ડેલ્ટા (ત્રિકોણપ્રદેશ) : નદીમુખની આજુબાજુના વિસ્તારમાં જળવહન સાથે ખેંચાઈ આવતા કાંપ તરીકે ઓળખાતા સૂક્ષ્મખડકદ્રવ્યથી રચાતો નિક્ષેપજથ્થાનો પ્રદેશ. ‘ડેલ્ટા’ અંગ્રેજી શબ્દ છે અને ગ્રીક ભાષાના મૂળાક્ષર ડેલ્ટા Δના ત્રિકોણાકાર પરથી પ્રયોજાયેલો છે. નદી જ્યાં સમુદ્ર કે સરોવરને મળે તેને નદીમુખ કહે છે. સામાન્ય રીતે, કાંપજમાવટ ત્યારે જ થઈ શકે જ્યારે નદીમુખ પર ભરતી કે મોજાંની અથડામણ થતી ન હોય, નહિ તો જામતો જતો કાંપ વેરવિખેર થઈ જાય. ડેલ્ટાની રચના નદીની કિનારારેખાથી સમુદ્ર તરફ આગળ ધપતી હોય છે. કૉલકાતા નજીક તૈયાર થયેલું સુંદરવન આ રીતે નવસાધ્ય બનેલો ભૂમિભાગ છે.

ડેલ્ટા (ત્રિકોણપ્રદેશ)
T – ડેલ્ટાનો ટોચસ્તર, F – ડેલ્ટાનો મધ્યસ્તર, B – ડેલ્ટાનો તલીય સ્તર

ગંગાનો ત્રિકોણપ્રદેશ

નદીનાં જળ સમુદ્રમાં આવી મળે ત્યારે તેના પ્રવાહની ગતિ અવરોધાય છે. જળસહિત ખેંચાઈ આવતો કાંપ નદીમુખની આજુબાજુ ઠલવાતો જાય છે, રોજબરોજની આ એકધારી ક્રિયાને પરિણામે એકત્રિત થતો જતો નિક્ષેપ ક્રમશ: આજુબાજુ વિસ્તરતો જાય છે. નદી અહીં તેના વિકાસની અંતિમ અવસ્થાના અંતિમ ચરણમાં હોઈને ધસારો અને વહનક્રિયા કરી શકતી નથી, માત્ર જમાવટ જ કરી શકે છે. ઉપરાઉપરી જમા થયેલો કાંપજથ્થો જો પાણીના પ્રવાહની સપાટીથી ઊંચો આવે તો, તે પાછળના પાણીના ભરાવાથી અનુકૂળ જગાઓમાં કપાતો જઈ શાખા-પ્રશાખાઓમાં વહેંચાઈ જાય છે. આમ ઉપરવાસમાંથી  વહી આવતી એકમાર્ગી નદી ફાંટાઓના રૂપમાં ફેરવાઈને સમુદ્રને મળે છે. આ રીતે કાંપજથ્થાની રચનાનું માળખું વિસ્તરતું જઈ ત્રિકોણાકાર ર્દશ્યસ્વરૂપ ઊભું કરે છે. ત્રિકોણાકારનો શિખાગ્રભાગ ભૂમિ તરફ અને પહોળો ભાગ સમુદ્ર તરફ હોય છે. તેની ત્રિજ્યા કિલોમીટર કે વધુ માપવાળી હોય છે, જામેલા કાંપના સ્તરોની જાડાઈ પણ ઘણા મીટરની હોય છે, તેમ છતાં ત્યાં થતી વર્ષાના પ્રમાણ અને જળવેગ મુજબ ઉપરના પડનો કેટલોક ભાગ ધોવાઈ પણ જાય છે, જેની પૂરણી ફરી પાછી થઈ જતી હોય છે.

વિમાર્ગી પ્રવાહસ્તર દર્શાવતી ડેલ્ટા-રચના

ત્રિકોણપ્રદેશની રચનાની આ આખીય પ્રક્રિયા જરા જટિલ ગણાય છે. નદીજળ અનેક ફાંટાઓમાં વહેંચાઈ જાય છે. ક્યારેક વચ્ચે વચ્ચે એક કે વધુ નાનાં નાનાં છૂટાંછવાયાં ખાડીસરોવર રચાય છે તો ક્યારેક પ્રાકૃતિક તટબંધ(levees)ની રચના પણ  થતી હોય છે. ક્યાંક સદાકાળ ભીનો રહેતો પંકવિસ્તાર કે કળણ બની રહે છે તો વળી નદીનાળ-વિભાગો કે નાનકડી ખાડીઓની અન્યોન્ય ગૂંથણી પણ થઈ જાય છે. દુનિયાના મોટાભાગના ત્રિકોણપ્રદેશો આ રીતે ગૂંચવણભર્યાં સ્વરૂપોવાળા અને વિવિધ લક્ષણોવાળા જોવા મળે છે; પરંતુ સામાન્ય પ્રકારના ત્રિકોણપ્રદેશોમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની રચનાઓ થયેલી જોવા મળે છે :

(1) ડેલ્ટાના તલીય સ્તર (bottomset beds)  જે સમુદ્ર તળ ઉપર ત્રિકોણપ્રદેશના માળખાથી દરિયા તરફ દૂર વિસ્તરેલા હોય છે. (2) ડેલ્ટાના મધ્ય સ્તર (foreset beds) પ્રથમ પ્રકારના સ્તરોની ઉપર, ત્રિકોણપ્રદેશના માળખાથી દરિયાની બહાર તરફના ભાગ પર વિસ્તરેલા હોય છે. (3) ડેલ્ટાના ટોચના સ્તર (topset beds) : ડેલ્ટાના મધ્ય  સ્તરોની ઉપર તેમની જમાવટ થયેલી હોય છે. આ ત્રણે ભાગમાં થતી રચનાની પ્રતિકૃતિ પ્રવાહપ્રસ્તરમાં જોઈ શકાય છે. ત્રિકોણ-પ્રદેશીય માળખું આ પ્રકારનાં જળકૃત લક્ષણો દ્વારા સહેલાઈથી પારખી શકાય છે. કણજમાવટ પૈકી સામાન્ય રીતે, સેન્દ્રિય દ્રવ્ય સહિત વિવિધ પરિમાણવાળા રેતીકણો, માટીદ્રવ્ય અને કાંપકાદવ હોય છે. નદીજળ સાથે વહન પામીને આવતો દ્રવ્યજથ્થો સમુદ્રજળના સંપર્કમાં આવતાં જ કલિલ પેદા થાય છે અને નિક્ષેપરચના થતી જાય છે.

ગંગા-બ્રહ્મપુત્ર, ઇરાવદી, સિંધુ, નાઇલ, મિસિસિપી તથા ઍમેઝોનના વગેરે ત્રિકોણપ્રદેશો દુનિયાભરમાં જાણીતા છે.

ગિરીશભાઈ પંડ્યા