ડૉજિસ પૅલેસ, વેનિસ : ઇટાલીમાં વિવિધ સ્થાપત્યશૈલીમાં બનાવાયેલ ઇમારત-સંકુલમાં આવેલો વિખ્યાત પૅલેસ. સેન્ટ માર્કો પ્લાઝામાં આવેલ આ પૅલેસ સૌપ્રથમ નવમી સદીમાં બનાવાયો પણ એક યા બીજા કારણસર તેને ફરી ફરી બનાવવો પડ્યો. અત્યારના ડૉજિસ પૅલેસની રચના ઈ. સ. 1303થી 1438ના 135 વર્ષના સમયગાળામાં થયેલી. આ પૅલેસ ઇટાલીના મુક્ત સ્થાપત્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણી શકાય. વેનિસની ભૌગોલિક સ્થિતિને કારણે ચારે તરફ સમુદ્ર વડે રક્ષાયેલું હોવાથી તે શહેર કે ત્યાંના રાજવી-સંકુલ ફરતે રક્ષણાત્મક દીવાલની જરૂર ન હતી અને તેથી મુક્તતાનો અનુભવ કરાવતી સ્થાપત્યશૈલી પ્રયોજાઈ હશે. સ્થાપત્યના ક્ષેત્રને ઇમારત પૂરતું સીમિત ન રાખી તેને શહેરની સાથે સાંકળવાનો તથા નગરઆયોજનમાં નગરચૉક(plaza)ને વિકસાવવાનો આ એક ઉત્તમ પ્રયાસ છે. ડૉજિસ પૅલેસને વેનિસની વ્યાપારી પ્રજાની સમૃદ્ધિ, કળાપરખ તથા સામર્થ્યના પ્રતીક તરીકે ગણી શકાય. તેનું બાંધકામ
પણ વેનિસની સમૃદ્ધિની પરાકાષ્ઠાના સમયે થયું હતું. ડૉજિસ પૅલેસ ઇટાલીની ઉત્તમ ગૉથિક સ્થાપત્યશૈલીનું ઉલ્લેખનીય ઉદાહરણ ગણાય છે. આ સંકુલનો આશરે 500 મીટર લાંબો સંમુખ ભાગ (facade) મુખ્યત્વે ત્રણ માળનો છે જેમાંનો ઉપરનો સમગ્ર મજલો સોળમી સદીમાં આગમાં ભસ્મીભૂત થઈ જવાથી ફરી બનાવાયો છે.
રવીન્દ્ર વસાવડા