ડેઉસ એક્સ મૅક્નિ : નાટ્યસંદર્ભમાં વપરાતા મૂળ ગ્રીક શબ્દસમૂહનું લૅટિન ભાષાંતર. તેનો શબ્દાર્થ થાય ‘યંત્રમાંથી અવતરતા દેવ’. તાત્વિક રીતે જોતાં નાટ્યવસ્તુનો વિકાસ સાધવા કે સમાપન માટે કોઈ કૃત્રિમ તરકીબ (device) પ્રયોજવામાં આવે અથવા કોઈ નાટ્યબાહ્ય પરિબળ કે તત્વ તરફથી કોઈ અણધાર્યો કે અસંભવિત હસ્તક્ષેપ કરવામાં આવે તેને આ રીતે ઓળખવામાં આવે છે. ગ્રીક નાટકમાં  વપરાતી આવી યાંત્રિક પ્રયુક્તિના વર્ણન માટે ઍરિસ્ટૉટલ તથા હૉરસે આ શબ્દપ્રયોગ કર્યો હતો. આવી યાંત્રિક યુક્તિ વડે ગ્રીક દેવ-દેવીનું રંગમંચ પર અવતરણ કરાવાતું. આ દૈવી પાત્રો નાટ્યવસ્તુમાં પાત્રના વર્તનથી  જન્મેલી કોઈ વિષમ પરિસ્થિતિનું અથવા કોઈ ગૂંચ કે મુશ્કેલીનું નિવારણ કરવાની કામગીરી બજાવતાં. યુરિપિડીઝે આનો બહોળો ઉપયોગ કર્યો હતો, જ્યારે સૉફક્લીઝ અને ઈસ્કીલસે એ પ્રયુક્તિ અપનાવી ન હતી. અર્વાચીનોમાં બ્રેખ્તે ‘થ્રી-પેની ઑપેરા’(1928)માં આ પ્રયુક્તિના દુરુપયોગની હાંસી ઉડાવી છે. વ્યાપક રીતે તો નાટક જ નહિ પણ કોઈ પણ સાહિત્યપ્રકારમાં વિષમ પરિસ્થિતિના આકસ્મિક નિવારણ માટે તદ્દન અણધાર્યા હસ્તક્ષેપ કે વિષયબાહ્ય અસંગત દરમિયાનગીરી આ નામે જ ઓળખાય છે. મોલિયેરના નાટક ‘ટારટફ’(1664)ના અંતે અચાનક આવીને ખુદ રાજા જે રીતે નાટ્યવસ્તુમાં હસ્તક્ષેપ કરે છે તે પણ આ પ્રયુક્તિનું ર્દષ્ટાંત છે. કેટલાકના મતે આ પ્રકારની તરકીબ શૈલીગત ઊણપ લેખાય છે.

ગુજરાતની ધંધાદારી રંગભૂમિ પર પણ આ જ પ્રકારે યાંત્રિક તરકીબ વડે દેવદેવીઓને રંગમંચ પર ઉતારવાની અને નાટ્યવસ્તુમાં સક્રિય ભાગ લેતાં કરવાની પ્રથા પ્રચલિત થઈ હતી.

મહેશ ચોકસી