ડેવિસની સામુદ્રધુની : કૅનેડાના ઉત્તર પૂર્વ ભાગ અને ગ્રીનલૅન્ડ વચ્ચે આવેલી સામુદ્રધુની. 64°થી 70° ઉત્તર અક્ષાંશ અને 50°થી 70° પશ્ચિમ રેખાંશ વચ્ચે તે આવેલી છે. તેની ઉત્તરમાં બૅફિન ઉપસાગર, દક્ષિણમાં ઍટલાન્ટિક મહાસાગર, પશ્ચિમ તરફ બૅફિન ટાપુ અને પૂર્વ બાજુએ ગ્રીનલૅન્ડ આવેલા છે. બૅફિન ટાપુ અને ગ્રીનલૅન્ડ ડેવિસની સામુદ્રધુની વડે જોડાયેલા છે.
વિશ્વનો સૌથી ઠંડો લાબ્રાડૉરનો પ્રવાહ આ સામુદ્રધુનીમાંથી પસાર થઈને દક્ષિણ તરફ આવે છે. શિયાળાની અતિશય ઠંડીને કારણે બરફ જામી જવાથી પૂર્વ અને પશ્ચિમ કિનારાનાં બંદરો બિનઉપયોગી બની જાય છે. ઉનાળાની ઋતુમાં બરફ પીગળતાં આ વિસ્તાર માછીમારી માટે ઉપયોગી બને છે. આ સામુદ્રધુનીનું શીત કટિબંધનું સ્થાન, લાબ્રાડૉરનો ઠંડો પ્રવાહ, છીછરો પાણીનો વિસ્તાર અને કૅનેડા તથા ગ્રીનલૅન્ડની ઉપલબ્ધ આધુનિક સગવડોને કારણે અહીં મત્સ્યઉદ્યોગ વિકાસ પામ્યો છે. કૅનેડા અને ગ્રીનલૅન્ડનો કિનારો વિશાળ ખંડીય છાજલી છે જે મત્સ્યઉદ્યોગના વિકાસ માટે સૌથી વધુ ઉપયોગી છે. ગ્રીનલૅન્ડની રાજધાની ગૉટહૉબ તેના પશ્ચિમ કિનારાના દક્ષિણ વિસ્તારમાં છે.
ગિરીશ ભટ્ટ