ડેવિસ, રૅમન્ડ (જુનિયર)

January, 2014

ડેવિસ, રૅમન્ડ (જુનિયર) (જ. 14 ઑક્ટોબર 1914, વૉશિંગ્ટન ડી. સી., અ. 31 મે 2006, બ્લૂ પૉઇન્ટ, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન રસાયણવિજ્ઞાની, ભૌતિકવિજ્ઞાની અને 2002ના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પુરસ્કારના સહવિજેતા.

રેમન્ડ ડેવિસ (જુનિયર)

ડેવિસના પિતા નૅશનલ બ્યૂરો ઑવ્ સ્ટાન્ડર્ડ્ઝના તસવીરકાર હતા. તેમનાં માતા દેવળની ગાયક મંડળી ચલાવતાં હતાં. તેમાં ડેવિસ કેટલાંક વર્ષો સુધી માતાને ખુશ કરવા તેના એક સભ્ય તરીકે જતા હતા. જોકે સૂરનું તેમનું જ્ઞાન ઓછું હતું. તેમનાથી 14 વર્ષ નાનો તેમનો ભાઈ વોરન કિશોરાવસ્થામાં તેમનો સાથીદાર હતો.

1938માં તેઓ યુનિવર્સિટી ઑવ્ મેરીલૅન્ડમાંથી રસાયણવિજ્ઞાનના સ્નાતક થયા. ત્યાંથી જ તેમણે અનુસ્નાતકની ઉપાધિ મેળવી. ત્યાર બાદ 1942માં યેલ યુનિવર્સિટીમાંથી ભૌતિક-રસાયણવિજ્ઞાનમાં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ મેળવી.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મોટા ભાગનાં વર્ષો તેમણે ઉટાહમાં રાસાયણિક શસ્ત્રોની કસોટીઓ કરવામાં ગાળ્યાં.

1946માં લશ્કરી કામગીરીમાંથી મુક્ત થતાં ઓહાયો ખાતે આવેલ મિઆમિસબર્ગમાં મોન્સાન્ટો કેમિકલ કંપનીની માઉન્ડ પ્રયોગશાળામાં પ્રયોજિત રેડિયો-રસાયણવિજ્ઞાનમાં યુ.એસ.ના પરમાણુઊર્જા પંચ માટે કામ કર્યું. 1948માં તેઓ બ્રુકહેવન નૅશનલ લૅબોરેટરી કે જે પરમાણુઊર્જાના શાંતિમય ઉપયોગો માટે સમર્પિત હતી તેમાં જોડાયા. અહીં તેમને ન્યૂટ્રિનોનો અભ્યાસ કરવાનું જણાવવામાં આવ્યું. રેડિયો-ઍક્ટિવિટીમાં થતી બીટાક્ષયની પ્રક્રિયામાં ન્યૂટ્રિનો નામના વિદ્યુતભારવિહીન અને લગભગ વજનવિહીન કણ ઉત્પન્ન થતા હોવાની આગાહી હતી; પરંતુ તેનું અલગ અસ્તિત્વ સાબિત થયું ન હતું. સૌર ઊર્જાનો સ્રોત સૂર્યમાં થતી ઉષ્મા-નાભિકીય પ્રક્રિયા છે. તેમાં જ્યારે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય છે ત્યારે એક હિલિયમ ન્યૂક્લિયસદીઠ બે ન્યૂટ્રિનો ઉત્પન્ન થાય છે, પરંતુ તે ચકાસી કેવી રીતે શકાય ? હજારો-અબજો ન્યૂટ્રિનોનો ફ્લક્સ દર સેકન્ડે માણસના શરીરમાંથી પસાર થઈ જાય છે, પરંતુ માણસને તેની ખબર પણ પડતી નથી. તેનું કારણ એ છે કે આ ન્યૂટ્રિનો દ્રવ્ય સાથે અતિશય મંદ આંતરક્રિયા કરે છે. 1000 અબજ સૌર ન્યૂટ્રિનો પૃથ્વીમાંથી પસાર થાય છે તે પૈકી એક જ ન્યૂટ્રિનો આંતરક્રિયા કરે છે. 1950ના અંતમાં રેમન્ડ ડેવિસે (જુનિ.) સોનાની ખાણમાં ઊંડે ન્યૂટ્રિનો પરખવા પ્રયત્નો કર્યા હતા. સૂર્યમાં ઉદભવતા મોટા ભાગના ન્યૂટ્રિનોની ઊર્જા એટલી તો મંદ હોય છે કે તેની પરખ મેળવવી અત્યંત દુષ્કર હોય છે.

