ડેવિસ, સ્ટુઅર્ટ (જ. 7 ડિસેમ્બર 1894, ફિલાડેલ્ફિયા, અમેરિકા; અ. 24 જૂન 1964 ન્યૂયૉર્ક) : ચિત્રકાર અને ગ્રાફિક કલાકાર. 1910થી 1913 દરમિયાન રૉબર્ટ હેનરી પાસે કલાનો અભ્યાસ કર્યો. જૉન સ્લોઅન સાથે ‘ધ માસિઝ’ નામના ડાબેરી સામયિકમાં ચિત્રકાર તરીકે કામગીરી બજાવી. ‘ધ આર્મરી શો’ નામની કૃતિ પછી તે ફ્રાન્સમાંના ‘આવાં ગાર્દ’ કલાપ્રવાહ તરફ વળ્યા, તેમાં તેમની ચિત્રરચનાનો મુખ્ય ઝોક ક્યૂબિઝમ તરફ વિશેષ રહ્યો. ‘લકી સ્ટ્રાઇક’ (1921) જેવાં કોલાજ શૈલીનાં ચિત્રો ‘પૉપ આર્ટ’નાં પુરોગામી બની રહ્યાં હતાં.
મહેશ ચોકસી