ડેકા, હરેકૃષ્ણ (જ. 1943) : આસામી સાહિત્યકાર. તેમની કૃતિ ‘આન એજન’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1987ના વર્ષનો પુરસ્કાર અપાયો હતો. ગુવાહાટી યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. કર્યા પછી તેઓ ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા. 1988માં તેઓ ગુવાહાટીના પશ્ચિમી રેંજના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑવ્ પોલીસ તરીકે નિમાયા હતા.
તેઓ નૈસર્ગિક પ્રતિભાશક્તિ ધરાવતા લેખક છે. પોલીસ અધિકારી તરીકેની અત્યંત વ્યસ્ત જિંદગી છતાં, તેમણે પુરસ્કૃત કૃતિ ઉપરાંત, ‘સ્થારા બોર’ તથા ‘રાતીર શોભાયાત્રા’ નામના 2 કાવ્યસંગ્રહો આપ્યા છે. તેમનાં કાવ્યોમાં જીવનના અસાધારણ અનુભવોની લયાત્મક ભાષામાં અભિવ્યક્તિ જોવા મળે છે. ‘પ્રાકૃતિક આરુ અન્યાય’ શીર્ષકથી ટૂંકી વાર્તાઓનો એક સંગ્રહ પણ તેમણે આપ્યો છે. તેમાં સૌથી દીન વ્યક્તિનું જીવન પણ વ્યર્થ નથી એવો ર્દઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.
પુરસ્કૃત કૃતિ કાવ્યસંગ્રહ છે અને તેમાં તીવ્ર સામાજિક આલોચના તથા સંજોગોનો ભોગ બનતા લોકો પ્રત્યેની ઊંડી સંવેદના આલેખાયાં છે. આ કવિતામાં સત્યમ્, શિવમ્ તથા સુંદરમ્ માટેની કવિની ઝંખના સ્પષ્ટ રીતે જોવા મળે છે. ઉત્કૃષ્ટ ભાષાપ્રયોગ, જીવંત કલ્પનો તથા કાવ્યોચિત સંવેદનાને કારણે સમકાલીન આસામી સાહિત્યમાં આ કાવ્યસંગ્રહ મહત્વનું પ્રદાન લેખાય છે.
મહેશ ચોકસી