ઇટાલીના ભૌતિકવિજ્ઞાની બ્રુનો પોન્ટેકોર્વોએ સૂચવ્યું છે કે ન્યૂટ્રિનો ક્લોરિનના ન્યૂક્લિયસ સાથે પ્રક્રિયા કરે તે પછી તેની પરખ મેળવવી શક્ય છે. આ પ્રક્રિયામાં આર્ગોનનો ન્યૂક્લિયસ અને એક ઇલેક્ટ્રૉન રચાય છે. આર્ગોન ન્યૂક્લિયસ રેડિયો-ઍક્ટિવ હોય છે અને તેનું અર્ધ-આયુ લગભગ 50 દિવસનું હોય છે.

રેમન્ડ ડેવિસે (જુનિ.) યુ.એસ.માં દક્ષિણ ડાકોટામાં સોનાની ખાણમાં ઊંડે એક મોટી ટાંકી મૂકી જેમાં 615 ટન ‘ટેટ્રાક્લોરો-ઇથિલીન’ ભરેલ. બધા મળીને તે ટાંકીમાં 2 × 1030 ક્લોરિનના પરમાણુઓ હતા. તેમણે ગણતરી કરી કે દર મહિને અંદાજે 20 ન્યૂટ્રિનો ક્લોરિન સાથે પ્રક્રિયા કરતા હોવા જોઈએ. બીજી રીતે કહેતાં 20 આર્ગોન પરમાણુઓ ઉત્પન્ન થવા જોઈએ. ડેવિસનું મૂળભૂત સંશોધન એ હતું કે તેમણે એવી પદ્ધતિ વિકસાવી જે આ આર્ગોન પરમાણુઓને પરખી શકતી હતી અને તેમની ગણતરી પણ કરી શકતી હતી. તેમણે ક્લોરિનમાં હિલિયમ વાયુ છોડ્યો અને આર્ગોન પરમાણુઓ તેમની સાથે જોડાઈ ગયા. 30 વર્ષના ગાળામાં સૂર્યમાંથી આવતા 2000 ન્યૂટ્રિનો આ રીતે પકડી પાડ્યા અને સાબિત કર્યું કે સૂર્યમાં થતી ઉષ્મા નાભિકીય પ્રક્રિયાથી સૌર ઊર્જા આપે છે. 2002માં રેમન્ડ ડેવિસ (જુનિ.), જાપાનના માસાતોશી કોશિબા અને અમેરિકાના રિકાર્ડો ગિઆકોનીને ખગોળ-ભૌતિકવિજ્ઞાનના બ્રહ્માંડકીય અને સૌર ન્યૂટ્રિનોને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ.

તેમને 1978માં નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝનું સાઇરસ બી. કોમસ્ટૉક પારિતોષિક, 1988માં અમેરિકન ફિઝિકલ સોસાયટીનું ટોમ ડબ્લ્યૂ. બોમર પારિતોષિક, 1992માં અમેરિકન ફિઝિકલ સોસાયટીનો ડબ્લ્યૂ. કે. એચ. પાનોફસ્કાય પુરસ્કાર, 1994માં અમેરિકન ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટીનું બેટ્રિસ એમ. ટિન્સ્લે પારિતોષિક, 1996માં અમેરિકન ઍસ્ટ્રૉનૉમિકલ સોસાયટીનું જ્યૉર્જ ઇલ્લેરી હેઇલ પારિતોષિક, 2000માં ભૌતિકવિજ્ઞાનનું વૂલ્ફ પ્રાઇઝ એનાયત થયાં હતાં.

ડેવિસનાં લગ્ન એન્ના ટોર્રે સાથે બ્રુકહેવનમાં થયાં હતાં. તેમને પાંચ સંતાનો થયાં હતાં. ડેવિસનું મૃત્યુ અલ્ઝાઇમર્સ ડિસીઝથી થયું હતું.

વિહારી છાયા