ડૂબક બખોલ (sink hole) : ચૂનાખડકોના પ્રદેશોમાં અમુક સ્થાનોમાં ધોવાણની લાંબા ગાળાની એકધારી અસરને કારણે તેમજ દ્રાવણની રાસાયણિક ક્રિયાને કારણે ખડકની ભૂમિસપાટીથી નીચે તરફ તૈયાર થયેલી, ઊંડા વિભાગો સાથે સંપર્ક ધરાવતી બખોલ. તેમાં ઊતરતું પાણી નીચે તરફ જાય, અર્દશ્ય પણ થઈ જાય, પરંતુ પ્રવેશમાર્ગ ક્યારેક, જો અવરોધાઈ જાય તો તેમાં પાણીનો ભરાવો થવાથી જળાશય જેવું બની રહે. સિંધવ કે ચિરોડી જો દ્રાવણમાં ફેરવાઈ જાય, તોપણ ડૂબક બખોલ બની શકે. ચૂનાખડકની ગુફાઓની છત બેસી જવાથી પણ ડૂબક બખોલ બનતી હોય છે.

ડૂબક બખોલ (130 મીટર લાંબી, 106 મીટર પહોળી અને 46 મીટર
ઊંડી) (આલાબામા, યુ. એસ.)
ગિરીશભાઈ પંડ્યા