખનિજ હોઈ તેને ખડક તરીકે પણ ઓળખાવી શકાય; ડૉલોમાઇટના ઠીકઠીક પ્રમાણવાળા ચૂનાખડકને ડૉલોમાઇટયુક્ત ચૂનાખડક કહેવાય છે. ડૉલોમાઇટ ક્યારેક બાષ્પાયનો (evaporites)ના સ્વરૂપમાં પણ તૈયાર થયેલા જોવા મળે છે. સિલિકાકરણથી તે ચર્ટનું સ્વરૂપ ધારણ કરે છે.

ડૉલોમાઇટીકરણ : મૂળભૂત કૅલ્શિયમ કાર્બોનેટ જે પ્રક્રિયા દ્વારા અંશત: કે પૂર્ણપણે કૅલ્શિયમ-મૅગ્નેશ્યિમ કાર્બોનેટમાં ફેરવાય તેને ડૉલોમાઇટીકરણ કહેવાય છે. કૅલ્શાઇટ કણોની નિક્ષેપક્રિયા થતી હોય તે વખતે કે પછીથી ગમે ત્યારે ડૉલોમાઇટીકરણ થઈ શકે. કૅલ્શાઇટ કણો અને વધુ પડતાં ખારાં પાણીનાં દ્રાવણો વચ્ચેની પ્રક્રિયાને પરિણામે પણ તે શક્ય બને છે; જેમ કે, પ્રવાળખડકોના ઊંડાઈવાળા વિભાગોમાં ડૉલોમાઇટીકરણ સારા પ્રમાણમાં થયેલું હોય છે. આ પ્રકારના ફેરફારને કારણે મૂળભૂત ખડકની સંરચનાઓ તેમજ તેમાંના જીવાવશેષો નષ્ટ થઈ જાય છે. કેટલાક ચૂનાખડકોમાં નાના કૅલ્શાઇટ કણો ડૉલોમાઇટમાં ફેરવાઈ જાય છે, મોટા કણો અને જીવાવશેષો જેમના તેમ રહી જાય છે અથવા તો તેમના પર ડૉલોમાઇટનું આવરણ ચઢી જાય છે, જ્યારે કેટલાક ખડકોમાં જીવાવશેષો ડૉલોમાઇટમાં પરિવર્તિત થાય છે અને ખડકમાંનું સંશ્લેષણ દ્રવ્ય જેમનું તેમ રહે છે. આથી ઊલટું, ડૉલોમાઇટમાંથી કૅલ્શાઇટ થવાની ક્રિયાને પ્રતિડૉલોમાઇટીકરણ (કૅલ્શાઇટીકરણ) કહેવાય છે, જેમાં ડૉલમાઇટધારક ખડક કૅલ્શાઇટધારક ખડકમાં ફેરવાઈ જાય છે. આ પ્રક્રિયા વિકૃતિ દ્વારા અથવા ડાયાજનેસીસ દ્વારા થઈ શકે છે.

2CaMg(CO3)2 + Sio2 = 2CaCO3 + MgSiO4 + 2CO2

ડૉલોમાઇટ       સિલિકા    કૅલ્શાઇટ   ઓલિવીન

20મી સદીના છેલ્લા બે દસકા દરમ્યાન ભારતનું  ડૉલોમાઇટ ખનિજનું વાર્ષિક સરેરાશ ઉત્પાદન આશરે 22 લાખ ટન રહેલું. જે પૈકી ગુજરાતનો ફાળો 2થી 3 લાખ ટન જેટલો રહેલો.

કૅલ્શાઇટ-ડૉલોમાઇટ મિશ્રણથી થતું વર્ગીકરણ–ખડક નામાભિધાન

ડૉલોમાઇટ : ગુજરાત : ગુજરાત રાજ્યમાં ડૉલોમાઇટનો કુલ અનામત જથ્થો 72 કરોડ ટન હોવાનો અંદાજ મૂકવામાં આવેલો છે.  તે મુખ્યત્વે અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકામાં, ભરૂચ જિલ્લાના નાંદોદ અને વાલિયા તાલુકાઓમાં, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં, પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં અને વડોદરા જિલ્લાના છોટાઉદેપુર અને પાવી-જેતપુર તાલુકામાં મળી આવે છે. આ પૈકી છોટાઉદેપુરનો ડૉલોમાઇટ મોટા જથ્થાઓમાં હોઈ ત્યાંનાં ઘણાં ગામોમાંથી ખોદી કાઢવામાં આવે છે. આ ઉપરાંત તે અમરેલીના જાફરાબાદ, બનાસકાંઠાના દાંતા તેમજ સાબરકાંઠાના ભિલોડા વિસ્તારમાં હોવાની નોંધ મળે છે.

ડૉલોમાઇટ ઉપયોગ : સખત અથવા પૂર્ણદગ્ધ ડૉલોમાઇટ રિફ્રેક્ટરી અગ્નિરોધક દ્રવ્ય તરીકે, ઈંટો કે ભઠ્ઠાના ચણતરકાર્યમાં, બેઝિક બેસીમર, કન્વર્ટરના તળિયામાં અને ટાયરોમાં; અર્ધદગ્ધ ડૉલોમાઇટ ખાતરો બનાવવામાં, ‘સોરેલ’ સિમેન્ટની બનાવટમાં, મંદ દગ્ધ ડૉલોમાઇટ સમુદ્રજળના–ચણતરચૂનાના–અને રંગોના શુદ્ધીકરણ માટે, મૅગ્નેશિયમ ધાતુ છૂટી પાડવામાં; દળદાર ડૉલોમાઇટ ઇમારતી પથ્થર તરીકે તેમજ સ્મારક કે શિલ્પો તૈયાર કરવામાં; કાંકરી કે ટુકડા-સ્વરૂપ ડૉલોમાઇટ રોડમેટલ, રેલવે-મેટલ અને સફેદ કૉન્ક્રીટની બનાવટમાં તેમજ ટાઇલ્સ-ઉદ્યોગમાં; ચૂર્ણ-સ્વરૂપ ડૉલોમાઇટ રંગો, કાચ અને સિરેમિક ઉદ્યોગોમાં, અપઘર્ષક તરીકે ધાતુ-ચમક (ઓપ) આપવામાં અને રસાયણ તરીકે રાસાયણિક ખાતરો તેમજ મૅગ્નેશિયમ-સંયોજનોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા