ડી બેરી, હેઇનરિક ઍન્ટૉન

January, 2014

ડી બેરી, હેઇનરિક ઍન્ટૉન (જ. 26 જાન્યુઆરી 1831, સ્ટ્રાસબર્ગ,; અ. 19 જાન્યુઆરી 1886, સ્ટ્રાસબર્ગ) : પ્રખર જર્મન ફૂગશાસ્ત્રી. તેમણે શ્લેષ્મફૂગ (slime molds); ફાયટોપ્થોરા ઇન્ફેસ્ટાન તેમજ ઘઉંમાં કાળા ગેરુનો  રોગ કરતી ફૂગ પક્સિનિયાના જીવનચક્રનો અભ્યાસ કર્યો હતો.

તેમણે જણાવ્યું  કે પક્સિનિયા ફૂગને જીવનચક્ર પૂરું કરવા બે યજમાન વનસ્પતિની જરૂર પડે છે. (1) દારુહળદર (barberry) યજમાન વનસ્પતિ પર તે ચષાબીજાણુ (aecisopore) અવસ્થામાંથી પસાર થાય છે જ્યારે (2) ઘઉંના છોડ પર નિદાધબીજાણુ (urediospore) અને શિશિરબીજાણુ (teleutospore) અવસ્થા જોવા મળે છે.

તેમણે ફૂગવિદ્યામાં શ્લેષ્મફૂગને લગતાં બે પુસ્તકો જર્મન ભાષામાં લખ્યાં (1864–1887).

બ્રીફેલ્ડ નામના તેમના જ એક વિદ્યાર્થીએ ફૂગનું શુદ્ધ સંવર્ધન પ્રાપ્ત કરવાની પદ્ધતિ શોધી કાઢી અને ફૂગના સંવર્ધન માટેનાં વિવિધ પોષણ-માધ્યમોનું સૂચન કર્યું. આના પરિણામે ફૂગવિદ્યામાં અનેક સંશોધનોને વેગ મળ્યો અને તેની શાખાઓનો ઝડપી વિકાસ થયો.

ડી બેરીએ પોતાના જીવનકાળ દરમિયાન એક શાળા ખોલી અનેક વિદ્યાર્થીઓને કેળવણી આપી તેમજ સંશોધનકાર્યને ઉત્તેજન આપ્યું.

પ્રમોદ રતિલાલ શાહ