ડેલિયન સંઘ : ઍથેન્સના નેતૃત્વ હેઠળ ગ્રીક રાજ્યોનો સંઘ. ઈ. સ. પૂ. 480-479માં ઈરાન અને ગ્રીસ વચ્ચે જે લડાઈઓ થઈ એમાં ઈરાનનો પરાજય થયો, પરંતુ એ પછી ગ્રીક લશ્કરનો સેનાપતિ અને સ્પાર્ટાનો રાજવી પોસાનિયસ ઈરાનતરફી બની ગયો. તેથી સ્પાર્ટાએ ગ્રીક રાજ્યોનો વિશ્વાસ ગુમાવ્યો. ઍથેન્સના અરિસ્ટાઇડીઝ અને સિમોન  નામના નેતાઓએ હવે ઍથેન્સની આગેવાની નીચે ગ્રીક રાજ્યોનો એક સંઘ રચવાનું નક્કી કર્યું. ગ્રીસનાં રાજ્યો એમાં સંમત થતાં ઈ. સ. પૂ. 477માં એની સ્થાપના થઈ. એનો મુખ્ય હેતુ ઈરાન સામે શક્તિશાળી સંયુક્ત નૌકાકાફલો તૈયાર કરવાનો હતો. ડેલોસ નામના ટાપુમાં એનું મુખ્ય મથક હતું તેથી તે ‘ડેલિયન સંઘ’ તરીકે ઓળખાયો. ડેલોસમાં આવેલા પ્રસિદ્ધ અપૉલોના મંદિરમાં એની સભાઓ મળતી. ડેલોસની પાસે જ ઍથેન્સ આવેલું હતું. અને ડેલિયન સંઘમાં ઍથેન્સનો નાણાકીય તથા લશ્કરી ફાળો વિશેષ પ્રમાણમાં હોવાથી તેનું વિશેષ પ્રભુત્વ રહ્યું.

ડેલિયન સંઘનાં સભ્ય-રાજ્યોએ વહાણો દ્વારા અથવા રોકડ રકમ દ્વારા એમનો ફાળો આપવાનો હતો. શરૂઆતમાં ડેલિયન સંઘનું કામકાજ લોકશાહી ધોરણે થતું. ઍરિસ્ટાઇડીઝ સિમોન થેમિસ્ટકલીઝ, પેરિક્લીઝ વગેરે નેતાઓએ કુશળ સંચાલન  દ્વારા એની પ્રતિષ્ઠા વધારી. થેસૉસ, લેઝબૉસ, સેમૉસ વગેરે કેટલાક ટાપુઓને ઈરાનના વર્ચસમાંથી મુક્ત કરવામાં  આવ્યા, પરંતુ એ પછી ઈરાનનો ભય ઓછો થયો અને ઍથેન્સની સત્તા તથા જોહુકમી વધતાં ગયાં. સંઘનાં રાજ્યો એનાં ખંડિયાં અથવા તાબેદાર રાજ્યો હોય એ રીતનો વર્તાવ ઍથેન્સ કરવા લાગ્યું. સભ્ય રાજ્યોના આંતરિક વહીવટમાં ઍથેન્સની દખલગીરી  વધવા માંડી. કોઈ રાજ્ય સંઘમાંથી છૂટા થવાનો પ્રયત્ન કરે તો એને લશ્કરી બળથી કચડી નાખવામાં આવતું.

ઈ. સ. પૂ. 446 આસપાસ પેરિક્લિઝે ડેલિયન સંઘને ઍથેન્સના સામ્રાજ્યમાં ફેરવી નાખ્યો. અંતે, જ્યારે એણે સંઘની તિજોરી ડેલોસમાંથી ઍથેન્સમાં ખસેડી ત્યારે સંઘનાં રાજ્યોનો રોષ ભભૂકી ઊઠ્યો. ઍથેન્સની પકડમાંથી છૂટવા ગ્રીસમાં આંતરવિગ્રહ શરૂ થયો, જેણે પાછળથી ગ્રીસની એકતા અને આઝાદીનો નાશ કર્યો.

મુગટલાલ પોપટલાલ બાવીસી